ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

માઇક્રોફિક્શન: અપેક્ષા – જિજ્ઞેશ અધ્યારૂ; રસાસ્વાદ – ભૂમિ પંડ્યા

આ શ્રેણી સર્જન મિત્રોની માઇક્રોફિક્શનને ખોલી સર્જનના જ અન્ય મિત્રો દ્વારા એનો આસ્વાદ અથવા વિવેચન કરાવવાની અમે કરેલી મથામણનું પરિણામ છે. માઇક્રોફિક્શનમાં ઘણું એવું હોય છે જે વાચકે પોતે વિચારવાનું કે વિસ્તારવાનું રહે છે, એનો પ્રાયોગિક પ્રયત્ન સર્જક જ વાચક બની કરી બતાવે એ હેતુથી આ ટાસ્ક કરેલો અને એના પરિણામે ઘણાં સુંદર વિવેચન અથવા રસાસ્વાદ મળ્યા એ સર્વે વાચકમિત્રો સાથે વહેંચી રહ્યાં છીએ. એ અંતર્ગત પ્રસ્તુત છે જિજ્ઞેશ અધ્યારૂની માઇક્રોફિક્શન ‘અપેક્ષા’ નો ભૂમિ પંડ્યાની કલમે આસ્વાદ.

અપેક્ષા

‘આ સાતમો મહીનો છે.. આજે એવું નથી જ થવા દેવું, પણ શું કરવું?’ એ મનોમન બબડ્યો.

હાઈવેને શહેર સાથે જોડતા સુમસામ રસ્તા પર એણે બાઈક વાળ્યું, ‘હવે એક જ કિલોમીટરમાં એ અંડરબ્રિજ આવવાનો..’ એણે ઘડીયાળમાં જોયું, આઠને અગીયાર થઈ હતી, રોડની સાથે દોડતા સફેદ નાના પથ્થરો ઘટતું અંતર સૂચવતા ચાલ્યા, છસ્સો, ચારસો, બસ્સો અને..

‘ચારસો, છસ્સો? આઠસો?’ એણે બાઈક એક તરફ ઉભું રાખ્યું, ઘડીયાળમાં જોયું, આઠને સોળ થઈ હતી, ‘પણ હમણાં એક મિનિટ પહેલા તો આઠને અગિયાર હતી..’ એણે પોતાની જાતને કહ્યું.

આજે પણ કોઈકે મારા મનનો કબ્જો લઈ લીધો હશે? રોજ અંડરબ્રિજ પસાર કરતી વખતે જ કેમ ખોવાઈ જાઉં છું? મારો ભ્રમ હશે? કાલે કોઈ નવી ટ્રિક વિચારવી પડશે..’ વિચારતો એ ઘર તરફ ચાલ્યો.

ઘરે જઈ, વસ્ત્રો બદલાવી, ટી.વી ઓન કર્યું, સમાચારની ચેનલ શરૂ કરી, એમાં બોલાયું, ‘છ મહીના પહેલા ચાલીસનો ભોગ લેનાર અંડરબ્રિજનો બીમ ફરી બનીને તૈયાર, કાલથી લોકો માટે ફરી ખુલ્લો મૂકાશે..’

– જિજ્ઞેશ અધ્યારૂ

▪ વાર્તાની શરૂઆતમાં દર્શાવેલો સમયગાળા ભૂતકાળને સ્પષ્ટ કરે છે જેનું અનુસંધાન વાર્તા વાંચવાથી જ મળે.માત્ર એક વાક્ય વાર્તા વાંચવા મજબૂર કરે છે.

▪ હાઇવે અને સૂમસામ રસ્તો દ્વારા વાચકના મનમાં રહસ્ય ઉભુ કરવામાં આવ્યું હોય એવું લાગે છે.

▪ રસ્તો કપાઈ ગયા પછી અને પહેલાનો સમયગાળો દર્શાવતી વખતે વાર્તાનું રહસ્ય ભયાનક વળાંક લે સાથે જ આખી વાર્તા હોરર છે એવો ખ્યાલ પણ ખુલ્લો પડતો હોય એવું લાગે છે.

▪ કોઈએ મનનો કબજો લઈ લીધો વાક્ય દ્વારા રોમેન્ટિક બનતી હોય એવું લાગ્યું પણ નવી ટ્રિક શબ્દનો ઉલ્લેખ વાચકને ફરી પાછા વિચારે ચડાવવા પૂરતા લાગ્યા.

સમાચાર સાંભળીને જે વાત ખબર પડી એ વાંચ્યા પછી કોઈ પણ ને એવો પ્રશ્ન થાય કે શું આટલો સમય નાયકને આ બનાવની ખબર નહિ હોય? પણ લેખકે અહિયાં નાયકને ઘરમાં એકલો છે એવું દર્શાવીને વળી નવો વિચાર તરતો મૂકવાનો પ્રયત્ન કર્યો છે.શું નાયક જીવિત હશે કે કોઈ મૃત આત્મા પોતાની સાથે થયેલી ઘટનાથી અજાણ હશે?તૂટેલા બ્રીજના સમાચાર મળ્યા નહિ હોય પણ ક્યાંય સમારકામ થતું જોયું નહી હોય.અંદરબ્રીજ પસાર કરતો વખતે ખોવાઈ કેમ જાઉં છું?શું ત્યાં બ્રિજ હતો તો નાયકને ના દેખાયો કે હતો તો પણ નાયક આમ પાર કરી શકે?જેવા વિચારોના મંથન કરવા સાથે આખી વાર્તાને મનગમતો અંત આપવાનું કામ વાચક પર રાખ્યું છે.શક્ય એટલા ઓછા શબ્દોમાં જરૂરી સાહિત્ય રસનો ઉપયોગ કરીને સુંદર પ્રયોગ કહી શકાય એવી માઇક્રો વાર્તાનું ઉત્તમ ઉદાહરણ લાગ્યું.

Leave a comment

Your email address will not be published.

One thought on “માઇક્રોફિક્શન: અપેક્ષા – જિજ્ઞેશ અધ્યારૂ; રસાસ્વાદ – ભૂમિ પંડ્યા”