સર્જક મુજબ એકતા દોશી
2 posts
૧૯૧૪માં એક ઉચ્ચ બંગાળી વિદ્વાનના ઘરે મારો જન્મ. અમારા ઘરમાં પહેલેથી જ સાહિત્ય અને કલાનું વાતાવરણ હતું, રવીન્દ્રનાથ ટાગોરની મારા ઘરે આવન-જાવન હતી અને અમે પણ શાંતિનિકેતનમાં જઈ એમની પાસે રોકાતાં. આ કારણોથી જ કદાચ હું પણ વિદુષી ગણાતી. બહુ નાની ઉંમરે કવિતા રચતી થઈ ગયેલી. રવીન્દ્રનાથ ટાગોર મારો પ્રથમ પ્રેમ હતા તેવું એ કહેતો, એ એટલે મિર્ચા યુકલીડ્સ. હું ત્યારે એક મુગ્ધા હતી. મોટી આંખો, લાંબો-કાળો કેશકલાપ, શ્યામલ વર્ણની નાજુકશી હું સુંદર ગણાતી. સોળ વર્ષની હતી ત્યારે મિર્ચાને પ્રથમવાર મળી, મળી તો શું - એણે મારા ઘરના એક ઓરડા ઉપર કબજો જ કરી લીધો; અને ધીરે ધીરે મારા દિલ ઉપર પણ. મિર્ચા યુકલીડ્સ એક ફ્રેન્ચ હતો જે મારા પિતાજી પાસે ભણવા આવ્યો હતો. બંગાળી વાતાવરણમાં એક વિદેશી ગોરો પડછંદ યુવાન આવી ભળી રહ્યો હતો. સ્વાભાવિક રીતે હું એની તરફ ઢળી રહી.