ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

મહોરાં મહેલ (માઈક્રોફિક્શન) – કલ્પેશ જયસ્વાલ

તંબુની બહાર હોર્ડિંગ વંચાતું હતું, “મહોરાં મહેલ.” આવકારો ગુંજી રહ્યા હતા. “આઈયે… આઈયે… મહેરબાન…કદરદાન… મહોરાં મહેલ…એક અજાયબ મહેલ.”

કુંતલ ‘પ્રવેશ’ તરફ આગળ વધી. દરવાને ઝૂકીને કુંતલને આવકારી. કુંતલ તો આગળ વધી પણ ઝૂકેલો દરવાન ભેદી રીતે મલક્યો.

મહોરાં જ મહોરાં… ફરતી ફરતી કુંતલ એક મહોરાં પાસે થોભી,‘તો જ પહેરો, જો ન હોય ચહેરો.’

નવાઈ તો લાગી જ પણ વધુ નવાઈ તો એ વાતની હતી કે મહેલની અંદર તે એક માત્ર હતી જયારે બહાર તો લાંબી હાર હતી!

ઉત્સુકતાપૂર્વક તેણે મહોરું ઉઠાવ્યું.

બેખબર કુંતલની પાછળ ડોકિયું કરતાં દરવાનની આંખો ચમકી અને તેણે જોરથી આંખો બંધ કરી.

અવાજ ગુંજ્યો,“કોઈને ચહેરો નથી કુંતલ, મોહરાં પાછળ તો જો.”

કુંતલે મહોરું પલટાવ્યું. તે મહોરાંની ઝપટમાં આવી ગઈ. તેની ચીસો બંધ થઈ અને મહોરું નીચે પડ્યું પણ કુંતલ ન હતી!

ટેન્ટની બહાર વંચાતું હતું, ‘નિકાસ’ અને દરવાન તેના પૂર્વવત પહેરવેશમાં બહાર નીકળ્યો. ‘પ્રવેશ’ પાસે સ્ત્રેણ સ્વરનો આવકાર તેના કાનમાં પડઘાઈ રહ્યો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *