ત્રેવીસમી ઑગસ્ટે રાત્રે લગભગ બાર વાગ્યાની આસપાસ મિત્ર સંજય ગુંદલાવકરનો મેસેજ આવ્યો કે જે.એ. મુંબઈમાં છે. મળવું છે? અને.. ચોવીસમીએ બપોરના બાર વાગ્યાથી પહેલા તો સૌ મિત્રો સાથે હતા! જીજ્ઞેશ અધ્યારુ, રાજુલ ભાનુશાલી, સંજય ગુંદલાવકર, કુસુમ પટેલ, આરતી આંત્રોલિયા, અનસૂયા દેસાઈ, મીનાક્ષી વખારીયા અને મિતલ પટેલ, સપ્તરંગી મિત્રો, મુંબઈ જેવા શહેરમાં આટલી શોર્ટ નોટીસ પર એકાદ મુંબઈકરને છોડીને બાકી બધા હાજર થઈ ગયા, થઈ શક્યા એ મોટી વાત. પેલું કહે છે ને કે મન હોય તો ‘અંધેરી રીક્રીએશન ક્લબ’ જવાય!

પરિચય વિધીની જરૂર જ નહોતી. અમુક મિત્રો એકબીજાને અગાઉ પ્રત્યક્ષ મળી ચૂક્યા હતાં, જે નહોતા મળ્યા એ પણ એક્દમ પરિચિત જ લાગ્યાં! મળતાની સાથે જ જીજ્ઞેશભાઈની ફોર્મલ વાતો ચાલુ થઈ. એમણે ‘સર્જન’ સામયિક વિશે વાતો કરી. સામયિક વિષે એમનું દ્રષ્ટિ બિંદુ અને વિચારો એમણે વહેંચ્યા.

તેમણે કહ્યું, ”સામયિકનો પહેલો અંક આવ્યા બાદ અચાનક જ વૉટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે ઘસારો ખૂબ વધી ગયો છે. પરંતુ હાલના તબક્કે બધાને આડેધડ ઉમેરીને સંખ્યા વધારવામાં મને રસ નથી. હું ઈચ્છું છું કે ફક્ત ખરેખર રસ ધરાવનાર વ્યક્તિ જ આપણા આ ગ્રૂપ સાથે જોડાય. એટલે જે મિત્ર જોડાવા માટે રીક્વેસ્ટ મોકલે એમને હું એક પ્રશ્ન પૂછું, “તમે લખવાનું કેમ ચાલુ કર્યું?”

પછી એમણે સામયિક વિષે વાતો કરી. આવનારા અંકો માટે નવા જોડનારા વિભાગ, સભ્યોની જવાબદારીઓ વગેરે બાબતો પર ચર્ચા થઈ. પહેલા અંકમાં સભ્યો વચ્ચે જે વિભાગોની વહેંચણી થયેલી એ હવે બદલાશે. ટૂંકમાં આખી ટીમ સતત બદલાતી રહેશે. એટલે સભ્યોને નવી નવી જવાબદારીઓ મળશે અને એ રીતે નવા નવા અનુભવ મળશે.

સામયિકમાં આ વખતે અમુક નવા વિભાગો ઉમેરાશે. જેમ કે અન્ય ભાષામાંની માઈક્રોફિક્શનના ગુજરાતી ભાષામાં અનુવાદ, પ્રસ્થાપિત અનુભવી સાહિત્યકારોની મુલાકાત જે દર વખતે અલગ અલગ સભ્ય દ્વારા લેવામાં આવશે. એક વિભાગ ‘વાર્તા આસ્વાદ’નો પણ રાખવામાં આવશે. જેના અંતર્ગત બહેતરીન વાર્તાઓ સાથે આપણો પરિચય થશે અને કેળવાશે.

જીજ્ઞેશભાઈ એ ખુશખબર આપ્યા કે તેઓ ‘સર્જન’ની વાર્તાઓનું સંપાદન પ્રગટ કરવા ઇચ્છે છે. પણ એ માટે બધાએ સજ્જ થવું રહ્યું. વધુ મહેનત કરવી રહી. પ્રથમ અંક માટે ત્રણસોમાંથી વીસ વાર્તાઓ પસંદ કરી હતી અને એમાંય તકલીફ પડી હતી. સ્તર સુધારવું રહ્યું. હમણા સર્જન પાસે સાતસો જેટલી અપ્રગટ વાર્તાઓ છે. એમાંથી ત્રીજો અને ચોથો અંક બહાર પડશે.

એક બીજા નવા અને સરસ સમાચાર જીજ્ઞેશભાઈએ આપ્યા. ૧૫મી ઑક્ટોબરથી દર વર્ષે પીપાવાવથી પોણો કલાક દૂર આવેલા ‘રબ્બી બીન બસરી અલ બગાદી’ની દરગાહ જે ‘સવાઈ પીર’ના નામે ઓળખાય છે ત્યાં શાસ્ત્રીય સંગીતનો જલસો યોજાશે જેમાં તેઓ આયોજનમાં અગત્યનો ભાગ ભજવશે. આનંદ આનંદ.

