ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ઝગમગાટનો ઉત્સવ દિવાળી – ભગવતી પંચમતીયા

દિવાળીનો તહેવાર એટલે ઝગમગાટનો ઉત્સવ. ચારે તરફ ખુશી અને આનંદનો માહોલ. ઘર અને તેની આસપાસનું વાતાવરણ સ્વચ્છ કરવાનો અને શણગારવાનો અવસર. દિવાળીનાં તહેવારને અનુલક્ષીને હું ઘરની સફાઈ કરી રહી હતી. ગોઠવી રાખેલા કાર્યક્રમ અનુસાર ઘરની તમામ વસ્તુઓની વારાફરતી સફાઈ કરી રહી હતી. ત્યાં જ મનમાં એક વિચાર ઝબકયો કે હું ઘરની તો તમામ વસ્તુઓની સાફ સફાઈ કરી રહી છું. તો વળી દરેક સ્થુળ વસ્તુઓને ધોઈને, લૂછીને આવશ્યકતા અનુસાર સાફ પણ કરી રહી છું. પણ મેં ક્યારેય મનની સફાઈ વિષે વિચાર્યું છે ખરું? તનની સફાઈ તો આપણે સ્નાન દ્વારા દરરોજ કરીએ જ છીએ. પણ મનનું શું? મન – કે જે આપણે હંમેશાં માર્ગદર્શન આપતું રહે છે. જે આપણાં માટે સતત વિચારો કરતું રહે છે. જો એનું સાંભળીએ તો ક્યારેય આપણે ગેરમાર્ગે દોરતું નથી. કોઈ બીજું સાથ આપે કે ન આપે પરંતુ, મન આપણે ક્યારેય એકલાં કે અધવચ્ચે છોડી દેતું નથી. આવાં મન માટે મેં શું કર્યું છે અથવા હું તેનાં માટે શું કરી શકું? ને હું વિચારે ચડી ગઈ.

આપણું મન કંઈ કેટલાંયે સુખ, દુઃખ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, વેર, ઈર્ષા, ગમા, અણગમા, પસંદ, નાપસંદ એવી અગણિત લાગણીઓને સંઘરી રાખતું હોય છે. આપણે જાતે કરેલી ભૂલો, કોઈ બીજાં તરફથી આપણાં માટે નુકશાનકર્તા બનેલી ભૂલો, કોઈએ આપણે પહોંચાડેલું શારીરિક, આર્થિક કે માનસિક નુકશાન – આવી તો અનેક વાતો અને અવ્યક્ત તથા અપૂર્ણ ઈચ્છાઓનો જમેલો આપણાં મન પર કબજો જમાવીને બેઠો હોય છે. તેમાંથી મનને મુક્ત કરવું તે જ મનની સફાઈ! જો કે મનમાં સમાયેલી અમાપ અને અદમ્ય ઈચ્છાઓને પૂર્ણતયા પૂરી કરવા માટે કોઈ જ સક્ષમ નથી. પરંતુ, કેટલીક વાતો આપણાં અંકુશમાં હોય છે ખરી. જેમ કે, આપણે કરેલી ભૂલ માટે ક્ષમા માંગી લેવી અને કોઈ ક્ષમા માંગે તો તેમને માફ કરી દેવાં. તેમાં પણ કોઈની ક્ષમા માંગવી થોડું સહેલું કામ છે. પરંતુ, મન મોટું રાખીને કોઈને માફ કરી દેવા તે બહુ અઘરું છે. કોઈએ આપણી લાગણીઓની પરવા કર્યા વગર જો તેને ઠોકરે ચડાવી હોય, કોઈ આપણી લાગણીઓ જોડે રમત રમ્યું હોય તેવી વ્યક્તિને માફ કરતાં પહેલાં જરૂર મન પાછું પડે છે!

શારીરિક તકલીફને માણસ હજુ ભૂલી જવા પ્રયત્ન કરે. પણ, એક વાર જો મન વીંધાઈ જાય તો સામે પક્ષે રહેલાં વ્યક્તિને ક્ષમા આપવી મન માટે જરૂર અઘરી બની રહે છે. જો કે દુનિયામાં અશક્ય કશું જ નથી. પરંતુ, મુશ્કેલ જરૂર છે! ક્ષમા આપવા માટે મનને સમજાવવું જ રહ્યું. જેમ નાનાં બાળકો જયારે જીદ પકડે ત્યારે તેને સમજાવી લેવાં તે સૌથી સારો રસ્તો છે, તેવી જ રીતે મનને પણ થોડું સમજાવી લેવું રહ્યું. પેલું કહ્યું છે ને કે, “દિલ તો બચ્ચા હૈ જી….”

મન પર જેટલો બોજ આપણે કરેલી ભૂલનો હોય છે તેટલો જ કે તેથી પણ વધુ બોજ, વધુ દુઃખ અને તકલીફ આપણાં મનને બીજાએ ઘાયલ કરેલી આપણી લાગણીઓ માટે હોય છે. તે તકલીફને ભૂલવી તે પણ મન માટે અઘરું જ છે. સૌથી વધુ મન ત્યારે ઘવાય છે જયારે ઘા આપનાર કોઈ નજીકની વ્યક્તિ હોય, કોઈ સ્વજન હોય!

