ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

માઇક્રોફિક્શન: જાળું – અંકુર બેંકર; રસાસ્વાદ – મયુરિકા લેઉવા- બેંકર

આ શ્રેણી સર્જન મિત્રોની માઇક્રોફિક્શનને ખોલી સર્જનના જ અન્ય મિત્રો દ્વારા એનો આસ્વાદ અથવા વિવેચન કરાવવાની અમે કરેલી મથામણનું પરિણામ છે. માઇક્રોફિક્શનમાં ઘણું એવું હોય છે જે વાચકે પોતે વિચારવાનું કે વિસ્તારવાનું રહે છે, એનો પ્રાયોગિક પ્રયત્ન સર્જક જ વાચક બની કરી બતાવે એ હેતુથી આ ટાસ્ક કરેલો અને એના પરિણામે ઘણાં સુંદર વિવેચન અથવા રસાસ્વાદ મળ્યા એ સર્વે વાચકમિત્રો સાથે વહેંચી રહ્યાં છીએ. એ અંતર્ગત પ્રસ્તુત છે અંકુર બેંકરની માઇક્રોફિક્શન ‘જાળું’ નો મયુરિકા લેઉવા બેંકરની કલમે આસ્વાદ.

કરોળિયાના જાળામાં ફસાયેલાં જીવડાંને અનન્યા એકીટશે જોઈ રહી. બિચારું ક્યારનુંય મથતું હતું, કેમેય કરીને નીકળી શકતું નહોતું. એમાંય વળી કરોળિયાને નજીક આવતો જોઈને તેના મનમાં ઉચાટ વધતો ચાલ્યો.

“ખૂં…ખૂં…ખૂં…”

ટૂંકા ગાળાના લગ્નજીવનમાં ખરાબ આદતોને કારણે એઈડ્સની બિમારીનો ભોગ બનેલ અને છેલ્લા આઠ મહિનાથી પથારીવશ પતિની ખાંસીએ તેની તંદ્રા તોડી. તેણે તે બાજુ જોયું, નીચે પડેલા ઓશીકાને જોઈ અકળાઈ ઉઠી. એણે સોળમી વખત ઓશીકાને પાછું મૂકતા ગુસ્સામાં પૂછ્યું,“શું છે?”

આંગળી ટીવી તરફ લંબાઈ. તેણે ટીવી ચાલુ કર્યું અને ઝાડું ઉઠાવ્યું.

“મિ. શાહ, હું વિધવા થઈ પછી તેને ચાહતી થઈ તેવું નથી. વર્ષોથી ચાહું છું.” ટીવી પરના સંવાદો તેના કાને અથડાયા ને “વિધવા” શબ્દ કાનમાં પડઘાયા કર્યો. એણે ઝાડું ઉગામ્યું અને તેના ઝનૂની ફટકાથી કરોળિયાના રામ રમી ગયા. એ સાથે જ ફરીથી ઓશીકું નીચે પડ્યું. એ જ જુસ્સાથી તે પથારી તરફ ધસી. નીચે પડેલું ઓશીકું હાથમાં લીધું ને…..

તેની નજર ફરી કરોળિયાના જાળા પર ગઈ, પેલું જીવડું હજીય જાળામાં ફસાયેલું હતું.


કરોળિયાના જાળાને રૂપક તરીકે લઈને લખાયેલી આ વાર્તાનું શીર્ષક જાળું ખૂબ સૂચક અને સુયોગ્ય છે.

માઇક્રોફિક્શન વાર્તામાં ઘણાં બધાં પાત્રો ન હોય એ દૃષ્ટિએ આ વાર્તા નાયિકા અનન્યા અને એનો બિમાર પતિ -એમ બે પાત્રો વચ્ચે ગૂંથાયેલી છે.

વાર્તામાં બિનજરૂરી પ્રસ્તાવના કે વર્ણન નથી. પ્રથમ વાક્ય છે. -અનન્યા એકીટશે જીવડા સામે જોઈ રહી.- શરૂઆત જ એક્શનથી થાય છે. પ્રથમ વાક્યથી વાચક વાર્તા સાથે જોડાઈ જાય છે. કરોળિયા અને જાળાને જોઈને અનન્યાના મનમાં ઉદ્ભવતો ઉચાટ એના મનમાં ચાલતી પરિસ્થિતિ સાથે વાચકને સાંકળે છે. બીજા ફકરામાં ખૂબ ઓછા શબ્દોમાં અનન્યાના દુ:ખી લગ્નજીવન અને તેના પતિ સાથેના અસંતુષ્ટ સંબંધનો ચિતાર આપવામાં લેખક સફળ રહ્યા છે. તે સોળમી વખત ઓશીકું પલંગ પર પાછું મૂકે છે જે દર્શાવે છે કે એ એેના પતિની સેવાશુશ્રૂષા માટે એના પલંગની પાસે ખડેપગે હાજર રહે છે. વાર્તામાં આવતો પ્રથમ સંવાદ અનન્યા ગુસ્સામાં બોલે છે. જે દર્શાવે છે કે લાંબા સમયથી ચાલતી આ પરિસ્થિતિથી, કદાચ એના પતિથી પણ એ કંટાળેલી અને ત્રસ્ત છે. એ ઝાડું લઈને પતિના રૂમમાં સફાઈ કરવા આવી છે અને જાળામાં કરોળિયાને જોઈને વિચારે ચડી જાય છે. પતિના ખાંસવાનો અવાજ તેની વિચારમાળાને તોડે છે.

