ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

આખરી નિર્ણય – દિપાલી વ્યાસ

મા-બાપના આંતરજ્ઞાતિય લગ્ન અને પિતાને ગૂજરે વર્ષો થયા; વળી, સમાજમાં આજ-કાલ છોકરા શોધવા અઘરા, એમાં ઈશાને મેટ્રિમોની વેબસાઈટ પરથી છોકરો મળ્યો, એટ્લે ફટાફટ લગ્ન લઈ લીધા. લગ્નના બે મહિના પૂના સાસરે રહી, પતિ સાથે કેનેડા ગઈ અને એક જ મહિનામાં “મમ્મી, હું પાછી આવુ છું” કહી ફોન પર એણે પોક મૂકી.

ભવાનીએ કંઈ પૂછ્યા વગર દીકરીને અપનાવી લીધી. બાર દા’ડાથી સુનમુન હતી, તે છેક આજે બોલી, “મમ્મી, મારે અબોર્શન કરાવવું છે.”

કપરી પરિસ્થિતિમાં તરત જ ડો. દીનાને બોલાવાયા, પોતાની ડિલીવરી એમણે જ કરેલી અને એ જ બધી રીતના જાણકાર!

“બેટા, જો આખરી નિર્ણય તારો જ ગણાશે. પણ, એક વાર ફરી વિચાર કર. જીવહત્યા? અને એય પોતાનું? આમાં બાળકનો શું વાંક? અને આપણા દેશમાં તો આ ગેરકાયદેસર…” ડોક્ટર ભારથી બોલ્યાં.

“કાયદો? આ બાળક મોટુ થઈ પૂછશે, તો હું શું કહીશ? એનો પિતા ફોરેનમાં ગેરકાયદેસર રીતે છોકરીઓને ફસાવે છે? કેટ્લાય ખોટા લગ્ન કરી ચૂકેલો, ડ્રગ ડીલર, જુઠ્ઠો, આડા ધંધા…? મન તો થાય છે કે આ નાનકડા જીવ કરતા એ હરામખોરનો જીવ જાય તો, સારુ. એના કરતૂતોની સજા …”, ઇશા અટકી, ત્યાં બાકીના બેઉની નજર દિવાલ પર હાર ચઢાવેલા ફોટા પર અટકી.

ડો. દીનાના ઈશારે ભાવાનીએ ચોરખાનામાં વર્ષોથી પૂરાયેલી ફાઈલ ધ્રુજતા હાથે રજુ કરી. ઈશાના પિતાની આત્મહત્યાના સમાચારવાળું કટિંગ, એમના મૃત્યુ અને ઈશાના જન્મનો રાઝ ખૂલતાવેંત ગૂનેગાર પતિને આ ભવે સજા આપી નવા જીવનો ભવ સુધારવાની આખી વાત ઈશાના મનમાં બેસાડાઈ.

હવે ઈશા ખરેખર આખરી નિર્ણય લેવાની હતી.

Leave a comment

Your email address will not be published.