દુઃખ, બોજ, પીડા, તકલીફ આ બધું જ કોઈને માફ કરવાથી સમૂળગું દૂર થતું હોય તો એ કામ આપણે આપણાં મન માટે જરૂર કરવું જોઈએ. કોઈને દિલથી માફ કરીને આપણે આપણો આંતરિક બોજ તો ઘટાડીએ જ છીએ. પરંતુ, સાથે સાથે માફી પામેલી વ્યક્તિનાં મનનો બોજ પણ હળવો થઈ જાય. ને દરેક દિલમાં પ્રેમની, સદભાવનાની જ્યોત ઝળહળી ઉઠે! તેનું જ નામ તો દિવાળી! કહો ને કે સાચી દિવાળી! વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવાની ઈચ્છા ત્યારે જ પૂર્ણ થઈ શકે જયારે આ પ્રયત્ન નાના પાયે પણ શરૂ કરવામાં આવે. કોઈને સદવિચારોની ભેટ આપવી તે ભેટ આપનાર અને લેનાર બંને માટે લાભકારક છે. જેમ ટીપે ટીપે સરોવર ભરાય તેમ સદભાવના, પ્રેમ અને ક્ષમાનાં દીવડાં જો પ્રકાશે તો ધીમે ધીમે આખું જગત પ્રેમનો મહાસાગર બની જાય અને તમામ લોકો સાચા અર્થમાં સુખી થઈ જાય.

નવાં વર્ષે લેવાતાં તમામ રિઝોલ્યુશનસ જયારે કોઈ જરૂરિયાતમંદનો આધાર બને, કોઈની આંખોનાં અશ્રુ લૂછી શકે, કોઈનાં ચહેરા પર હાસ્ય લાવી શકે તો જ તે લેવાનો કોઈ અર્થ સરે! બાકી તો તે માત્ર મનને મનાવવા ખાતર આચરેલી પ્રથા જ બનીને રહી જાય!

તો આવો મિત્રો, આ દિવાળીને સાચા અર્થમાં દિવાળી બનાવવા કટિબદ્ધ થઈએ. કોઈની રડતી આંખોમાં હાસ્યનો સાગર છલકાવીએ! કરેલી ભૂલોની માફી માંગીએ ને માફી માંગનારને મનથી માફ કરીને આપણાં મનની પણ સાફ સફાઈ કરવાની કોશિશ કરીએ. આ દિવાળી, નાનાં કે મોટાં, જાણ્યાં કે અજાણ્યાં ગમે તે હોય, તેમનાં દુભાયેલાં દિલોમાં પ્રેમનો પ્રકાશ પાથરવા કૃત સંકલ્પ બનીએ. થોડો પ્રયત્ન કરીએ તો આપણે જરૂર આમ કરી શકીએ. ને જો મોટો સમૂહ આ અભિયાન ચલાવે તો દરેક દિલોમાં સુખ શાંતિનાં સોનેરી સાથીયા પૂરાય. એકવાર આ કામ કરીને ખાતરી કરવા જેવી છે, મિત્રો. કોઈ એક વ્યક્તિનાં ચહેરા પર જો તમે મુસ્કાન લાવી શકો તો એ અનુભૂતિ અલભ્ય બની રહેશે. તન સાથે મનની સફાઈ જો શક્ય બને તો આપણાં અંતરાત્માનાં સંતોષની રોશની દરેક દીવડાં પ્રકાશને ઝાંખો પાડી દે! મનને મલીન કરતાં તમામ દુષણોને દૂર કરીને અંતરને અજવાળીએ તો જ ખરા અર્થમાં દિવાળી ઉજવી ગણાય! તો મિત્રો, હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે શું કરવા ઇચ્છીએ છીએ. માત્ર નવાં વસ્ત્રાભૂષણથી તનને સજાવીને અને ચહેરા પર નકલી ખુશીનું મહોરું પહેરીને દિવાળી ઉજવવા માંગીએ છીએ કે નિર્મળ અંતરમનનાં અજવાળાથી ઝળહળીત અસલી ખુશી સાથે ખરા અર્થમાં દિવાળી ઉજવવા ઈચ્છીએ છીએ.

દિવાળીની હાર્દિક શુભકામનાઓ, મિત્રો.

– ભગવતી પંચમતીયા ‘રોશની’

(Picture – Sarjan logo Rangoli by Jignesh Adhyaru)

મુક્તિ (માઈક્રોફિક્શન) – ભગવતી પંચમતીયા

વર્ષોથી બંધ બારી ખૂલવાનો અવાજ સાંભળીને એ જાગી ગઈ. વર્ષોથી વિદેશ ચાલ્યા ગયેલાં સાવકા દીકરા પ્રથમેશનું મોં જોવાની આસક્તિએ તેને અહીં જકડી રાખી હતી. જેવી એ હવેલીમાં પ્રવેશી કે દીકરા અને દલાલની વાતચીત કાને પડી.

“આ હવેલી કાઢી નાખવી છે. સાંભળ્યું છે અહીં એનો આત્મા ભટકે છે, પણ હું આજે જ હવન કરાવી એની મુક્તિ કરાવી દઈશ. મર્યા પછી પણ એને શાંતિ નથી એટલે જ મારે અહીં ધક્કો ખાવો પડ્યો.

Leave a comment

Your email address will not be published.