ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

રાઝી – શૈલેષ પંડ્યા

ભાંભરડા નાખતી ભગરી છેવટે હારી. હાથવગું ઈ હથિયાર કરી ટોળાંએ ભગરીને પાડીને પછી ખચાખચ… દાતરડાના ઘા… કાચા માંસના લોચા સીધા ભૂખ્યાડાંસ પેટમાં.

રઘુ ધ્રૂજી ગયો. કમકમાં આવે એવું દૃશ્ય જોઈ નિસાસો મૂકતા બેક માંસના લોચા કળકળતા જીવે હાથમાં લીધા. રાઝી ઘરે ભૂખથી ભાંભરડા દેતી હશે એ યાદ આવતા જ આઠ આઠ દી’નાં ભૂખ્યા ટાંટિયામાં ઝડપ વધી. 

“પણ ઈમા સવલીનો હું ગનો, પેટમાં હોય તો સાતીએ આવેને..” સવલીની છાતી ચૂસતી ભૂખી રાઝી કાળજું કંપાવે એવા ભાંભરડા નાખતી. 

‘ભગરી પેટમાં જાહે… તો દુધ સાતીએ આવસે.’ એમ વિચારતો માંડ ઘરે પહોંચતા જ પરસાળમાં બેસી પડ્યો. 

મોઢા પર તાજાં લોહીના ડાઘ, હાથ પાછળ છુપાવી ઉંબરે ઊભેલી સવલીના આ દરહણ જોઈ રઘુની રાડ ફાટી ગઈ. “રા….. ઝ્…… ઇ…..ઇ.?” 

સવલીએ ધીમેથી હાથ આગળ કર્યો.  લોહી નીંગળતી, અર્ધી ખવાઈ ગયેલી રાજીને જોઈ રઘુનો અવાજ ફાટી ગયો.

“રા…. ઝી…..ઇ….ઇ” એ ફસડાઈ પડ્યો. આંખે અંધારા આવી ગયાં અને એના કાનમાં સવલીના શબ્દો સીસાની જેમ રેડાયા. 

“ઈ  મરી ગઈ પસી મીંં ઈને…” અને રઘુની આંખ મીંચાઈ ગઈ.

Leave a comment

Your email address will not be published.

One thought on “રાઝી – શૈલેષ પંડ્યા”