જમનામા.. – નીલમ દોશી

“જો ચિંતા નહીં કરવાની… હમણાં તારા બચુલિયા આવી જશે હોં… મોટા થયા તો બહાર તો જાય કે નહીં? કંઇ તારા ખોળામાં જ થોડા જિંદગી આખી પડ્યા રહે..? એને પણ બહારની દુનિયા જોવી હોય કે નહીં?” જમનામા પોતાની પાળેલી બિલાડીને સધિયારો આપતા હતાં. પણ આજે તો એ પોતે વ્યાકુળ થઇ ગયા હતા. સવારથી ગયેલા બચ્ચા સાંજ થવા છતાં ઘેર પાછા ફર્યા નહોતા. જમનામા વ્યાકુળ થઇને અંદર બહાર આંટા મારતાં રહ્યા. એકવાર તો શેરીના નાકા સુધી જોઇ આવ્યા. ચારે તરફ આંટા મારતી, રઘવાયી થયેલી બિલાડીના મ્યાઉં મ્યાઉં અવાજે જમનામા વધારે વ્યગ્ર બનતા રહ્યાં.

આખી રાત તે સૂઈ ન શક્યા. જરાક અવાજ થાય અને ઊઠીને જોઇ લે કે બચ્ચા આવ્યા?

છેક સવારે બચ્ચા દેખાયા. બિલાડી બચ્ચાને જોઇ મ્યાઉં મ્યાઉં કરવા લાગી પરંતુ જમનામાનો ગુસ્સો આજે કાબૂમાં ન રહ્યો,

“સાલાઓ, માને હેરાન કરો છો? રાહ જોવડાવો છો? હજુ તો આવડા થયા છો ત્યાં? મોટા થઇને શું કરશો? તમારી પાછળ તમારી માએ રાત દિવસના ઉજાગરા કર્યા છે એની ખબર છે?”
કેટલુંય બબડતા આજે જીવનભરનો ગુસ્સો ઉતારતા હોય તેમ કોઇ સાનભાન વિના બચ્ચાને સાવરણીથી ઝૂડવા માંડ્યા. જમનામા બિલાડીના બચ્ચાઓને કહેતા હતા કે પછી?

થોડીવારે થાક્યા ત્યારે જમનામાએ મોટેથી ઠૂઠવો મૂકયો….

– નીલમ દોશી