ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

લવ ઇઝ નોટ બ્લાઇન્ડ – ધર્મેન્દ્ર કનાલા

“તું સાવ સાજી-સારી થઈને એક અંધ સાથે લગ્ન કરીશ. પ્રેમ આંધળો છે એવું સાંભળ્યું તો હતું પણ આજે જોઈ પણ લીધું”

રાધા તેની સાવકી માને કોઈ દલીલ વગર આંખોથી સાંભળી રહી હતી. પિતાજીના તો આ લગ્ન પછી આંખ, કાન, જીભ ત્રણેય બંધ હતાં.

સાવ થોડાં સામાન અને સમાન ઇચ્છાઓ સાથે રાધા-કિશનનાં નવજીવનની શરૂઆત થઈ. “લગ્નજીવન માટે આંખ, કાન જીભ કરતા હૈયું વધારે જરૂરી છે” રાધાનાં આ વાક્યે કિશનને જીતી લીધો. પછી તો આદર્શ ગૃહસ્થ જીવન ચાલવા માંડ્યું. બાળકો, બાળકોનું શિક્ષણ, પ્રસંગો, તહેવારો બાળકોનાં લગ્ન, બાળકોનાં બાળકો અને હસતાં મુખે દેહદાનનો સંકલ્પ કર્યાનાં બીજા જ દિવસે રાધા સ્વર્ગસ્થ થઈ.

રાધાને સુખડની ફ્રેમમાં એકીટશે જોઈ રહેલાં કિશનને જાણે રાધા આજે પહેલી વાર પૂછી રહી હતી, ” આમ મને શું જુઓ છો?”

અને કિશન મલકાતાં મલકાતાં બબડ્યો, ” કોને મને કે તને!”

Leave a comment

Your email address will not be published.

%d bloggers like this: