ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

‘સર્જન’ મેળાવડો ૩.. – મીતલ પટેલ

માઇક્રોફિક્શન વાર્તા સ્વરૂપને ગુજરાતી ભાષાનાં સાહિત્ય સ્વરૂપ તરીકે પ્રસ્થાપિત કરવા માટે સજ્જ શ્રી જીજ્ઞેશ અધ્યારૂ અને એમના સાથી સર્જનકરોએ ૩૧ જુલાઈનાં દિવસે અમદાવાદ ખાતે, ૨૪ ઓગસ્ટનાં રોજ મુંબઈ ખાતે મેળાવડા યોજ્યા બાદ સર્જન ગૃપનો ત્રીજો મેળાવડો ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ સાંઈનગર સોસાયટી, ખોડિયાર નગર બરોડામાં યોજ્યો હતો. જેમાં સહભાગી થવા માટે સર્જનકરો અમદાવાદ, ભાવનગર, મુંબઈ, સૂરત, નવસારી, જામનગર, ભરૂચ અને પોરબંદરથી આવ્યાં હતા.

આ મેળાવડામાં જીજ્ઞેશ અધ્યારૂ, નીલમબેન દોશી, ડૉ. હાર્દિક યાજ્ઞિક, પરીક્ષિત જોશી, સંજય ગુંદલાવકર, સોનિયા ઠક્કર, ઍન્જલ ધોળકીયા, દિવ્યેશ સોડવડીયા, કલ્પેશ જયસ્વાલ, ધર્મેશ ગાંધી, સરલા સુતરીયા, શિલ્પા સોની, જાહ્નવી અંતાણી, જલ્પા જૈન, શૈલેશ પંડ્યા, ડૉ. નિલય પંડ્યા, નેહા રાવલ, મીરા જોશી, સુષ્મા શેઠ અને મીતલ પટેલ હાજર રહ્યાં હતાં. સર્જન ગ્રુપના પ્રત્યેક સભ્યોનાં માઇક્રોફિક્શન અને ગુજરાતી સાહિત્ય પ્રત્યેના લગાવ અને પ્રતિબદ્ધતાએ આ મેળાવડાને સફળ અને યાદગાર બનાવવામાં અનેરું યોગદાન આપ્યું.

સર્વ પ્રથમ નવ વાગ્યે સર્જન ગ્રુપના ચહિતા નીલમબેને હાજર સભ્યોને નારી થીમ પર છ થી દસ શબ્દોમાં એક સ્લોગન રચવાનો ટાસ્ક આપ્યો. જેના પર બધાએ પોતાના મંતવ્યો અને સ્લોગનો રજૂ કર્યા.

સર્વે સર્જનકરો આવી જતાં શ્રી જીજ્ઞેશભાઈના સુકાનમાં ૯:૩૦ વાગ્યે હળવો નાસ્તો, શિલ્પાજીના જન્મદિવસની વધામણી રૂપે લિજ્જતદાર કેક અને એકબીજાનો પરિચય કેળવવા સાથે આ મેળાવડાની શરૂઆત થઈ. ઘણા સમયથી શબ્દોથી જોડાયેલા પરંતુ વ્યક્તિગત રીતે પ્રથમ વખત મળતા ઘણા મિત્રો ધીરે ધીરે એકબીજાની વધુ નજીક આવતા ગયા અને પોતાના વિચારો મુક્તપણે વ્યક્ત કરતા ગયા. નાસ્તો પતાવ્યા પછી સર્વે સર્જનકરોએ એક પછી એક પોતાનો વિસ્તૃત પરિચય આપ્યો અને પોતે કેવી રીતે અને શા માટે લખવાનું શરુ કર્યું એના વિશે જણાવ્યું.

