ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

માઇક્રોફિક્શન : અંતે મૂંઝવણથી સ્પષ્ટતા તરફ – સુષમા શેઠ

માઇક્રોફિક્શનમાં અંત બાબતે નિર્દેશ ન હોય તો એ લેખકની ત્રુટી ગણાય. લેખકે સુસજ્જ રહેવું ઘટે કે જેથી વાચક અંત સુધી પહોંચીને અટવાઈ ન જાય! એ વિશે વિગતે વાત કરીએ.

આ લેખ ટૂચકા કે સુવાક્યોને માઇક્રોફિક્શન તરીકે ગણાવતા સર્જકો માટે નથી. માઇક્રોફિક્શન સ્વરૂપને વિગતે જાણી એમાં લખતા – લખવા માંગતા મિત્રોની માઇક્રોફિક્શનમાં અંત વિશેની અસમંજસ દૂર કરવા આ લેખનો વ્યાયામ કરવામાં આવ્યો છે.

‘માઇક્રોફિક્શન’ નામ સાહિત્ય રસિકોમાં અજાણ્યું નથી પરંતુ તેની સમજણમાં ખાસ્સી અસમંજસ પ્રવર્તે છે. કેટલાકને વાર્તા અધૂરી, અઘરી કે અસ્પષ્ટ લાગે છે. ખરી રીતે તો માઇક્રોફિક્શન વાર્તા, વાચકની આંગળી ઝાલી અંતે તેને એકથી વધુ વિકલ્પો મળતા હોય ત્યાં; કહો કે તેને ત્રિભેટે લાવી મૂકે છે પછી આગળનો માર્ગ વાચકે જાતે નકકી કરવાનો રહે છે. તે સીધો સરળ હોય અથવા વાંકોચૂકો હોઈ શકે માટે જ વાંચતાં કદીક મૂંઝવણ અનુભવાય તેવું બની શકે છે.

અંગ્રેજી સાહિત્યમાં માઇક્રોફિક્શન વાર્તા પ્રકાર ખૂબ જૂનો, જાણીતો અને લોકપ્રિય છે. સર્જન ગ્રુપ જે આપણી ભાષામાં સ્વરૂપગત પદ્ધતિને અનુસરી માઇક્રોફિક્શન પ્રસ્તુત કરવામાં અગ્રસ્થ ગણી શકાય, તેના સભ્યો, ગુજરાતી ભાષામાં માઇક્રોફિક્શન વાર્તાઓ લખવા માટે ઘણી મહેનત તેમજ તકેદારી રાખી વાર્તાઓ રજુ કરે છે. આ એવો વાર્તા પ્રકાર છે જે એક રમૂજી જોક કે ટૂચકો નથી, લઘુકથાય નથી પણ આ નાનકડી વાર્તાનો અંત વાચકને વિચારતો કરી મૂકે છે, વાચક પોતાની રીતે અંતે અથવા આગળ શું થશે તે અંગેના વિકલ્પો શોધી શકે છે અને તુંડે તુંડે ર્મતિ ર્ભિન્ના હોય માટે જ માઇક્રોફિક્શનનો એક નિશ્ચિત અંત નથી હોતો અને માટે જ એ સમજવામાં અઘરી હોઈ શકે. કેટલીક જાણીતી અંગ્રેજી માઇક્રોફિક્શનમાંથી તો તેને ખૂબ વલોવીને તેનો અર્થ તારવવો પડે છે.

માઇક્રોફિક્શનના બંધારણની સ્પષ્ટતા સર્જનના ઇ સામયિકમાં કરાયેલ છે જ માટે એ અહીં અસ્થાને છે. ઝેનકથાઓની માફક જ એક સુંદર માઇક્રોફિક્શન વાર્તાને સમજવા માટે ભેજું કસવું પડે છે, થોડુંઘણું મથવું પડે છે અને લેખક શું કહેવા માંગે છે તે જાણવું જરૂરી બની જાય છે તો જ એ વાર્તા પૂરેપૂરી જાણી અને માણી શકાય. લેખક વાનગીને ઢાંકીને પીરસે છે. વાચકે તેને ઉઘાડીને માણવાની છે. સ્પુન ફીડીંગ નહીં જ મળે. કેટલીક માઇક્રોફિક્શન આખેઆખી વંચાઈ જાય પછી ઝબકારો થાય કે, ઓહો! આ હતું. તો કદીક બે ત્રણ વાર વાંચ્યા પછી ઘડ બેસે અને એ જ તો એની મજા છે. આમાં વાચક અને લેખક બન્નેની કસોટી છે.

