ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

‘સર્જન’ મેળાવડો ૧.. – સોનિયા ઠક્કર

માઈક્રોફિક્શન સાહિત્ય સ્વરૂપને ગુજરાતી ભાષામાં વિસ્તારતું વોટ્‍સઅપનું એક આગવું ગૃપ એટલે ‘સર્જન’. વિદેશમાં અત્યંત પ્રચલિત એવા સાહિત્ય સ્વરૂપને આપણી માતૃભાષામાં ફેલાવવા અને તેનો આગવો પરિચય આપવા છેલ્લા ત્રણ-ચાર વર્ષથી જીજ્ઞેશ અધ્યારૂ અક્ષરનાદ.કોમ વેબસાઇટ પર માઈક્રોફિક્શનને ખાસ પ્રાધાન્ય આપી રહ્યા છે. આ જ દિશામાં એક વિરાટ પગલું એટલે ૬ મે, ૨૦૧૬ના રોજ અસ્તિત્વમાં આવેલું વોટ્‍સઅપ ગૃપ. આંગળીના વેઢે ગણી શકાય તેટલાં સભ્યોથી શરૂ થયેલું આ ગૃપ હાલમાં ૧૦૦ સભ્યો ધરાવે છે જેમાંથી મોટાભાગના સક્રિય હોય છે અને માઈક્રોફિક્શન સર્જનનાં એકમાત્ર ઉદ્દેશમાં નિયમિતપણે કલમ પ્રસાદી આપે છે.

છેલ્લા ત્રણ મહિનાથી આ ગૃપમાં સર્જનની અનેકવિધ પ્રવૃત્તિઓ થતી હતી, પરંતુ કોઈ પણ સભ્યો એકબીજાને પ્રત્યક્ષ રૂપે ક્યારેય મળ્યા નહોતા. એક જ સ્થળે ઉપસ્થિત થઈ માઈક્રોફિક્શનની દિશામાં વિચાર કરી સર્જનને વેગવંતુ બનાવવાના શુભ આશયથી, ૩૧ જુલાઈ, ૨૦૧૬ના રોજ સર્જન ગૃપનું પહેલું સંમેલન અર્થાત મેળાવડો યોજાયો હતો. આ માટે મિત્રો મુંબઈ, ભરૂચ, કડી, ગાંધીનગર, વડોદરા, ભાવનગર, બનાસકાંઠાથી ખાસ આવ્યાં હતાં.

અમદાવાદના શાહીબાગ વિસ્તારના જીવન પરાગ ફ્લેટ્‍સમાં સવારે ૧૧ વાગ્યે સંમેલન શરૂ થયું હતું. આ સ્નેહમિલનની કામગીરી જીજ્ઞેશભાઈ અધ્યારૂ અને પરીક્ષિત જોશીએ ઉપાડી હતી. નિવોદિતોને માર્ગદર્શન મળી રહે અને તેમના સર્જનકાર્યને ઉત્સાહ મળે તે હેતુથી ગુજરાતી ભાષાના જાણીતા લેખિકા નીલમબેન દોશી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

કાર્યક્રમની શરૂઆત કરતા પહેલાં હળવો નાસ્તો અને સાહિત્યિક વાતચીતનો દોર ચાલ્યો હતો. ત્યાર બાદ સંજયભાઈ થોરાટ અને ગાયત્રીબેન થોરાટે નીલમબેન અને જીજ્ઞેશભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. સ્વાગત બાદ ઉપસ્થિત મિત્રોનો પરિચય તથા હાલની ગતિવિધિ જાણવામાં આવી હતી. આ પરિચય દરમિયાન ઘણા બધા સાહિત્યિક મુદ્દાઓ પર ખાસ ચર્ચા હાથ ધરાઈ હતી. વર્તમાનપત્રોમાં લખાતી કોલમો, પ્રકાશનની નીતિઓ, ગૃપમાં ચાલતી સહિયારી વાર્તામાં મિત્રોનું યોગદાન અને સર્જન સમયે ગૃપમાં જણાતી વિવિધ મૂંઝવણ વગેરે જેવા વિષયોની ચર્ચા અસરકારક રહી હતી.

