ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

માઇક્રોફિક્શન: એક મૂર્તિની આત્મકથા – રાજુલ ભાનુશાલી; વિવેચન – પ્રિયંકા જોષી

આ શ્રેણી સર્જન મિત્રોની માઇક્રોફિક્શનને ખોલી સર્જનના જ અન્ય મિત્રો દ્વારા એનો આસ્વાદ અથવા વિવેચન કરાવવાની અમે કરેલી મથામણનું પરિણામ છે. માઇક્રોફિક્શનમાં ઘણું એવું હોય છે જે વાચકે પોતે વિચારવાનું કે વિસ્તારવાનું રહે છે, એનો પ્રાયોગિક પ્રયત્ન સર્જક જ વાચક બની કરી બતાવે એ હેતુથી આ ટાસ્ક કરેલો અને એના પરિણામે ઘણાં સુંદર વિવેચન અથવા રસાસ્વાદ મળ્યા એ સર્વે વાચકમિત્રો સાથે વહેંચી રહ્યાં છીએ. એ અંતર્ગત પ્રસ્તુત છે રાજુલ ભાનુશાલીની માઇક્રોફિક્શન ‘એક મૂર્તિની આત્મકથા’ નો પ્રિયંકા જોષીની કલમે આસ્વાદ.

એક મૂર્તિની આત્મકથા – રાજુલ ભાનુશાલી

એક એક ઘા એને છિન્નભિન્ન કરી રહ્યો હતો. ધીરજ ખૂટી રહી હતી. હજુ તો માત્ર આકાર મળ્યો છે, ઘડાવાનું તો બાકી છે!

એણે છીણી અને હથોડીવાળા હાથ તરફ જોયું.

‘બસ હવે..’ એક ચિત્કાર ઉઠ્યો. એ ચિત્કાર હજુ ચીસનું સ્વરૂપ લે એ પહેલા બે ચાર ટીપા શ્રદ્ધા ટપકીને રેલાઈ ગઈ.

‘બસ હવે.. થોડીક જ ક્ષણો.. ને પછી તું ઈશ્વર બની જઈશ..’

અને એણે કચકચાવીને હોઠ ભીડી લીધા!


હૃદયને આરપાર વીંધી નાખે તેવી ચીસ અહીં વાર્તા રૂપે આલેખાઈ છે એવું કહું તો એમાં જરાય અતિશયોક્તિ નથી. ગણતરીના શબ્દોમાં રજુ થયેલો મનુષ્યના જીવનનો આ કરુણ સાર લેખકનું શબ્દસામર્થ્ય દર્શાવે છે.

વાર્તામાં મૂર્તિ અને મૂર્તિકારનું રૂપક પ્રયોજીને સર્જક અને તેનાં સર્જનનો સંવાદ મુકાયો છે. એક એક શબ્દ, એક એક વાક્ય પાછળનો ગહન અર્થ મનને જીવનના આકરા સત્યોનું ભાન કરાવે છે.

ઉત્તમ સર્જનની વાહવાહી હંમેશા સર્જકને ફાળે જાય છે પણ તેની વ્યથા.. ! બસ, આનો જવાબ આ વાર્તામાંથી મળશે.

મનુષ્ય જન્મે છે એક અણઘડ શરીર અને માનસ સાથે. તેના તદ્દન પ્રાકૃતિક સ્વરૂપ પર ક્યાંય કોઈ સ્પર્શ કે ઓછયાં નથી હોતા. એક માટીનો પિંડ જ જોઈ લો ! અને એ પછી શરુ થાય છે તેને ઘડવાની કવાયત.

બાળકને તેનાં માતાપિતા દ્વારા આપવામાં આવતી “કેળવણી” પણ ક્યારેક ઘડતર અને ઘડામણીનો ભેદ ભૂંસી નાંખે છે. એ પછી સમય, સમાજ, સંજોગોના ઘણ સતત તેની સંવેદનાઓ ને છિન્ન- ભિન્ન કરતા રહે છે.

ક્યારેક પીડાથી એ ચિત્કારી ઉઠે છે કે, “બસ, હવે..”

પણ, આપણા સમાજમાં આજે પણ સકારાત્મક વિરોધથી વધુ સહનશીલતા અને ત્યાગનો મહિમા છે.

મૂર્તિકાર મૂર્તિને કહે છે – “બસ,હવે થોડીક જ ક્ષણો..” અને આવનારા સુખનું મૃગજળ શ્રદ્ધા બની રેલાય છે. પીડાથી મોક્ષ મેળવવાની પ્રતિક્ષામાં એ સહયે જાય છે.

વ્યથા જયારે તમામ હદ પાર કરી દે ત્યારે એ ચરમસીમાએ વેદના વાંસળી બની જાય છે.

મૂર્તિકાર મૂર્તિને કહે છે કે – “…ને પછી તું ઈશ્વર બની જઈશ…”

આ ઈશ્વર બનવાની પ્રક્રિયામાં મનુષ્યને પોતાના રોમેરોમ અને અણુએ અણુ પર ઘા ઝીલીને તમામ પ્રાકૃતિક સંવેદનાઓને કંડારવી પડે!? વાર્તાના અંતે આ પ્રશ્નના વમળો મનમાં ક્યાંય સુધી વિલસ્યા કરે છે.

એક સંખેડાઉતાર માઈક્રોફિક્શન.

Leave a comment

Your email address will not be published.

10 thoughts on “માઇક્રોફિક્શન: એક મૂર્તિની આત્મકથા – રાજુલ ભાનુશાલી; વિવેચન – પ્રિયંકા જોષી”