મહાકાય માઈક્રોફિક્શન.. – ડૉ. હાર્દિક યાજ્ઞિક

ભૂખરા રંગને માઈક્રોસ્કોપમાં જોઇએ તો એ કાળો ભમ્મર લાગે છે. સૂક્ષ્મતામાં ઊંડે ઊતરવાથી રંગો બદલતાં જાય છે… માઈક્રોફિક્શનનું પણ કંઇક આવું જ..

૨૦૧૨ની સાલમાં ઝેન ગુરુ રુથ ઓઝીકીને વાંચવાનું સદભાગ્ય મળ્યું હતું.. અને ત્યારે પહેલો પરિચય થયો હતો ઝેન ડ્રેબલ્સનો.. ઓછા શબ્દોમાં ઘણું બધું કહેવાની રીત સ્પર્શી ગઇ. ૨૦૧૨ના સપ્ટેમ્બર મહિનામાં પહેલ-વહેલો પ્રયત્ન કર્યો ગુજરાતી ભાષામાં આવી સાવ ઓછા શબ્દોમાં વાર્તા લખવાનો.. કંઇક મજા પડી એટલે પરમ મિત્ર અને માર્ગદર્શક જીજ્ઞેશ અધ્યારૂને તાત્કાલિક ઇ-મેઇલ અને ચાતક નજરે પ્રતિભાવોની રાહ જોવા લાગ્યો.. સાંજે તેમનો ફોન આવ્યો “સરસ.. મજા પડી હાર્દિકભાઇ.. અક્ષરનાદ ઉપર લઉં છું.” બસ ત્યારથી અત્યાર સુધીમાં ૮ ભાગમાં ૧૧૦ માઈક્રોફિક્શન.. અનેકોએ માણી.. આ સમય ગાળામાં વાર્તાના આ પ્રકારને અનેકાનેક અદ્દભૂત લેખકો મળ્યા.. અક્ષરનાદ તરફથી યોજાયેલ માઈક્રોફિક્શન વાર્તા સ્પર્ધાનો જજ બનીને જ્યારે સ્પર્ધકોની વાર્તા વાંચતો ગયો ત્યારે મનમાં થયું કે શું તાકાત છે આ માઈક્રોફિક્શનના જગતની.. ત્યારબાદ તો કેટલાય નવા અને પ્રસ્થાપિત બધા લેખકોએ આ વાર્તા પ્રકારમાં પોત પોતાનો હાથ અજમાવ્યો. કદાચ મારા મતે આ વંટોળમાં મૂળ સ્વરૂપ બદલાઈ ગયું. ટૂંકી વાર્તા અને અતિ લધુકથામાં જે ફેર છે તે કદાચ અહીં ખોવાતો ગયો.

ભાવકોને એ ગમી છે અને વાચકો સાથે જે ચર્ચા કરી છે તે મુજબ એકથી સાત લીટીમાં લખેલો વાર્તાઓ વાંચવાનો એમને આનંદ આવે છે અને ટૂંકમાં ઘણું કહેવાની ચેલેન્જ પૂરી કરવામાં મને પણ મજા આવે છે એટલે મારા મતે તો ઓછામાં ઓછા શબ્દોમાં વાર્તા લખીને ઘણું બધું કહેવાય ત્યારે સાચી માઈક્રોફિક્શન લખાઈ ગણાય.

માઈક્રોફિક્શનના મૂળ ત્રણ પાયા – કલ્પના, કવિતા અને કથા..

મારા અનુભવે કટુતા, વ્યંગ અને લાગણીઓ ધરાવતી અતિ લઘુકથા લોકોને ખૂબ સ્પર્શી જાય છે.. જેમ કે

વ્યંગ

શાંતિલાલ ૭૫ વર્ષે અચૂક મંદિર જાય. ભજનમાં બેસે અને પાછા આવે. ગઇ કાલે મુખ્ય ભજનિક સવિતાબેન ગુજરી ગયા. આજથી શાંતિલાલે મંદિરની જગ્યાએ ઘરે જ પૂજા કરવાનું ચાલુ કર્યું.

