ભગવાનનો કાગળ – શૈલેષ પંડ્યા

વિરાભાઈ રાજગોર, ગામના ગોરબાપા, ટપાલોના થોકડા કાઢી, ગોઠવવા જાય ત્યાં જ એની નજર એક વિચિત્ર સરમાનામા વાળા કાગળ પર પડતા જ પત્ર ખુલ્યો.

To, ભગવાન, સ્વર્ગ.

ભગવાન,

તને માલૂમ થાય કે મારી મા ખૂબ બીમાર છે, ઘરમાં નથી ખાવાના કે નથી દવાખાનાના પૈસા. તું થોડા પૈસા મોકલ, મારી માને શે’રમાં દવાખાને લઈ જાવી છે. બાપુ તો કે’દુના અમને તારા ભરોહે મૂકી મોટે ગામતરે હાલ્યા’ગ્યા. તું મારી માને બચાવી લે ભગવાન.. હું મોટો થઈને તારા બધા પૈસા ચૂકવી દઈશ.

લિ. રઘુ.’

પત્ર આંસુથી ભીંજાઈ ગયો. પૂછતા પૂછતા ગામને છેવાડે આવેલા ઝૂંપડામાં પહોચ્યા.

એક હાથમાં પત્ર ને બીજા હાથમાં જિંદગીભરની બચત. સાત-આઠ વરસના બાળકને વિરાભાઈએ પત્ર અને હાથમાં રાખેલ રૂપિયાની થોકડી ધરી.

‘બોવ મોડું કર્યું સાબ; ભગવાનને કેજો, મારી મા તો મરી ગઈ…’ બોલતા જ છોકરો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.

બાળકનું રડવું વિરાભાઈને હચમચાવી ગયું.

થોડા દિવસ પછી ફરી વિરાભાઈ ગામને છેવાડે આવેલી ઝૂંપડીએ પહોચ્યા.

‘એલા, રઘુ, ક્યા ગયો?.. લે આ ભગવાનનો કાગળ આવ્યો છે.’

‘બેટા રઘુ,

તારી મા અહી મારી પાસે મજામાં છે ને તારે હવે આ ઘર છોડીને આ ટપાલી ગોરબાપાને ઘરે રેવા જાવાનું  છે.

લી. ભગવાન.’

“ગોરાણી મા, આમ બાર આવો, જુઓ, આપણો રઘુ પાછો આવ્યો છે.” કહેતા જ વિરાભાઈએ ભીંતે ટીંગાડેલી રાજુની તસ્વીર તરફ ભીની આંખે જોયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *