ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

માઇક્રોફિક્શન: નિર્લેપ – ધર્મેશ ગાંધી; રસાસ્વાદ – શીતલ ગઢવી

આ શ્રેણી સર્જન મિત્રોની માઇક્રોફિક્શનને ખોલી સર્જનના જ અન્ય મિત્રો દ્વારા એનો આસ્વાદ અથવા વિવેચન કરાવવાની અમે કરેલી મથામણનું પરિણામ છે. માઇક્રોફિક્શનમાં ઘણું એવું હોય છે જે વાચકે પોતે વિચારવાનું કે વિસ્તારવાનું રહે છે, એનો પ્રાયોગિક પ્રયત્ન સર્જક જ વાચક બની કરી બતાવે એ હેતુથી આ ટાસ્ક કરેલો અને એના પરિણામે ઘણાં સુંદર વિવેચન અથવા રસાસ્વાદ મળ્યા એ સર્વે વાચકમિત્રો સાથે વહેંચી રહ્યાં છીએ. એ અંતર્ગત પ્રસ્તુત છે ધર્મેશ ગાંધીની માઇક્રોફિક્શન ‘નિર્લેપ’ નો શીતલ ગઢવીની કલમે આસ્વાદ.

પુસ્તક – માઇક્રોસર્જન : ૨

આખરીવાર મેં એના કપાળે હાથ ફેરવ્યો.

“રહી શકીશ મારા વગર, જાનુ..?” જાણે કે એની નિર્જીવ પાંપણો મને વલોવી રહી હતી, “થવાનું હતું એ જ થયું છે ને..?”

એના પાનેતરનો લાલચટ્ટક રંગ.. ચિતા પર ગોઠવાયેલો પાર્થિવ દેહ.. અને એ દેહ પર સીંચેલા સૂકાં લાકડાં.. બધું જ મેં એકીટશે જોયા કર્યું. સપાટ ચહેરે!

તાજી ગુલાબની કળી જેવા મુલાયમ હોઠ.. મેં આખરી વાર ચુમ્યા, ને એના બેજાન શરીરમાં સળવળાટ થયો. અગ્નિ પેટાવવા ઊઠેલો મારો હાથ થંભ્યો.

મેં ઝડપભેર એની છાતી પરનું લાકડું ઊંચક્યું..
ને ફરીથી માથે ઘા કર્યો.. હા જાનુ, આ થવાનું જ હતું, ને થયું!”

મેં એના હોઠ ચુમ્યા, આખરી વાર!


ધર્મેશ ગાંધીની કલમ કમાલ જ કરે. ગ્રૂપમાં માઇક્રો મૂકે અને ટપોટપ ટિપ્પણીઓ ચાલુ. એમની દરેક માઇક્રો કાબિલેદાદ હોય. સાઇકો સ્ટાઇલમાં એમની હથોટી! ઉપરની માઇક્રો પણ એવી જ છે.

“રહી શકીશ મારા વગર, જાનુ..? જાણે કે એની નિર્જીવ પાંપણો મને વલોવી રહી હતી.
ઘણીવાર આપણું પ્રિયજન આપણને છોડીને જાય ત્યારે આ પ્રકારની લાગણીઓ અનુભવતા હોઈએ છીએ. અહીં તો લેખકે પોતાની પ્રેયસી/પત્ની ગુમાવી છે. તો આ પ્રકારનો સંવાદ થાય એ સહજ છે.

પરંતુ તે સંવાદ પછીનો તરત સંવાદ “થવાનું હતું એ જ થયું છે ને..?”
એટલે કે તેઓ બંનેય અગાઉથી જાણતા હતા કે તેણી મૃત્યુ પામવાની છે! આ સંવાદ થવાનો હતો એ નક્કી હતું?

એનાથી આગળ વધીએ તો જાણવા મળે કે સ્ત્રી સૌભાગ્યવતી છે. કારણકે તેણીને લાલચટ્ટક પાનેતર ઓઢાડ્યું છે. પણ હજી મારાં મનમાં અસમંજસ છે કે તેણી લેખકની પત્ની છે કે પ્રેયસી? જો પત્ની હોય તો તેના અન્ય સાથેના સંબંધની જાણ થતાં લેખક આ પગલું લેવા પ્રેરાયા હોય. અને જો નાયિકા હોય તો પોતાની સાથે પ્રેમ કરીને લગ્ન કરવાનું વચન આપીને અન્ય સાથે સપ્તપદીથી જોડાઈ હોય. અને એની જાણ થતાં લેખકે આ દુષ્કૃત્ય આચર્યું હોય!

મરનાર સ્ત્રી દેખાવડી હશે. તો જ લેખક એના હોઠને આખરીવાર ચૂમવા પ્રેરાયા.

પણ આ શું? ચુમતા જ નાયિકાના શરીરમાં સળવળાટ થયો. મતલબ અત્યાર સુધી એ બેભાન હતી. છતાંય એની ઉપર અંતિમ વિધિના લાકડાં ગોઠવાઈ ગયા હતા. તો શું ત્યાં બીજું કોઈ હાજર નહોતું?

પરંતુ આંચકો ત્યારે લાગે કે જ્યારે ખબર પડે કે લેખકે પોતે જ પોતાની પ્રેયસી/પત્નીને મારી નાંખવાનો પ્રયત્ન કર્યો છે. અને એ પ્રયત્ન અધૂરો લાગતા તેઓ તેણીની છાતી પરનું લાકડું ઉઠાવીને ઝડપથી એના માથે મારી કામ પૂરું કરે છે. અને પાછા હોઠ પણ ચૂમે છે. આ ખરેખર અખરીવારનું ચુંબન હતું. કેટલી ક્રૂરતા!

વાર્તા વાંચવાની આતુરતા દરેક લીટીએ લીટીએ વધતી જાય. અંત શું હશે એ જાણવાની ઉત્સુકતા વધતી જાય. અને ત્યાં જ અણધાર્યો અંત આવી જાય. અહીંનો અંત પણ એવો જ છે.

આ અંત પછીય લેખક બીજો હપ્તો લખી શકે એવો વણાંક આપીને માઇક્રો પુરી કરી છે.

એક મજબૂત બિભત્સ રસ સાથેની માઇક્રો.

વાર્તાનું શીર્ષક ‘નિર્લેપ’. નિર્લેપ એટલે કોઈ આશક્તિ વિનાનું. અને બીજી તરફ વાર્તાનો નાયક, નાયિકાના બેજાન શરીર સાથે વાતો કરે છે. અને ત્યાં સુધી કે એનાં અંતિમવાર હોઠ પણ ચૂમે છે! તો ત્યાં નિર્લેપતા ક્યાં છે? એવો સવાલ મારાં મનમાં ઉઠ્યો.

એ સવાલનો જવાબ પણ હું મહદઅંશે પ્રાપ્ત કરી શકી છું. મેં નોંધ્યું છે કે આજકાલ વાર્તાના હાર્દની વિરુદ્ધનું શીર્ષક લેખક લખતા થયા છે. કદાચ આ લેખકે પણ એમ જ કર્યું હોય!

“એક સારો લેખક, સારો વિવેચક ન પણ હોય! એનાથી વિરુદ્ધ વિધાન પણ એટલું જ સાચું છે. સારો વિવેચક, લેખક ન પણ હોય!

Leave a comment

Your email address will not be published.

2 thoughts on “માઇક્રોફિક્શન: નિર્લેપ – ધર્મેશ ગાંધી; રસાસ્વાદ – શીતલ ગઢવી”