આ મેળાવડામાં જીજ્ઞેશ અધ્યારૂ, પ્રતિભા અધ્યારૂ, નીલમબેન દોશી, પરીક્ષિત જોશી, ધવલ સોની, સંજય ગુંદલાવકર, હાર્દિક પંડ્યા, સોનિયા ઠક્કર, સંજય થોરાટ, ગાયત્રી થોરાટ, શીતલ ગઢવી, કજલ, કલ્પેશ જયસ્વાલ, ધીરેન સૂચક, વિષ્ણુ દેસાઈ, ભાવિક રાદડિયા, કેતન દેસાઈ હાજર હતાં અને ગૃપના અન્ય મિત્રો તેમના સર્જનથી ઉપસ્થિત હતાં જ ! જીજ્ઞેશભાઈએ પોતાના અભ્યાસ, સાહિત્યમાં રસ, વ્યવસાય, અક્ષરનાદ અને રીડગુજરાતી વેબસાઈટની કાર્યપદ્ધતિ તથા માઈક્રોફિક્શન અંગેના વિચાર અને વિભાવના સાથે ગુજરાતી સાહિત્યમાં આ સાહિત્ય સ્વરૂપને પણ યોગ્ય સ્થાન મળે એ માટેનાં પ્રયાસોને સૌ સમક્ષ રજૂ કરતાં એક ચાવીરૂપ વક્તવ્ય આપ્યું હતું.

‘સર્જન’ ગૃપનો વિચાર કેવી રીતે આવ્યો તેની વાત કરતાં તેઓ જણાવે છે કે, “માઈક્રોફિક્શન અંગે વિદેશમાં અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાય છે. છેલ્લાં ૬૦-૭૦ વર્ષથી અસ્તિત્વ ધરાવતાં આ સ્વરૂપ તરફ ગુજરાતી ભાષાના લેખકો ઉદાસીન છે તે એક આશ્ચર્યની વાત છે. હેમિંગ્વેની ‘For sale, baby shoes, never worn’ માઈક્રોફિક્શન વાચકો માટે અનેક વિકલ્પો ખોલી આપે છે. જેમ જેમ આ વાર્તા વિશે વિચારશો અનેક બાબતો ઉઘડતી જશે. માઈક્રોફિક્શન ગુજરાતી ભાષામાં વિસ્તરે તે હેતુથી અક્ષરનાદ.કોમ પર બે વખત ‘આંતરરાષ્ટ્રીય માઈક્રોફિક્શન સ્પર્ધા’નું આયોજન થયું હતું અને તેને ઘણી મોટી સફળતા પણ મળી હતી. હાલમાં વોટ્‍સઅપ એ લોકપ્રિય અને ઝડપી માધ્યમ હોવાથી એક ગૃપ બનાવવાનો વિચાર આવ્યો અને આજે ગૃપની નોંધ ઘણા બધા લોકો લઈ રહ્યા છે. આ ગૃપના માધ્યમથી ઘણા લોકો નિયમિત રીતે યોગ્ય દિશામાં માર્ગદર્શન મેળવી લેખનકાર્ય કરી રહ્યાં છે. અક્ષરનાદના વાચકોએ પણ આ ગૃપને વખાણ્યું છે. ઘણી બધી કલમો આ સ્વરૂપમાં સક્રિય થઈ છે એનો મને આનંદ છે. હવે ‘સર્જન’ સામયિક થકી આ સ્વરૂપને લોકો સમક્ષ લઈ જવા આપણી કલમને સજ્જ કરવાની છે.”

બપોરે ૩ વાગ્યે અમદાવાદની તોરણ હોટલમાં ગુજરાતી થાળીની સાથે માઈક્રોફિક્શનની વાતોનો રસથાળ બધાએ માણ્યો હતો. ભોજન દરમિયાન વાર્તા વિશેની ચર્ચા, ગૃપ મિત્રો સાથેની વાતો, વ્યાકરણની બાબતો, સામયિક માટેનું આયોજન વગેરે મુદ્દાઓ ચર્ચાતા રહ્યાં હતાં.