કટુતા

અંગ્રેજો સામેની લડાઇમાં શહીદ થનાર સ્વ. તિલકરામ જોષીના ફોટાની સામે દીવો કરી પ્રણામ સાથે તેમનો પ્રપૌત્ર એરપોર્ટ જવા નીકળ્યો. ઈંગ્લેન્ડમાં એને સારી નોકરી મળી હતી. રહેવા જમવાની સાથે પર્મનન્ટ રેસિડેન્સીનો ચાન્સ..

લાગણીઓ

ગાડીમાં સન્નાટો હતો. બાપને ઘરડાઘર મૂકવા જતા પરેશને રસ્તા પર અનેક મંડળો ગણપતિજીની મૂર્તિઓ લઈને જતા નડ્યા. ટ્રાફિકથી અકળાઇ જોરથી હૉર્ન મારતા દિકરાને જોઇ બાપે કહ્યું, “બેટા, અકળાઇશ નહીં, આ બધાને જો… વિસર્જનનો તો આનંદ લેવાનો હોય.”

આ ત્રણેય પ્રકાર પછી કયાંક વિસ્મયનો પ્રકાર પણ લોકોને ગમતો હોય તેમ મને લાગ્યું, જેમ કે

વિસ્મય

મંદિરની બહાર બેસતા દરેક ભીખારીઓમાં જીવલા ભીખારીએ ગોળ વહેંચ્યો. ખુશીનું કારણ પૂછતાં કહ્યું, “કાલ મારે ઝૂંપડે ચોરી થઈ.. ચોર આપણે ત્યાં પણ આવે, બોલો!”

સમાજમાં ચાલતી બદીઓ કે પછી ખોટી માન્યતાઓને ખાળવા માટે પણ આ અતિલધુકથાઓ મહત્વનો ફાળો ભજવી શકે છે તેવુ મારું સ્પષ્ટપણે માનવું છે… લોકોને સીધી શિખામણ આપવા કરતા અતિલઘુકથાનું માધ્યમ એક જબરજસ્ત છાપ છોડી જાય તે સ્પષ્ટ છે..

ઉદાહરણ તરીકે અંગ્રેજી માધ્યમમાં બાળકને મૂકવાની લાંબી લચક ચર્ચાને બદલે અતિલધુકથા કહે છે..

“ગ્રાન્ડપા, કનૈયો પાવરફુલ હોય કે છોટા ભીમ?” સ્કૂલ શૂઝ પહેરતા જયુએ પૂછ્યું. શ્રીમદ ભાગવતમાંથી માથું ઊંચકી હજી તો રમણિકલાલ કશું કહેવા જાય ત્યાં તો નૉલેજ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલની બસનું હૉર્ન વાગ્યું. અંદરથી મમ્મી બોલી, “ગો બેટા, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ.”

સ્વચ્છતા

સ્વચ્છતા રેલીમાં ગઇ કાલે ૨૦૦૦ માણસો જોડાયા. આજે સફાઈ કામદારોએ રેલીના રસ્તા પરથી ૪૦૦૦ જેટલા પાણીના પાઉચ અને નાસ્તાના પડીકા ભેગા કર્યા.

ધાર્મિક ભાઇચારાની મોટી મોટી વાતો કરવાની જગ્યાએ ‘અલ્લાહ ઇશ્વર એક છે’ ની વાત લોકો સુધી ફેલાવનાર આ માધ્યમ મજબૂત બની રહે છે જેનું ઉદાહરણ છે આ માઈક્રોફિક્શન..

સંધ્યા કાળનો સમય થયો. ચાલતા ચાલતા ડાબી બાજુ આવતી મસ્જિદ તરફ સહેજ ડોક નમાવી એણે મનમાં કહ્યું “જય શ્રીકૃષ્ણ.”

