ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

માઇક્રોફિક્શન: રક્ષા – નિષ્ઠા વછરાજાની; રસાસ્વાદ – પ્રિયંકા સોની

આ શ્રેણી સર્જન મિત્રોની માઇક્રોફિક્શનને ખોલી સર્જનના જ અન્ય મિત્રો દ્વારા એનો આસ્વાદ અથવા વિવેચન કરાવવાની અમે કરેલી મથામણનું પરિણામ છે. માઇક્રોફિક્શનમાં ઘણું એવું હોય છે જે વાચકે પોતે વિચારવાનું કે વિસ્તારવાનું રહે છે, એનો પ્રાયોગિક પ્રયત્ન સર્જક જ વાચક બની કરી બતાવે એ હેતુથી આ ટાસ્ક કરેલો અને એના પરિણામે ઘણાં સુંદર વિવેચન અથવા રસાસ્વાદ મળ્યા એ સર્વે વાચકમિત્રો સાથે વહેંચી રહ્યાં છીએ. એ અંતર્ગત પ્રસ્તુત છે નિષ્ઠા વછરાજાનીની માઇક્રોફિક્શન ‘રક્ષા’ નો પ્રિયંકા સોનીની કલમે આસ્વાદ.

શીલા બે દિવસથી ભૂખી તરસી તાવમાં તડપી રહી હતી. અશક્તિને લીધે ભીખ માંગવા પણ જ‌ઈ શકી ન હતી. એ એની દસ-બાર વરસની દિકરી રેખા ફૂટપાથના ખૂણામાં પડી હતી.

આ જ ફૂટપાથની નજીકના બાંકડે રઘુ એના રખડેલ ભાઈબંધો સાથે દારૂની મહેફિલ ‌માણતો બેઠો હતો. અચાનક એની લોલુપ નજર રેખા પર આવીને અટકી.

એ ઉભો થયો ને પોતાના ખિસ્સામાંથી ૫ચાસ રૂપિયાની નોટ કાઢીને એણે શીલા તરફ ફેંકી એ જોઈને રેખાની આંખો ચમકી. એ લેવા તેણે હાથ લંબાવ્યો તેવી જ શીલા સફાળી બેઠી થઈ અને ઓશિકા નીચે દબાવેલ ખંજર તેણે રેખાના હાથમાં થમાવી દીધું. બે દિવસની ભૂખી રેખા એક તરફ ખંજર અને બીજી તરફ પચાસની નોટને તાકતી રહી.


વર્તમાન પરિસ્થિતિને તાર્દશ કરતી આ વાર્તામાં લેખિકાએ માણસજાતમાં રહેલી શારીરિક ભૂખ અને પેટની ભૂખનું આલેખન કર્યું છે.

વાર્તાનાં પહેલાં ફકરામાં જ શીલાને ભૂખ-તરસ અને તાવમાં તડપતી બતાવીને તે ભીખ માંગવા ઊભી નથી થઈ શકતી – એ બરાબર છે. પણ રેખાને પંદર-સત્તર વર્ષની આલેખી હોત તો પાત્રને ખરાં અર્થમાં ન્યાય આપી શકાયો હોત, જેથી કરીને…

બીજાં ફકરાંમાં રખડેલ રઘુ અને તેના ભાઈબંધો દારૂની મહેફિલ ‌માણતા જે લોલુપ નજરે રેખાને જોતા હોય છે તે વખતે શીલા રેખાનાં હાથમાં ખંજર સોંપે છે, પણ બે દિવસની ભૂખી રેખા એક તરફ ખંજર બીજી તરફ પચાસની નોટને તાકતી બતાવીને વાચકો માટે અંત ખુલ્લો મુકાયો છે, એ દ્રષ્ટિએ બરાબર છે પણ ઉપર કહ્યુ તેમ રેખાને દસ-બાર વર્ષની આલેખી હોવાથી એ તો પેટની ભૂખને જ પ્રાથમિક્તા આપશે. એને ખંજરનો ઉપયોગ પોતાના સ્વબચાવ માટે છે એની સમજણ આટલી નાની ઉંમરે આવે..? એ એક પ્રશ્ન છે.

એ વાત સાચી છે કે દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેલી દિકરીની મા પોતે ગમે તેવી પરિસ્થિતમાં હોય તો પણ હવસખોર સામે પોતે રણચંડી બની દીકરીને પણ એ બાબતે તૈયાર કરે છે, સ્ત્રીઓએ સ્વબચાવ માટે ખંજર જેવા છૂપા શસ્ત્રને સાથે રાખવાનો સમય આવી ગયો છે એ પણ છત્તુ થાય છે. ગરીબી અને ભૂખમરો વેઠતી સ્ત્રીઓ સાથે પણ આવી છેડતીની ઘટનાઓ બનતી હોય છે, જે તેમનાં પૂરતી જ સીમિત રહી જાય છે. એ એક કડવી બાબત છે આ માઈક્રોફિક્શનમાં ગરીબોના ભાગે કેટ-કેટલું સહન કરવાનું આવે છે એ પણ ઉજાગર થાય છે.

માઈક્રોફિક્શનમાં પાત્રો બને એટલાં ઓછા હોવા જોઈએ, એ બાબતે પણ આ માઇક્રોફિક્શન બરાબર છે.

Leave a comment

Your email address will not be published.

3 thoughts on “માઇક્રોફિક્શન: રક્ષા – નિષ્ઠા વછરાજાની; રસાસ્વાદ – પ્રિયંકા સોની”