ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

માઇક્રોફિક્શન: સાંજ – શીતલ ગઢવી; વિવેચન – પ્રિયંકા જોષી

આ શ્રેણી સર્જન મિત્રોની માઇક્રોફિક્શનને ખોલી સર્જનના જ અન્ય મિત્રો દ્વારા એનો આસ્વાદ અથવા વિવેચન કરાવવાની અમે કરેલી મથામણનું પરિણામ છે. માઇક્રોફિક્શનમાં ઘણું એવું હોય છે જે વાચકે પોતે વિચારવાનું કે વિસ્તારવાનું રહે છે, એનો પ્રાયોગિક પ્રયત્ન સર્જક જ વાચક બની કરી બતાવે એ હેતુથી આ ટાસ્ક કરેલો અને એના પરિણામે ઘણાં સુંદર વિવેચન અથવા રસાસ્વાદ મળ્યા એ સર્વે વાચકમિત્રો સાથે વહેંચી રહ્યાં છીએ. એ અંતર્ગત પ્રસ્તુત છે શીતલ ગઢવીની માઇક્રોફિક્શન ‘સાંજ’ નો પ્રિયંકા જોષીની કલમે આસ્વાદ.

સાંજ

એ સાંજેય રાબેતા મુજબ બગીચાની ફરતે મેં ચાર ચક્કર લગાવ્યા. મારાં આશ્ચર્ય વચ્ચે બાંકડા ઉપર બેઠેલા એ વૃદ્ધ જગ્યા પરથી તસ્સુભાર હલ્યા નહોતા. મને કૈક અઘટિત બન્યાનો અણસાર આવતા હું ત્યાં પહોંચી.

“સ..સ..” બોલીને વૃદ્ધે મને એમની પડખે બેસવા ઈશારો કર્યો.

એક અર્ધમૂર્છિત જીવડાને પોતાની સાથે લઈ જવા બે લાલચટ્ટક મંકોડા અને ચાર-પાંચ કાળી કીડીઓ પ્રયાસ કરી રહી હતી. ત્યાં જ એક અવાજ સંભળાયો.

“રામ બોલો ભાઈ રામ” એક સ્મશાનયાત્રા બગીચા બહારથી પસાર થતી જણાઈ. અમારાં બંનેયનું ધ્યાન એ તરફ ગયું.

– શીતલ ગઢવી


જીવન અને મૃત્યુ.

જીવિત અને મૃત- બન્ને અવસ્થા વચ્ચેનો ભેદ એટલે શ્વાસ, ધબકાર અને ગતિ.

કથક રાબેતા મુજબ બગીચાના ચક્કર લગાવે છે જે તેનો જીવન ક્રમ દર્શાવે છે. જીવનની ગતિ ભલે ઘાણીના બળદની પેઠે ચાલતી હોય છતાં મનુષ્યને ગતિમાન અને જીવંત હોવાનું આશ્વાસન પૂરૂં પાડે છે.

કથક જ્યારે જડવત્ બેસી રહેલા વૃદ્ધને જુએ છે ત્યારે મનમાં તેમના મૃત્યુની આશંકા જન્મે છે. એ વૃદ્ધ કથકને પોતાની પાસે બેસવા સૂચવે છે. કદાચ, એમના માટે આ અર્થહીન ગતિશીલતા અને મૃતવત્ સ્થિરતા વચ્ચે ઝાઝો ભેદ નથી.

અર્ધમૂર્છિત જીવડું જીવનથી હારેલા અને હતાશ બની ચૂકેલા વ્યક્તિને ઈંગિત કરે છે. જયારે લાલચટ્ટક મકોડા સામાજિક આગેવાનો કે વડીલો અને કાળી કીડીઓ સામાન્ય પ્રજા અથવા અનુસરનારનું પ્રતિક છે. જ્યારે વ્યક્તિ મૃત્યુની નજીક હોય ત્યારે ગમખ્વાર વાસ્તવિકતાનો સામનો કરવો પડતો હોય છે. સૌ કોઈ પોતાના સ્વાર્થની ઉજાણી એ શોકની કામળી હેઠળ કરી લેતા હોય છે. મૃતકની નનામી સાથે તેની અર્ધમૂર્છિત સંવેદનાઓ પર ચિતાએ ચઢી જતી હોય છે.

“રામ બોલો ભાઈ રામ” ની ટહેલ સાથે કથક અને વૃદ્ધ એટલે કે અર્થહીન ગતિશીલતા અને મૃતવત્ સ્થિરતા બન્નેનું ભયસહ ધ્યાન ખેંચાય છે.

જીવનના આ ચક્રને નિરૂપતી આ વાર્તાના અંતે વાચક પોતાના જીવનને ઉક્ત માપદંડોથી મૂલવ્યા વિના ન રહી શકે. પોતાના જીવન અહેતુક પ્રવાસ ન બની જાય એ માટે વિચારવા પ્રેરતી એક સફળ માઈક્રોફિક્શન વાર્તા…

Leave a comment

Your email address will not be published.