બે મોઢા ધરાવતા વ્યક્તિત્વને સમાજની સમક્ષ લાવવા પણ આ માઈક્રોફિક્શનનું માધ્યમ ખૂબ અસરકારક બની રહે છે જેમ કે..

લાગણી, પ્રેમ અને માનવતા વિશેનો લેખ લખતી વખતે દીકરાના અવાજથી ડિસ્ટર્બ થઈ, કંટાળી બે લાફા અમરતલાલે માર્યા.. દિકરો રડતો રડતો સૂઈ ગયો અને અમરતલાલે લેખ પૂરો કર્યો.

મારી દ્રષ્ટિએ સમાજનો અરીસો એટલે માઈક્રોફિક્શન..

ગુજરાતી ભાષાની શુદ્ધતાને અક્ષત અને અણિશુદ્ધ રાખવાના પરિપેક્ષ્યમાં શિક્ષકોનુ પ્રદાન વિષય ઉપર રાખવામાં આવેલ સેમિનારમાં રાજ્યભરના શિક્ષકોને ફરજિયાત બોલાવવામાં આવ્યા..

એક શિક્ષકે બાજુના શિક્ષકને ધીરે રહીને પૂછ્યું, “મારુ હાળું, ઓંય કોઇ ખવરાવસે કે ખાલ ખાલ આવા ભાહણ જ આપે રાખસે?”

કે..

એક નેતાને ખરેખર દેશસેવા કરવાનું હ્રદયથી મન થયું. બહુજ વિચારીને એણે રાજીનામું આપી દીધું.

છાપામાં મોટા અક્ષરે સમાચાર હતા, “દેશમાંથી બાળમજૂરી નાબૂદ કરવા સરકાર કટિબદ્ધ છે.” છાપામાંથી સહેજ મોં ઊચું કરીને જોયું તો ગેલેરીની નીચે લગભગ ૮ કિલો ના વજનવાળું દફતર લઇને નિશાળે જતા છોકરાઓ જોયા..

કે..

“મુઠ, વશીકરણ, અને પ્રેમ વિચ્છેદ, અમારું કરેલ કોઇ ન તોડે, ૨૪ કલાકમાં ૧૦૦% ગેરેન્ટીથી કામ. અમારી ખાસ લક્ષ્મીપ્રાપ્તી પુજાથી અઢળક કમાણી કરી કરોડપતિ બનો.” પોતાના ખાસ મિત્ર પાસેથી ત્રીજી વાર રૂપિયા ઉધાર લઇ તાંત્રિક જીવણલાલે છાપામાં આ ટચૂકડી જા.ખ આપી.

ટૂંકમાં મોટી મોટી વાતોની સામે સાવ નગ્ન વાસ્તવિકતાને મૂકવી હોય તો એને શબ્દોનાં વાઘા પહેરાવવાની જરૂર નથી. ખાલી કવર કોઈને ન ગમે, અંદર સંદેશો તો હોવો જ જોઇએ.

સંપૂર્ણ અહિંસામાં માનનાર સુમનલાલે કાચબાછાપ અગરબત્તી રોજની જેમ સળગાવી, એ સિવાય એમને ઊંધ જ ના આવે.

અંતે એટલું જ કહીશ કે મારા મતે તો જેટલા ઓછા શબ્દો એટલી સક્ષમ માઈક્રોફિક્શન વાર્તા…

ગયા મહિને એક લેખક મરી ગયો… આ વર્ષે ઘરમાં પસ્તીના પૂરા ૩૦૦/- રૂ. વધારાના મળ્યા…

– ડૉ. હાર્દિક યાજ્ઞિક

2 thoughts on “મહાકાય માઈક્રોફિક્શન.. – ડૉ. હાર્દિક યાજ્ઞિક

  1. વાહ ! વંદન !
    ખૂબ જ ઉમદા.
    || વંદન ||

Leave a Reply