રસપ્રદ શરૂઆત પછી, મધ્યમાં આવતા સુધી વાર્તારસ ઘૂંટાઈને વધુ ઘેરો બને છે. ટીવીમાં બોલાતું એક વાક્ય એ સાંભળે છે, “મિ. શાહ, હું વિધવા થઈ પછી તેને ચાહતી થઈ તેવું નથી. વર્ષોથી ચાહું છું.” “વિધવા” શબ્દ એના કાનમાં પડઘાયા કર્યો.

અહીં, વાર્તા સુંદર વળાંક લે છે. આ ‘વિધવા’ શબ્દ કાનમાં પડઘાયા કર્યો. – એ વાક્ય વાચકને નક્કર સૂચિતાર્થ આપી અનન્યાના મનોવ્યાપારને સુંદર રીતે વાચકના મનમાં આરોપિત કરે છે. લાંબી બિમારીથી પીડાતો પતિ આ દુનિયામાંથી ચાલ્યો જાય પછી એ પણ વિધવા જ ને! વિધવા સ્ત્રી બનવું એ સમાજમાં કલંકરૂપ બાબત છે. વિધવા તરીકેની જિંદગી જીવવી સહેલી નથી, દુષ્કર છે. આવો કંઈક વિચાર એને ‘વિધવા’ શબ્દ સાંભળીને આવ્યો હશે. ડર પણ લાગ્યો હશે, પણ વારંવારના પડઘા પછી એને બીજો વિચાર એ પણ આવ્યો હોય કે વિધવા બનશે તો આ રોજેરોજના દુ:ખમાંથી એને કાયમ માટે મુક્તિ મળી જશે. અત્યારે એ જીવન જીવે છે એ વિધવાની પીડાથી કંઈ ઓછું નથી. આ વિચારથી મનને થોડી રાહત મળી હોઈ શકે.

એ હાથમાંનું ઝાડું ઝનૂનથી ઉગામે છે અને કરોળિયાના રામ રમાડી દે છે. આ જ ભાવાવેશમાં તે પલંગ નજીક જઈને નીચે પડેલું ઓશીકું ઉઠાવે છે. – એકસરખી બનતી બે ઘટનાઓનું નિરૂપણ એટલું સફાઈદાર રીતે થયું છે કે વાચકોના મનમાં એક ઘટના વાંચ્યા બાદ બીજી ઘટના આપોઆપ આકાર લઈ લે છે કે અનન્યા કરોળિયાની જેમ પોતાના પતિના પણ રામ રમાડી દેશે. પણ ના, લેખક ફરી પાછા વાચકોને નવી દિશા તરફ વિચારવા પ્રેરે છે. અનન્યાની નજર ફરી પાછી એ જીવડા તરફ જાય છે કે જે હજી જાળામાં જ ફસાયેલું હોય છે. તો શું અનન્યાનું પોતાનું જીવન પણ આ જાળામાં ફસાયેલા જીવડાની જેમ મુશ્કેલીઓમાં ફસાયેલું જ રહેશે? વિધવા બન્યા પછી પણ?

વાર્તા પૂર્ણ થયા પછી વાચકના મનમાં હાથમાં ઓશીકું ઉપાડેલી અનન્યા શું કરશે? કયો રસ્તો પસંદ કરશે? અને એનું જીવન કેવું હશે? વગેરે એકાધિક શક્યતાઓ તરફ ઇંગિત કરે છે. જે એક આદર્શ માઇક્રોફિક્શનમાં હોય છે.

વાર્તાનો વિષય જાણીતો હોવા છતાં ખૂબ પ્રસ્તુત છે. રજૂઆત નાવીન્યપૂર્ણ અને રસાળ છે તથા આલેખન ચુસ્ત છે. એક રસિક વાચક તરીકે મનનીય અને વિચારતા કરી મૂકતી માઇક્રોફિક્શન.

માઇક્રોફિક્શન વાર્તામાં બહુ મોટી કથાવસ્તુ કે પ્લોટને અવકાશ નથી. તે મુજબ ઓછા શબ્દોમાં એક રૂમમાં નાયિકાસ્ત્રી અને પતિ વચ્ચેનું દૃશ્ય, નાયિકાની મનોસ્થિતિ, એ મનોસ્થિતિ અનુસાર નાયિકાના વર્તન અને એ રીતે એના જીવનના પ્રશ્નનો ઉકેલ શોધવાની મથામણને નિરૂપતી સુંદર માઇક્રોફિક્શન વાર્તા.

માઇક્રોફિક્શન એટલે અઘરી કે અધૂરી કે ન સમજાય એવી વાર્તા નહીં પણ ઓછા શબ્દોમાં, ચોટદાર વિષયવસ્તુ પીરસતી અને અંતે વાચકના મનમાં અનેક શક્યતાઓ રમતી મૂકીને વિચારતાં કરી દે એવી ટચૂકડી વાર્તા. એક આદર્શ માઇક્રોફિક્શનના બધાં જ ગુણ ધરાવતી આ વાર્તાના સર્જન બદલ લેખકને અભિનંદન.

Leave a comment

Your email address will not be published.

One thought on “માઇક્રોફિક્શન: જાળું – અંકુર બેંકર; રસાસ્વાદ – મયુરિકા લેઉવા- બેંકર”