માઇક્રોફિક્શન, લઘુકથાની માફક પૂરેપૂરી સ્પષ્ટપણે અથથી ઈતિ સુધી નથી કહેવાતી. એ વચ્ચેથી શરુ થઈ અંત આવતાં પહેલાં અટકી જાય છે પરંતુ તેમાં અંત બાબતે નિર્દેશ કરાયેલ હોય છે. જો એ ન હોય તો એ લેખકની ત્રુટી ગણાય. માઇક્રોફિક્શન વાર્તામાં મર્યાદિત શબ્દોનું માળખું હોવાથી બિનજરૂરી વર્ણન, પાત્રાલેખન કે દરેક શબ્દના અર્થઘટનને અવકાશ નથી અને માટે જ દરેક શબ્દ ચીવટપૂર્વક વપરાય છે. વાચક વાંચતી વખતે મૂંઝાઈ શકે અથવા સમજી ન શકે પરંતુ શબ્દો અને તેની પાછળ છૂપાયેલ ગૂઢાર્થ ધ્યાનપૂર્વક વાંચવાથી સ્પષ્ટતા થાય છે. બાકી તો આંખે પાટા બાંધી હાથીને અડકનાર કહે કે હાથી થાંભલા જેવો છે તો વળી કોઈ સૂપડા જેવો કહે તો બંન્ને પોતાની રીતે સાચા છે. આંખ પરની પટ્ટી કાઢ્યા પછી વાસ્તવિકતાનો ખ્યાલ આવે. માઇક્રોફિક્શન વાર્તાનો લેખક ક્રોસવર્ડ પઝલની માફક ક્લુ મૂકીને વાચકને એ ઉકેલવા આપે છે માટે લેખકની જવાબદારી વધી જાય છે. તેમાં જ લેખકની કુશળતા છે અને લેખકે પણ સુસજ્જ રહેવું ઘટે કે જેથી વાચક અટવાઈ ન જાય બાકી ચાવીઓ શોધવા મગજ તો કસવું જ પડે. આ કાર્ય દેખાય છે તેટલું સહેલું નથી.

સુંદર માઇક્રોફિક્શન વાર્તાનું શ્રેષ્ઠ ઉદાહરણ મને ગમતી ફિલ્મ આયુષ્માન ખુરાના અભિનિત ‘અંધાધૂન’નું આપીશ જેનો અંત દર્શકો પર છોડ્યો છે છતાંય એ અધૂરો નથી.

હવે મારા મતે, માઇક્રોફિક્શન અઘરી લાગવાના કારણો કે સમજવામાં મૂંઝવણ થવાના કારણો:

  • એક તો એ કે લેખક વાર્તા અંગે પોતે સ્પષ્ટ હોય પરંતુ એ વાચકને પહોંચાડવામાં કચાશ રહી જાય.
  • બીજું, માઇક્રોફિક્શન રચવા જતાં લેખક લઘુકથાને અધવચ્ચે અધૂરા અંત સાથે પૂરી કરે.
  • ત્રીજું, લેખક વાચકને દિશાનિર્દેશ આપ્યા વગર વાર્તાનો અંત આપી દે એટલે વાચક ભટક્યા કરે અને
  • ચોથું વાચકો પર અંત છોડનાર લેખક પોતે જ અંત બાબતે સ્પષ્ટ ન હોય તેવુંય બને.

મૂંઝવણની સ્પષ્ટતા કરતી ઉદાહરણરૂપ મને ગમતી વાર્તાઓ મૂકું છું :-

માઇક્રોફિક્શન ૧

થીમ – મને તાન્યાની ઈર્ષા થાય છે/
સર્જક – દિના રાયચુરા
શીર્ષક – શું કરશે?

ઓરડામાં દાખલ થતાં જ શૂન્યતા ઘેરી વળી.

વચ્ચોવચ રિકલાઈનર કાઉચ, ખુરશી અને છેક દીવાલ પાસે એક સોફો. ફ્લોર પર ગાલિચો હતો. સાવ ગ્રે, ખાસ ધ્યાન જાય, કોઈ વિચાર આવે એવી કોઈપણ વસ્તુ ત્યાં ન હતી. બધે લાઈટ ગ્રે રંગ છવાયેલો હતો.