સર્જન ગૃપની પ્રવૃતિઓ વિશે વિસ્તૃત ચર્ચા થઈ અને એના નિષ્કર્ષ રૂપે પહેલા પ્રત્યેક બે દિવસે અપાતા પ્રોમ્પ્ટ, ચિત્ર કે થીમ પરથી રચાતી અઢળક વાર્તાઓને બદલે અઠવાડિયામાં એક જ થીમ પર ઓછી અને ગુણવત્તા સભર વાર્તાઓ રચવાનો નિર્ણય લેવાયો. નારી વિષય પર કેન્દ્રિત સર્જન મેગેઝીનના તૃતીય દિવાળી અંકને ઉત્તમ બનાવવા શું કરી શકાય એ વિશે બધાએ પોતાના અભિપ્રાય આપ્યા હતા અને ગૃપની સર્વે મહિલાઓને પોતાનું યથાશક્તિ યોગદાન આપવા પર જીજ્ઞેશભાઈએ ભાર આપ્યો હતો. નારીની કાલ, આજ અને આવતીકાલ તેમજ હકારાત્મકની સાથે નકારાત્મક પાસાઓને પણ ઉજાગર કરવાની વાત પર ઘણા મિત્રોએ ભાર મૂક્યો હતો. નારી થીમ પર નાની અને સચોટ માઇક્રોફિક્શન લખવાનો નિર્ણય લેવાયો હતો.

ડૉ. હાર્દિક યાજ્ઞિકે સર્જન ગૃપની રચનાઓને વધુ સરસ બનાવવાની જરૂરિયાત અને એના માટે શું કરી શકાય એ વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપ્યું. સર્જન ગૃપ એમનો અંત:કરણથી આભારી છે. સર્જન ગૃપ હજુ નવા નવા આયામો સ્થાપશે અને સિદ્ધિના નવા શિખરો સર કરશે તો એના માટે પ્રત્યેક સર્જનકરને સજ્જ થવાની જરૂરત અને એના માટે લેવા યોગ્ય પગલા વિશે પણ એમનો ઉત્તમ અભિપ્રાય મળ્યો. ડૉ. હાર્દિક યાજ્ઞિકના મધુર અને પ્રભાવશાળી અવાજમાં એમની કેટલીક ડ્રેબલ્સ વાર્તાઓ સાંભળી. એમાંથી ટુકું અને સચોટ લખવા વિશે ઘણી માહિતી મેળવી.

ઓછા શબ્દોમાં પ્રભાવશાળી રીતે પોતાની વાત રજૂ કરતી કૃતિઓને સર્વેએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. શોર્ટ ફિલ્મનાં ઉત્તમ નમૂના રૂપ સુજોય ઘોષની ‘અહલ્યા’ જોઈ. જીજ્ઞેશભાઈએ સર્વને આ કહાની વિશે પોતપોતાના અભિપ્રાય આપવા કહ્યું. એક ઉત્તમ માઈક્રોફિક્શન કેવી રીતે રચી શકાય અને એક ચલચિત્ર કેવી રીતે જોવું એ વિશે ચર્ચા થઈ. અને એવી જ બીજી કઈ કઈ જોવા લાયક શોર્ટ ફિલ્મો છે એનું લિસ્ટ બનાવ્યું. અંતે શ્રી જીજ્ઞેશ અધ્યારૂ અહલ્યા વિશે પોતાનું મંતવ્ય સરળ શૈલીમાં રજૂ કરી અહલ્યાને ઉત્તમ બનાવતા મુદ્દાઓ પ્રત્યે સર્વનું ધ્યાન દોર્યું. વાર્તાને રોચક અંત આપી, વાચકના મન પર છાપ મૂકી એને વિચારતો કરી ભાવનાત્મક જોડાણથી બાંધી શકાય તો એ કૃતિની સફળતા છે એ વિશે વિસ્તૃત માહિતી આપી.