૪ વાગ્યે ફરી પાછા શાહીબાગના જીવન પરાગ મુકામે નીલમબેને પોતાની વાર્તા ‘સંજુ દોડ્યો’નું ભાવવહી પઠન કર્યું. આ વાર્તાના પ્રવાહમાં ઉપસ્થિતો રસતરબોળ થઈ ગયાં હતાં. તાળીઓના ગડગડાટથી વાર્તાને વધાવ્યા બાદ વાર્તાના લક્ષણોની ચર્ચા હાથ ધરાઈ હતી. સાથે સાથે વાર્તા કઈ રીતે લખવી, આરંભ અને અંત અંગે વિસ્તૃત વાત થઈ હતી. ‘સંજુ દોડ્યો’ વાર્તાના અંત પર વધુ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ટૂંકમાં કહીએ તો, ઉદ્દેશ સામયિકના તંત્રી પ્રબોધ જોશી જેને વાર્તાકલાના બધા જ તત્વો ધરાવતી વાર્તા કહે છે એ, ‘સંજુ દોડ્યો’ નામની વાર્તા અંગે દરેક ઉપસ્થિતોએ પોતાના વિચારો વ્યક્ત કરી વાર્તાને સમજવાનો, લખવાનો, વિચારવાનો, પઠનનો એક આગવો દ્રષ્ટિકોણ મેળવ્યો હતો.

લેખક જ્યારે લખે છે તે સમયની તેની માનસિક સ્થિતિ વિશે પોતાના જીવનની વાત કરતાં નીલમબેને કહ્યું હતું કે, “મારે એક પુસ્તક માટે ૫૦ પત્રો લખવાના હતા. પહેલાં પ્રયત્નો કર્યાં પણ એ લખાણમાં કંઈક ખૂટતું લાગતું હતું. પછી એક સમયે જાણે કે ઈશ્વર જ લખાવતો હોય એમ લાગ્યું અને સતત એક અઠવાડિયા સુધી લેખનકાર્ય ચાલ્યું અને પ્રભુને સંબોધીને ૪૮ પત્રો લખ્યાં, જે ‘પરમ સખા પરમેશ્વરને’ પુસ્તકસ્વરૂપે પ્રગટ થયા. આ પત્રો લખતી વખતે સ્થળ કે સમયભાન નહોતું રહ્યું. એવું લાગતું હતું કે હું લખતી નથી પણ ઈશ્વર જ જાણે લખાવે છે. ૪૮મો પત્ર પૂરો થયો અને કલમ અટકી ત્યારે એક અદ્‍ભુત અનુભૂતિ થઈ અને સર્જનના એ આનંદને વર્ણવવો અશક્ય છે.” ‘આઈ એમ શ્યોર’ નામની નીલમબેન દોશીની બીજી વાર્તા પણ એટલી જ ચર્ચાના એરણે ચડી હતી.

આ મેળાવડાના અંતિમ પડાવમાં જીજ્ઞેશભાઈ અધ્યારૂએ નીલમબેન દોશીને આદર સહિત શુભેચ્છા ભેટ આપીને આભાર વ્યક્ત કર્યો હતો. નીલમબેને પોતાનો કિંમતી સમય આપી સૌને માર્ગદર્શન આપ્યું એ માટે ગૃપનાં સૌ કોઈ વતી જિગ્નેશભાઈએ એમનો આભાર વ્યકત કર્યો હતા. ત્યારબાદ ગૃપના નિયમોમાં જરૂરી ફેરફાર, સામયિકની જવાબદારી, વેબસાઈટની વ્યવસ્થા વગેરે કાર્યો માટે અલગ અલગ વ્યક્તિઓના નામ પર વિચારણા હાથ ધરાઈ હતી.

સાબરમતીના ખોળે વિદાય લેતાં સૂર્યની સાક્ષીએ સૌ મિત્રો જ્યારે છૂટાં પડ્યાં ત્યારે ‘સર્જન’ની નવી ક્ષિતિજ એક આગવા સામયિકરૂપે સૌને સ્પષ્ટ દેખાઈ ચૂકી હતી. મૂંઝવણના અનેક વાદળો વિખરાઈ ચૂક્યાં હતાં અને માઈક્રોફિક્શનની ઉડાન એક નવી ગતિ પામવા થનગની રહી.. ‘ફરી મળીશું’ની ગૂંજ આજે પણ અમદાવાદની હવામાં ગૂંજતી અનુભવી શકાય છે. ૩૧ જુલાઈની સંધ્યા માઈક્રોફિક્શનના ઉદયની સાક્ષી પૂરવા જાણે કે પોતાની લાલિમા થકી સર્જકોના ભાલે તિલક કરતી હતી.