સંધ્યાએ તનુજ સામે જોયું. એ ખોવાયેલો  હતો, હંમેશની જેમ જ!

“હિપ્નોથેરેપીનું સેશન કર્યા પછી કદાચ કોઈ તારણ મળી શકે! એના મનનાં ઊંડાણમાં કોઈક વાત છે જ!”

સંધ્યા ડૉક્ટરના શબ્દો વિશે વિચારતી  હિપ્નોથેરેપી જોઈ રહી હતી.

“એવી તે કઈ વાત હોઈ શકે?”

એ વિચારતી બેઠી હતી. તનુજે બોલવાનું શરૂ કર્યું. જુનિયર કે.જી. અને એથીય પહેલાની, પછીની વાતો ઉલેચાતી જતી હતી. કોઠી ધોવાઈ રહી હતી. તનુજના સૂનમૂન, એકલવાયા રહીને એકાંતમાં રડયા કરવાનું; ક્યારેક પોતાને ઇજા કરતા રહેવાનું કારણ શોધતાં ત્રણ વર્ષ થવા આવ્યા હતા.

ત્યાં બહુ જ ઉંડેથી આવતો હોય એવા અવાજે બેઉને એકકાન કરી દીધાં.

“તાન્યાને તો દાદાદાદી કેવા સરસ ચણિયાચોળી, ફ્રોક, ગાઉન પહેરાવી મંદિર, હોટેલ, ગાર્ડન બધે લઈ જતાં!”

હિપ્નોથેરાપિસ્ટે સંધ્યા સામે જોયું. સંધ્યા એકીટશે પોતાનાં સત્તર વર્ષના પુત્રને જોઈ રહી હતી.

“ચાચુ એને તાન્યા બેબી કહીને પપીઓથી ગૂંગળાવી દેતા. કેટલી મસ્તીમજા કરાવતા! હવે મારી સામે કોઈ જોતું જ નથી એટલે મને તાન્યાની ઇર્ષા થાય છે! ચાચુએ કહ્યું કે તાન્યા જ મસ્ત હતી!”

સંધ્યા ઉભી થઈને બહાર જતી રહી. પાછળ આવેલા થેરાપિસ્ટના પ્રશ્નના જવાબમાં કહ્યું, “અમારે ત્યાં સાત પેઢીથી પુત્રી નથી. તનુજ પુત્રીની આશામાં જન્મેલો ત્રીજો પુત્ર છે એટલે એના દાદાદાદી.., પણ આ ચાચુવાળી વાત!   ચારમાંથી કયા ચાચુ!”

થેરાપિસ્ટ અને સંધ્યા ફરીથી અંદર ગયાં ત્યારે અર્ધજાગૃત અવસ્થામાં તનુજ બોલતો હતો.

“તાન્યાને કવિશ બહુ ગમે છે! એને  પાર્થ પણ બહુ ગમે છે…તાન્યા હવે શું કરશે? તાન્યાને તો મૂછ આવવા લાગી છે!”

ઉદાહરણ – ૧. મૂંઝવણથી સ્પષ્ટતા તરફ:-

એ ઓરડામાં દાખલ થતાં જ શૂન્યતા ઘેરી વળી.

વચ્ચોવચ રિકલાઈનર કાઉચ, ખુરશી અને છેક દીવાલ પાસે એક સોફો. ફ્લોર પર ગાલિચો હતો. સાવ ગ્રે, ખાસ ધ્યાન જાય, કોઈ વિચાર આવે એવી કોઈપણ વસ્તુ ત્યાં ન હતી.

સંધ્યાએ તનુજ સામે જોયું. એ ખોવાયેલો  હતો, હંમેશની જેમ જ!

“હિપ્નોથેરેપીનું સેશન કર્યા પછી કદાચ કોઈ તારણ મળી શકે! એના મનનાં ઊંડાણમાં કોઈક વાત છે જ!”

સંધ્યા ડૉક્ટરના શબ્દો વિશે વિચારતી  હિપ્નોથેરેપી જોઈ રહી હતી.

“એવી તે કઈ વાત હોઈ શકે?”

