૨૦૧૨ની સાલમાં ઝેન ગુરુ રુથ ઓઝીકીને વાંચવાનું સદભાગ્ય મળ્યું હતું.. અને ત્યારે પહેલો પરિચય થયો હતો ઝેન ડ્રેબલ્સનો.. ઓછા શબ્દોમાં ઘણું બધું કહેવાની રીત સ્પર્શી ગઇ. ૨૦૧૨ના સપ્ટેમ્બર મહિનામાં પહેલ-વહેલો પ્રયત્ન કર્યો ગુજરાતી ભાષામાં આવી સાવ ઓછા શબ્દોમાં વાર્તા લખવાનો.. કંઇક મજા પડી એટલે પરમ મિત્ર અને માર્ગદર્શક જીજ્ઞેશ અધ્યારૂને તાત્કાલિક ઇ-મેઇલ અને ચાતક નજરે પ્રતિભાવોની રાહ જોવા લાગ્યો.. સાંજે તેમનો ફોન આવ્યો “સરસ.. મજા પડી હાર્દિકભાઇ.. અક્ષરનાદ ઉપર લઉં છું.” બસ ત્યારથી અત્યાર સુધીમાં ૮ ભાગમાં ૧૧૦ માઈક્રોફિક્શન.. અનેકોએ માણી.. આ સમય ગાળામાં વાર્તાના આ પ્રકારને અનેકાનેક અદ્દભૂત લેખકો મળ્યા.. અક્ષરનાદ તરફથી યોજાયેલ માઈક્રોફિક્શન વાર્તા સ્પર્ધાનો જજ બનીને જ્યારે સ્પર્ધકોની વાર્તા વાંચતો ગયો ત્યારે મનમાં થયું કે શું તાકાત છે આ માઈક્રોફિક્શનના જગતની..