નીલમબેને સાહિત્ય જગતના નવ રસ વિશે માહિતી આપી, વાર્તાઓ આ નવ રસોના સંકલનથી બને છે એ સમજાવ્યું. શ્રી સંજય થોરાત પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત નહિ રહી શક્યા પરંતુ એમણે પોતાની શુભેચ્છા અને બરોડાના પ્રખ્યાત પેંડા મોકલાવી પોતાની પરોક્ષ હાજરી પૂરાવી. અધ્યારૂ પરિવારે પીરસેલા ભાવનાત્મક અમૃતસમા ભોજનનો આસ્વાદ માણ્યા પછી સર્વે ડૉ. હાર્દિક યાજ્ઞિકજીએ આપેલા ત્રણ ટાસ્ક પર માઈક્રોફિક્શન લખવા માટે સજ્જ થઈ ગયા.
૧૫મિનિટના સમયમાં…

૧. નારી
૨. આપણું બેંક એકાઉન્ટ આપણા ફોન નંબર જેટલું..
૩. ચામડાના ચપ્પલ પહેરી જીવહત્યા રોકવા નીકળ્યા છીએ.

આ ત્રણ થીમ પર ગુણવત્તાસભર માઈક્રોફિક્શન લખવાના હાર્દિકજીના ટાસ્કને સર્જનકરોએ ઉત્સાહથી વધાવી ઉત્તમ કૃતિઓ રચ્યા બાદ સર્વેએ થીમ પરથી પોતે લખેલી રચનાનું પઠન કર્યું અને એની ગુણવત્તા અને ઉણપો વિશે હાર્દિકભાઈ અને જીજ્ઞેશભાઈએ પોતાના મંતવ્યો આપ્યા.

ડીજીટલ પાર્ટનર ડેઈલી હન્ટના શ્રી મૌલિક ભાવસારની હાજરીએ મેળાવડાને ચાર ચાંદ લગાવી દીધા. “સર્જનને અને સારા ઉત્તમ લખાણને હંમેશા ડેઈલી હન્ટનો સાથ અને સહકાર રહેશે..” એમના પ્રત્યેક શબ્દોને સર્જનકરોએ તાળીઓથી વધાવ્યા.. અંતે મીરા જોશી, સરલા સુતરીયા અને શ્રી જીજ્ઞેશ અધ્યારૂએ પોતાના મધુર કંઠમાં સુંદર ગીતો ગાઈ વાતાવરણને સંગીતમય બનાવ્યું. સાથે વીતાવેલી સુંદર ક્ષણોની યાદગીરીને કૅમેરાના માધ્યમથી ફોટાઓમાં હંમેશા માટે કેદ કરી લીધી.

સર્જન અને પ્રત્યેક સર્જનકરની કલમને જીવંત ચીતરતા પરીક્ષિત જોશીજીના શબ્દો : “આત્મભુતિમાંથી નીપજતી અનુભવ – કથા જે શબ્દયાત્રા સર્જે છે, એ સાચું સર્જન. શબ્દ આનંદ છે, શબ્દ મોજ છે, બસ એ શબ્દદેવનો જય હો..” સર્જન મેળાવડો સાર્થક થયો.

અધ્યારૂ પરિવારના લાગણીસભર અતિથિ સત્કારના સર્વે સર્જનકરો અંતરાત્માથી આભારી રહ્યાં.

અંતે સાંજે છ વાગ્યે શિલ્પા સોનીએ સ્મૃતિચિહ્ન રૂપે આપેલી ‘સર્જન’ લખેલ સુંદર પેન, સુષ્મા શેઠે આગ્રહપૂર્વક પોતાના શબ્દોમાં શુભેચ્છા લખવાની વિનંતી સાથે આપેલ અર્પણ સંસ્થાના દિવ્યાંગ બાળકોએ બનાવેલા દિવાળી કાર્ડ, અને સર્જન મેળાવડાની યાદગીરીનું ભાથું બાંધી એકબીજાને ફરી જરૂર મળવાની અનોખી લાગણીસભર આશાસહ સૌ છૂટા પડ્યાં.