એ વિચારતી બેઠી હતી. તનુજે બોલવાનું શરૂ કર્યું. જુનિયર કે.જી. અને એથીય પહેલાની, પછીની વાતો ઉલેચાતી જતી હતી. કોઠી ધોવાઈ રહી હતી. તનુજના સૂનમૂન, એકલવાયા રહીને એકાંતમાં રડયા કરવાનું; ક્યારેક પોતાને ઇજા કરતા રહેવાનું કારણ શોધતાં ત્રણ વર્ષ થવા આવ્યા હતા.

ત્યાં બહુ જ ઉંડેથી આવતો હોય એવા સ્ત્રૈણ્ય અવાજે બેઉને એકકાન કરી દીધાં.

“તાન્યાને તો દાદાદાદી કેવા સરસ ચણિયાચોળી, ફ્રોક, ગાઉન પહેરાવી મંદિર, હોટેલ, ગાર્ડન બધે લઈ જતાં!”

હિપ્નોથેરાપિસ્ટે સંધ્યા સામે જોયું. સંધ્યા એકીટશે પોતાનાં સત્તર વર્ષના પુત્રને જોઈ રહી હતી.

“ચાચુ એને તાન્યા બેબી કહીને પપીઓથી ગૂંગળાવી દેતા. કેટલી મસ્તીમજા કરાવતા! હવે મારી સામે કોઈ જોતું જ નથી એટલે મને તાન્યાની ઇર્ષા થાય છે! ચાચુએ કહ્યું કે તાન્યા જ મસ્ત હતી! કાશ! હું તાન્યા હોત.”

સંધ્યા ઉભી થઈને બહાર જતી રહી.

તેણે પાછળ આવેલા થેરાપિસ્ટના પ્રશ્નના જવાબમાં કહ્યું, “અમારે ત્યાં સાત પેઢીથી પુત્રી નથી. તનુજ પુત્રીની આશામાં જન્મેલો ત્રીજો પુત્ર છે એટલે એના દાદાદાદી.., પણ આ ચાચુવાળી વાત!  ચારમાંથી કયા ચાચુ!”

થેરાપિસ્ટ અને સંધ્યા ફરીથી અંદર ગયાં ત્યારે અર્ધજાગૃત અવસ્થામાં તનુજ બોલતો હતો.

“માટે જ હું તાન્યા બની ગયો. તાન્યાને કવિશ બહુ ગમે છે! એને પાર્થ પણ બહુ ગમે છે પણ આ તાન્યાને તો મૂછ આવવા લાગી છે! તાન્યા હવે શું કરશે?

અમુક વાક્યો ઉમેરવાથી વાચકની મૂંઝવણ સ્પષ્ટ થશે કે તનુજને તાન્યાની ઈર્ષા થવાથી, એ પોતાને માનસિકપણે તાન્યા – છોકરી માને છે અને તેને છોકરાઓ ગમવા લાગ્યા છે. પણ તે શારીરિકપણે છોકરો છે અને મૂછ ઉગવા લાગી છે. આમ શીર્ષક સાર્થક થાય છે અને અંત વિકલ્પો તરફ દોરી જાય છે.

માઇક્રોફિક્શન – ૨

પ્રોમ્પ્ટ : શ્રુતિ તું પ્રયત્ન તો કર
સર્જક – સુષમા શેઠ
શીર્ષક : ચીસ.

પરણવું જ નહોતું પણ છૂટકો નહોતો. લગ્નની પહેલી રાત હતી એ. “થાકી ગઈ છે? કંઈ વાંધો નહીં.” કહી સમીર પડખું ફરી ગયો. પછી મધુરજની માણવા કાશ્મીર ગયા ત્યારે અત્યંત નિકટ આવી સમીરે શ્રુતિનો હાથ પસવારતાં સલુકાઈથી કહેલું, “શ્રુતિ, તું પ્રયત્ન તો કર.”

“ના…” સમીરને નહોતી સાંભળવી એવી તેની ચીસ બંધ ઓરડામાં ગુંજ્યા કરતી. અજ્ઞાત ભયથી હાંફતી શ્રુતિનું મન પ્રયત્ન કરવા છતાંય નહોતું ફરતું અને એ પડખું ફરી જતી. તેના હાથપગ પાણીપાણી. પોતે ઠંડીગાર.

