ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

“ઠક.. ઠક..ઠક..” વિન્ડો પર હાથનાં પંજાનો થપથપાટ

રીઅર વ્યુ – ધર્મેશ ગાંધી

“ચીંઈ..ઈ..ઈ…” ઓડી આર-8 ની પુરપાટ ઝડપ અચાનક થંભી. તોફાની સાંજ, વરસાદી વાતાવરણ.. ચક્રવાત ચારે તરફ..!

મિસ વર્લ્ડ જેવું લાવણ્ય ધરાવતી એક ચીંથરેહાલ યુવતી રસ્તા વચ્ચે દોડી આવી.. અને મલ્હારની ગાડી અટકી.

“ઠક.. ઠક..ઠક..” વિન્ડો પર હાથનાં પંજાનો થપથપાટ ઉતાવળો બન્યો. યુવતી મુસીબતમાં હોવાનો ભાસ થયો… મલ્હારની છઠ્ઠી ઇન્દ્રિય કામે લાગી.. અપશુકનનો અણસાર.. પણ માનવતા મોખરે રહી.

ડોર-લોક ખુલ્યું, મિસ વર્લ્ડ અંદર, મલ્હારની પનાહમાં..

ગાડીએ સ્પીડ પકડી..મિસ વર્લ્ડએ ટી શર્ટ ઉતાર્યું.. કામણગારા તન સાથે સાયલેન્સરયુક્ત રિવોલ્વરના દર્શન આપ્યાં.. મલ્હારનો પ્રતિકાર, પોતાનું ધન બચાવવા..

…અને ગોળી છૂટી..”ઠક.. ઠક..ઠક..”

વિન્ડો પર હાથનાં પંજાનો થપથપાટ ચાલુ જ હતો.. મલ્હારની તંદ્રા તૂટી.. ગાડી ન્યુટ્રલ હતી.

છઠ્ઠી ઇન્દ્રિય એ આપેલાં અણસારને અનુસરી મલ્હારે ઓડી હાંકી મૂકી…મિસ વર્લ્ડનાં સૌંદર્યથી અંજાયા વગર..માનવતા મસળી નાંખી..

પરંતુ..

બીજી જ ક્ષણે રીઅર વ્યુ મીરરમાં, ચાર પાંચ પડછાયા ઝાડીમાંથી નીકળતાં નજરે પડ્યા.. યુવતીને ખેંચી ગયા, ઝાડીમાં..

મલ્હારનું મગજ ચકરાવે ચડ્યું.. અફસોસ.. પોતાની કાયરતા પર… મદદ માટે આવેલી લાચાર આશાનું ખૂન..

…અને રિવોલ્વરમાંથી ગોળી છૂટવાનો અવાજ… “ઠક.. ઠક.. ઠક..”

વિન્ડો પર હાથનાં પંજાનો થપથપાટ વેગ પકડતો હતો. મલ્હારની તંદ્રા ફરી તૂટી.. ગાડી ન્યુટ્રલ હતી..અને…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *