ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

માઇક્રોફિક્શન: સાબિતી – હીરલ વ્યાસ; વિવેચન – રાજુ ઉત્સવ

આ શ્રેણી સર્જન મિત્રોની માઇક્રોફિક્શનને ખોલી સર્જનના જ અન્ય મિત્રો દ્વારા એનો આસ્વાદ અથવા વિવેચન કરાવવાની અમે કરેલી મથામણનું પરિણામ છે. માઇક્રોફિક્શનમાં ઘણું એવું હોય છે જે વાચકે પોતે વિચારવાનું કે વિસ્તારવાનું રહે છે, એનો પ્રાયોગિક પ્રયત્ન સર્જક જ વાચક બની કરી બતાવે એ હેતુથી આ ટાસ્ક કરેલો અને એના પરિણામે ઘણાં સુંદર વિવેચન અથવા રસાસ્વાદ મળ્યા એ સર્વે વાચકમિત્રો સાથે વહેંચી રહ્યાં છીએ. એ અંતર્ગત પ્રસ્તુત છે હીરલ વ્યાસ ‘વાસંતીફૂલ’ની માઇક્રોફિક્શન ‘સાબિતી’ નો રાજુ ઉત્સવની કલમે આસ્વાદ.

સાબિતી- હીરલ વ્યાસ ‘વાસંતીફૂલ’

ત્રણ વર્ષના ટુંકા ગાળામાં જ નણંદે એક દિવસ અચાનક આવીને કહ્યું હતું, “અમે છુટાછેડા લેવા માંગીએ છીએ.” ત્યારે ઘરના સૌને ધક્કો લાગ્યો હતો.

શિખાની નણંદના પ્રેમ લગ્ન નક્કી થયા હતાં. નણંદ-નણદોઇના લગ્ન અને ફોટોશુટ પણ ખાસ્સા ખર્ચાળ રહ્યા હતાં. જુદા-જુદા સ્થળ અને મનમોહક પહેરવેશ સાથે અડોઅડ ઉભેલાં યુગલને જોઈ થોડી ઇર્ષા પણ થઈ હતી. નણંદને વારે વારે મળતી મોંઘી ભેટ જોઈ થતું કે પ્રેમ આવી રીતે પણ વ્યક્ત થતો હશે? એને તો ક્યારેય અભિષેકે આવી ભેટ નહોતી આપી. પોતે સમજદાર હતી પણ પ્રેમની અભિવ્યક્તિનો અભાવ સતત ડંખતો હતો.

“ફાઈવ ડેઝ ટુ ગો, ફોર ડેઝ ટુ ગો…” નણંદના સોશિયલ મિડિયા પરના નોટિફિકેશન શિખાના મન અને હ્રદયમાં નણંદ-નણદોઈના પ્રેમના પડઘા પાડતા હતાં.

“પ્રેમ એ તો સાબિતી વગરના પ્રમેય જેવો છે. એને સાબિત કરવા રહીએ તો સાથે જીવવાની ક્ષણો છૂટી જાય.”, શિખાને એ દિવસ યાદ આવ્યો જ્યારે એના મનને પામીને અભિષેકે હાથ પસવારતા કહેલું.


માનવ સહજ ઈર્ષાભાવ સરખામણી કરવાની વૃતિની અહીં વાત છે. સબળ કલમની રજુઆત છે એટલે સુંદર આલેખન થયું છે.સિતેર અને એંસીના દાયકામાં જન્મેલા હોય અને દશ બાર વર્ષ પહેલા જેના લગ્ન થયા છે એ યુગલો કાંઈક આવું જ અનુભવે છે.પ્રી વેડીંગ ફોટો શુટ ,સોશિયલ મીડીયા પર સતત એનાઉન્સમેન્ટ,વ્હોટસએપ સ્ટેટસ પર લગ્નને લગતા ફોટો વગેરે આજની પેઢી કરે છે.ઘણી વખત તો ફાઇવ ડેઝ ટુ ગો , ફોર ડેઝ ટુ ગો વગેરેના ઢોલ એવા વાગે છે કે જાણે બાદશાહ સલામતના લગ્ન હોય અને ચાર દિવસ પછી આખું હિંદુસ્તાન થંભી જવાનુ હોય, પણ બધાની પોતપોતાની મજાઓ છે.બસ આ જ મનોભાવ બખુબી અહીં ઝિલાયો છે.આ જ કારણોસર કોઈ દિવસ જેનો વિચાર સુધ્ધાં નથી આવ્યો એ બાજુ મન ભાગે છે.મોંઘી ગીફ્ટ ને એવું બધું વિચારોમાં આવે છે અને અનાયાસે સરખામણી પણ થઇ જાય છે, થોડીક ઈર્ષા પણ જન્મે છે.ઓછા શબ્દોમાં પણ લેખિકા એ દર્શાવી શક્યા છે.વાચક એ મનોભાવ સુધી પહોંચી શકે છે .લેખિકા એ રીતે સફળ થયા છે.

વાર્તા આગળ વધતાં એક મજાનો સંવાદ મળે છે.પ્રેમમાં સાબિતી જરુરી નથી.જો કે અભિવ્યક્તિનો અભાવ ઘણીવાર દરેકના મનમાં સવાલ જન્માવી શકે.આ મુંઝવણ હમેંશા થયા કરતી હોય છે કે કોઈ પણ સંબંધોમાં અભિવ્યક્તિ હોવી જોઈએ કે કેમ ? અભિવ્યક્તિ સંબંધોને બળ તો આપે જ છે પરંતુ અંતે તો સમજદારી અને પરિપક્વતા જ સંબંધોનું જતન કરે છે.આ જ નાજુક તાંતણે આખી વાર્તા વીંટળાયેલી છે.

અંતે એ સાબિત કરવામાં આવ્યું છે કે અભિવ્યક્તિ વગર પણ સાચો સંબંધ ટકી જાય છે , લાંબો જીવે છે.એનાથી વિરુદ્ધ ખૂબ ગાજતો હોય એ ખાલી ચણો વાગે ઘણો સાબિત થાય છે.જો કે આ બંને સ્થિતિમાં અપવાદો હોય જ કારણ કે દરેક સંબંધ સમજદારી પર જ ચાલે.

વાર્તા ખૂબ સરસ બની છે. માઈક્રોફિક્શન માટે જરુરી વિકલ્પો અહીં છે? હા બિલકુલ એ શર્ત પણ પુરી થાય છે જ. શિખાની નણંદના પછી છુટાછેડા થયા કે કેમ? છુટાછેડાની પરિસ્થિતિ કેમ આવી? એવું તે શું બન્યું?શિખાને પછી આ જોઈ કશું સમજાયું? શિખાને પછી અભિષેક માટે પ્રેમ કે માન વધી ગયા અથવા એ લોકોએ પછીથી નણંદ નણંદોઈને સમજાવવામાં કાંઈ પગલાં લીધા? વગેરે વગેરે વગેરે.

આખીય વાર્તા અગાઉના વિવેચકે લખ્યું એમ ગમેબલ બની છે.

Leave a Reply to અર્ચિતા દીપક પંડ્યા Cancel reply

Your email address will not be published.

2 thoughts on “માઇક્રોફિક્શન: સાબિતી – હીરલ વ્યાસ; વિવેચન – રાજુ ઉત્સવ”