શ્રુતિના અંતરને થથરાવી મૂકતું નજર સામે દેખાયા કરતું એક દ્શ્ય! એ આંખો મીંચી દેતી તોય એ દ્શ્ય ફરી ફરી દેખાતું. એક બળકટ સિંહની પકડમાંથી છૂટવા માંગતી તરફડતી હરણી. તેની બે લાચાર આંખો દેખાયા કરતી. પપ્પાના ચહેરા પર જાણે સિંહનું મોહરૂં! મમ્મીની આજીજી… પપ્પાનું વિકૃત હાસ્ય… હરણી લોહીલુહાણ.

વર્ષો વહેતા ગયા. શ્રુતિના વર્તનમાં કોઈ ફરક નહીં. સમીરના પ્રયત્નો નિષ્ફળ ગયા. શ્રુતિ અંધારિયા ઊંડા પાતાળમાં જઈ બેસી જતી જ્યાં સમીરની પ્રેમભરી સમજાવટનો પ્રકાશ પહોંચી ન શકે. અકળામણ. મુંઝવણ. છેવટે શ્રુતિએ જુલીને ફોન કર્યો.

જુલી આવી, અંદર ગઈ. ઊચક જીવે શ્રુતિ બહાર બેઠી રહી તે સાથે જ મનમાં ધરબી રાખેલો વિચિત્ર ખળભળાટ બેઠો થયો. અચાનક સમીર પરત્વેની લાગણીઓ ઉમટી આવી. ‘તેનો શો વાંક?’ વિચારતાં આંખમાં આંસુ ધસી આવ્યા. તે ઊભી થઈ ગઈ. બંધ બારણું ખટખટાવ્યું. “સમીર, હું… હું તૈયાર છું… બારણું ખોલ. સોરી, મને આ શું સૂઝ્યું? પ્લીઝ ડોન્ટ ટચ જુલી.” તેણે મોટેથી કહ્યું.

સમીર જુલીની કમનીય કાયાને નહોતો જોતો. તેને  દેખાતી હતી માત્ર બે આંખો. ગભરૂ હરણીની આંખો. એવી જ જેવી શ્રુતિની હતી, જુલીની હતી, કૉલેજની ગર્લફ્રેન્ડ સમીરાની હતી, રાત્રે રસ્તા પર એકલી ચાલી જતી રેશ્માની હતી અને શ્રુતિની મમ્મીની હતી.

“ના…” સમીરની ચીસ બારણું ફાડીને બહાર આવી.

“તું પ્રયત્ન તો કર.” જુલી સહાનુભૂતિપૂર્વક બોલી રહી હતી. ધક્કો લાગ્યો. શ્રુતિ તદ્દન અવાક્. તેની પીછેહઠ કરતી જાત સંતુલન ગુમાવી ઊંડી ખીણમાં પછડાઈ હોય એવું તેણે અનુભવ્યું. ત્રણેયનાં આક્રંદ અંધારામાં અફળાતા રહ્યાં.

ઉદાહરણ – ૨ : સ્પષ્ટતા તરફ :

પરણવું જ નહોતું પણ છૂટકો નહોતો. લગ્નની પહેલી રાત હતી એ. “થાકી ગઈ છે? કંઈ વાંધો નહીં.” કહી સમીર પડખું ફરી ગયો. પછી મધુરજની માણવા કાશ્મીર ગયા ત્યારે અત્યંત નિકટ આવી સમીરે શ્રુતિનો હાથ પસવારતાં સલુકાઈથી કહેલું, “શ્રુતિ, તું પ્રયત્ન તો કર.”

“ના…” સમીરને નહોતી સાંભળવી એવી તેની ચીસ બંધ ઓરડામાં ગુંજ્યા કરતી. અજ્ઞાત ભયથી હાંફતી શ્રુતિનું મન પ્રયત્ન કરવા છતાંય નહોતું ફરતું અને એ પડખું ફરી જતી. તેના હાથપગ પાણીપાણી. પોતે બરફ જેવી ઠંડીગાર.

કારણ, શ્રુતિના અંતરને થથરાવી મૂકતું નજર સામે દેખાયા કરતું એક દ્શ્ય! એ આંખો મીંચી દેતી તોય એ દ્શ્ય ફરી ફરી દેખાતું. સિંહની પકડમાંથી છૂટવા માંગતી તરફડતી હરણી જેવી તેની માની લાચાર આંખો દેખાયા કરતી. પપ્પાના ચહેરા પર જાણે સિંહનું મોહરૂં! મમ્મીની આજીજી… પપ્પાનું વિકૃત હાસ્ય…

વર્ષો વહેતા ગયા. શ્રુતિ એવી જ ઠંડીગાર! સમીરના પ્રયત્નો નિષ્ફળ ગયા. શ્રુતિ અંધારિયા ઊંડા પાતાળમાં જઈ બેસી જતી જ્યાં સમીરની પ્રેમભરી સમજાવટનો પ્રકાશ પહોંચી ન શકે. મુંઝાએલી શ્રુતિએ છેવટે જુલીને ફોન કર્યો, “હું એની ભૂખ નથી સંતોષી શકતી. તું આવશે?”

