રોકડું ઉધાર – પરીક્ષિત જોશી

“આગળનો ઉધાર ચુકવવાની તો હેસિયત નથી ને પાછા આવ્યા બીજો ઉપાડ લેવા… રાજીયા, એ બે બદામનો દુકાનદાર મને, મને, સંભળાવી ગયો આજે.. આવું… તેં હજી આગળનું ઉધાર ચૂકવ્યું નથી… પૈસા તો મેં તને પૂરા ગણીને દીધા’તા કાલે.. બોલ, મારા પીટ્યા..”

“રાજી, નથી ચૂકવાયા. એક બીજા કામમાં વપરાઈ ગયા એ.”

“વપરાઈ ગયા એટલે? ઉધાર ચૂકવવાથી જરૂરી કયું કામ હતું તારે બીજું? ઝટ કે, નહીંતો મારાથી ભૂંડી કોઇ નથી..”

“અરે ગાંડી, ઉધાર જ ચૂકવ્યું છે… આપણું નહીં મારું.”

“એટલે…”

“એટલે દુકાનદારનું નહીં, પરવાનેદારનું…”

“પાછો ઢીંચી આવ્યો… લોહી પાણી એક કરી લાવું છું પગાર… ને તું બાટલી પોટલીમાં વેડફી નાખે છે..”

“અરે, રાજી, નારાજ ન થા. તું મારી, હું તારો. તારી પગાર મારો, મારો ઉધાર તારો…”

“લવારી ન કર. અને હા.. હાથ ઉપાડતાં પહેલા વિચારી લેજે.. રાજી આ વખતે ઉધાર નહીં રાખે..”

“રાજી, ઉધાર તું તો શું હવે પેલો દુકાનદાર ય નહીં રાખે… રાખશે તો માત્ર મારો પરવાનેદાર.”

“હટ ભૂંડા, તેય પાંડવ જેવું પોત પ્રકાશ્યું… પાંચાલીને ઉધાર મૂકી…”

– પરીક્ષિત જોશી