ફરી પાછા માઇક્રોફિશન પર આવતા એમણે કહ્યું કે આપણી વાર્તાઓ અને સાથે સાથે આ પ્રવૃત્તિ વિષેના લેખો અન્ય સાહિત્યિક સામયિકોમાં આપવાની તેમની નેમ છે. એ રીતે આ ટચુકડા પણ અગત્યના સાહિત્ય પ્રકારનો ફેલાવો પણ થશે અને વધુ ને વધુ લોકો પરિચિત થશે.

પોતાની વાત કરતાં એમણે કહ્યું કે તેઓ જ્યારે નોકરીમાં જોડાયા અને પીપાવાવ આવ્યા ત્યારે એમણે જોયું કે ત્યાં જીવન જરૂરિયાતની મુળભૂત સુવિધાઓનો પણ અભાવ હતો. તેઓ ખૂબ અવઢવમાં હતા કે અહિ આવવાનો એમનો નિર્ણય સાચો છે કે નહિ. એ અરસામાં એમને લીઓ બબોતાનાં બ્લોગની માહિતી મળી. આ બ્લોગનો સમાવેશ ટાઇમ્સનાં ટોપ ૨૫ બ્લોગમાં થઈ ચૂક્યો હતો. એમણે જોયું કે લીઓ બબોતા એ જ લખે છે જે એમને ગમે છે, આવડે છે. વાચકોને સારું લાગે એવું એ નથી લખતા! આ વાત એમને ખૂબ જચી ગઈ.

એમનું માનવું છે કે જેવી રીતે ફિલ્મ બનાવવાનું કોઈ ચોક્કસ માળખું નથી એવી જ રીતે વાર્તા માટે પણ કોઈ સજ્જડ ફોર્મેટ નથી પછી એ ૩૦૦ શબ્દની હોય કે ૩૦૦૦ શબ્દની! તમારે વાર્તામાં જે કહેવું છે એ સટીક સ્વરૂપે આવવું જોઈએ, જો એ નહિ આવે અને કોઈને સમજાશે નહિ તો વાર્તા ફેઇલ ગણાશે. વળી ફોર્મેટ ભલે નથી પણ નિયમો છે અને માઇક્રોફિક્શનનાં થોડાક વધુ સ્પેસિફિક છે કારણ એનું ફલક નાનું છે! તાજેતરમાં આવેલી ફિલ્મ રૂસ્તમમાં જે રીતે અંત આપવામાં આવ્યો છે એ રીતે જોતાં ‘રૂસ્તમ ટુ’ આવવાની શક્યતાઓ ઘણી છે એ સમજાય છે કારણ મૂવીનાં અંતે ઘણા છેડા ખુલ્લા છે. એવી જ રીતે માઇક્રોફિશનમાં પણ અંતે છેડા ખુલ્લા રાખો. વાચકોને વિચારવા દો. એમને આગળ વિચારીને ‘લેખક’ થવાની તક આપો.

આપણે દસ વાર્તા લખીએ તો એમાંથી આઠ યાદ રહી જાય એવી લખાવી જોઈએ. અહીં ફરી ‘થ્રી ઇડીયટ્સ’ મૂવીનો દાખલો અપાયો કે એમાં સ્ક્રીપ્ટ નથી પણ સાક્ષાત વાર્તા છે! ‘થ્રી ઇડીયટ્સ’ જુઓ તો તમને ખબર પડશે કે સ્ક્રીપ્ટની શું વેલ્યુ છે! આરતીના ‘વાર્તા લખતા શીખવી છે’ વાતના જવાબમાં તારણ એ નીકળ્યું કે વાર્તા લખતા કોઈ શીખવી નહિ શકે! હા એનું માળખું સમજવા, સમજાવવાનો પ્રયત્ન જરૂર થઈ શકે, કરી શકાય. તમે લખો, મઠારો.. મઠારો લખો.. આ પ્રક્રિયામાંથી જાતે પસાર થવું. જેમ પોતાનું બાળક બીજાને મોટું કરવા ન અપાય તેમ પોતાની વાર્તા પણ બીજાને મઠારવા ન અપાય.

આવી અને આના જેવી બીજી ઘણી વાતો થઈ, ચર્ચાઓ થઈ. મીનાક્ષીબેનનું સુંદર આયોજન અને બધા મિત્રોનો ઉત્સાહ, લંચ સાથે અનેક વાતો થતી રહી, ચર્ચાતી રહી અને એ રીતે ‘સર્જન’ની માઈક્રોફિક્શનના ફલકને એ આપમેળે વિસ્તારતી રહી. મેળાવડાનો સમય અગિયાર થી બે સુધીનો નિર્ધારેલો. પણ નાનો કાંટો ક્યારે ‘ચાર’ પાર કરી ગયો કોઈને ખબર જ ન રહી. છેવટે સાડાચારે બધા ક-મને છૂટા પડ્યા. મળતા રહીશુંના વાયદા સાથે.

– રાજુલ ભાનુશાળી