જુલી આવી, શયનખંડમાં પ્રવેશી. ઊચક જીવે શ્રુતિ બહાર બેઠી રહી તે સાથે જ મનમાં વિચિત્ર ખળભળાટ બેઠો થયો. અચાનક સમીર પરત્વેની લાગણીઓ ઉમટી આવી. ‘તેનો શો વાંક? વાંક મારો પોતાનો છે. મેં પ્રયત્ન જ ન કર્યો.’ વિચારતાં આંખમાં આંસુ ધસી આવ્યા. તે ઊભી થઈ ગઈ. બંધ બારણું ખટખટાવ્યું. “સમીર, હું… હું તૈયાર છું… બારણું ખોલ. સોરી, મને આ શું સૂઝ્યું? પ્લીઝ ડોન્ટ ટચ જુલી.” તેણે મોટેથી કહ્યું.

સમીર જુલીની કમનીય કાયાને નહોતો જોતો. તેને  દેખાતી હતી માત્ર બે આંખો. ગભરૂ હરણીની આંખો. એવી જ જેવી શ્રુતિની હતી, ગર્લફ્રેન્ડ સમીરાની હતી, રાત્રે રસ્તા પર એકલી ચાલી જતી રેશ્માની હતી અને શ્રુતિની મમ્મીની હતી. સમીર અચાનક ઠંડોગાર!

“તું પ્રયત્ન તો કર.” જુલી સહાનુભૂતિપૂર્વક બોલી રહી હતી. સમીર મૂઢ જેવો બેસી રહ્યો. એને જોઈ શ્રુતિ તદ્દન અવાક્! જુલી નિ:સહાયપણે સમીરને તાકતી હતી. અફસોસ! એ કશું જ ન કરી શકી. ત્રણેયનાં આક્રંદ અંધારામાં અફળાતા રહ્યાં અને મનમાં એક શબ્દ, “સોરી.”

આ વાર્તામાં શ્રુતિ પતિ સાથે શારીરિક સબંધ નથી બાંધી શકતી તેના કારણમાં તેના પિતાનો માતા સાથેનો વ્યવહાર છે. તેને લાગે છે કે આમાં પતિનો શો વાંક માટે જુલીને બોલાવે છે જે તેના પતિ સમીરને સંતોષ આપી શકે. દરમ્યાન શ્રુતિ તૈયાર થઈ છે પરંતુ હવે સમીર ઠંડોગાર થઈ ગયો છે અને એ બાબતે જુલી પણ કશું જ કરી શકતી નથી.

માઇક્રોફિક્શન – ૩

પ્રોમ્પ્ટ – આ અંત નથી, એક નવી શરૂઆત છે./
સર્જક – હાર્દ પંડ્યા
શીર્ષક – સંબંધ.

રોજની જેમ આજે પણ રિયા પેપર લઈને બેઠી હતી. છેલ્લા કેટલાય દિવસથી પેપરમાં શરૂ થયેલી એક નાનકડી કૉલમ એની આદત બની ગઈ હતી. શરૂઆતમાં તો એ માત્ર વાર્તા સમજી નજર ફેરવી લેતી પરંતુ ધીમે ધીમે એને અહેસાસ થવા લાગ્યો કે એના જીવનમાં બનતી કેટલીક ઘટનાઓનો અણસાર આ વાર્તા હતી.

“કાલે પેપરમાં આવેલી વાર્તા અને બસ અકસ્માતને કઇ સબંધ હશે?”

મનમાં ઉદ્ભવતા પ્રશ્નોએ તેને સુવા નહોતી દીધી.

“આ શું કાલે પાના નંબર બે પર આવેલી કૉલમ આજે ત્રણ પર?”

વાર્તાના પાત્રની નોકરી આજે કાયમી થઈ હતી. વર્ષોથી કૉન્ટ્રાકટ પર કામ કરતી રિયા માટે આ એક સ્વપ્ન હતું.

મનમાં સહેજ સંકોચ સાથે એ ઑફીસ પહોંચી. વિચારવા માંગતી ન હોવા છતાંય વાર્તા એના મગજમાં ફરતી રહી. રિયા ઑફીસથી નીકળવાની તૈયારી કરતી હતી.

“મેડમ, સાહેબ બોલાવે છે.”

“લે તારા જીવનની સૌથી મોટી સરપ્રાઈઝ.” એમ કહીને બૉસે કાયમી નોકરીનો લેટર હાથમાં મુક્યો.

આશ્ચર્ય અને ખુશીથી તરબોળ એની આંખો વરસવા લાગી. રોજ પાના નંબર ફરતા રહ્યા અને ઘટનાઓ બનતી રહી.

આજે પણ રિયાએ છાપું ખોલ્યું વાર્તાના નાયકે કોઈનું ખૂન કરી નાખ્યું હતું.

“ખૂન થશે,પણ કોનું ? ” કલાકો સુધી વિચાર્યા પછી એને પેપરના તંત્રીને કૉલમ વિશે જાણવા ફોન કર્યો. અને સામેથી જવાબ મળ્યો, “આવી કોઈ કૉલમ અમારા પેપરમાં આવતી નથી.”

એની સાથે આ શું બની રહ્યું હતું  એ સમજાતું નહોતું.

અચાનક એના મનમાં વાર્તાના પાના નંબર ફરતા થયા. અલગ અલગ પાન નંબરને ક્રમમાં ગોઠવતા એક નંબર બન્યો. એણે ધ્રુજતા હાથે ફોન લગાવ્યો.

સામેથી અવાજ આવ્યો “તને શું લાગે છે વાર્તા પતી ગઈ? આ અંત નથી, એક નવી શરૂઆત છે.”

ઉદાહરણ – ૩ અંતે સ્પષ્ટતા તરફ

અને રિયાનો હાથ મોટો છરો લેવા સળવળ્યો. તે આતુરતાપૂર્વક બીજા દિવસના પેપરની રાહ જોઈ રહી હતી.

આ વાર્તામાં અંતે એકાદ બે યોગ્ય વાક્ય ઉમેરવાથી વાર્તા વધુ સ્પષ્ટ થાય અને વિકલ્પો ખૂલે…

માઇક્રોફિક્શન – ૪

સર્જક – ડૉ.મિલિન્દ પારેખ
શીર્ષક – સલાહ

ચાર વર્ષના શિવમે પ્રસાદ માટેની લાઈનમાં ઉભા-ઉભા એના પપ્પાને પૂછ્યું, “પપ્પા ભગવાન પાસે શું માંગવાનું?”

લાઈનમાં એમની આગળ ચાલતાં કાકા એ સલાહ આપી, “બેટાં, ભગવાન પાસે કંઈ લેવા કે માંગવા થોડી અવાય. ફક્ત ચોખ્ખાં હૃદયથી દર્શન કરવા આવવાનું હોઈ.” કહીને પ્રસાદ વહેંચતા ભાઈને કહ્યું, “બે ચમચી શિરો જરા વધારે મૂકોને, સુગંધ સારી આવી છે આજે..”

મારા મતે આ માઇક્રોફિક્શન વાર્તા પૂરી થઈ ગઈ.

ઉદાહરણ : ૪ (અંતે વિકલ્પો માટે)

ચાર વર્ષના શિવમે પ્રસાદ માટેની લાઈનમાં ઉભા-ઉભા એના પપ્પાને પૂછ્યું, “પપ્પા ભગવાન પાસે શું માંગવાનું?”

લાઈનમાં એમની આગળ ચાલતાં કાકા એ સલાહ આપી, “બેટાં, ભગવાન પાસે કંઈ લેવા કે માંગવા થોડી અવાય. ફક્ત ચોખ્ખાં હૃદયથી દર્શન કરવા આવવાનું હોઈ.” કહીને પ્રસાદ વહેંચતા ભાઈને કહ્યું, “બે ચમચી શિરો જરા વધારે મૂકોને, સુગંધ સારી આવી છે આજે..”

શિવમ વિચારતો રહ્યો; પોતાનો લંબાયેલો હાથ પાછો ખેંચવો કે નહીં.

– સુષમા શેઠ.

Leave a comment

Your email address will not be published.