ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

માઇક્રોફિક્શન : સત્ય – ભારતીબેન ગોહિલ; રસાસ્વાદ – જાહ્નવી અંતાણી

આ શ્રેણી સર્જન મિત્રોની માઇક્રોફિક્શનને ખોલી સર્જનના જ અન્ય મિત્રો દ્વારા એનો આસ્વાદ અથવા વિવેચન કરાવવાની અમે કરેલી મથામણનું પરિણામ છે. માઇક્રોફિક્શનમાં ઘણું એવું હોય છે જે વાચકે પોતે વિચારવાનું કે વિસ્તારવાનું રહે છે, એનો પ્રાયોગિક પ્રયત્ન સર્જક જ વાચક બની કરી બતાવે એ હેતુથી આ ટાસ્ક કરેલો અને એના પરિણામે ઘણાં સુંદર વિવેચન અથવા રસાસ્વાદ મળ્યા એ સર્વે વાચકમિત્રો સાથે વહેંચી રહ્યાં છીએ. એ અંતર્ગત પ્રસ્તુત છે ભારતીબેન ગોહિલની માઇક્રોફિક્શનનો જાહ્નવી અંતાણીની કલમે રસાસ્વાદ.

“હેલ્લો.. મમ્મા…”

“બેટા! હમણાંથી તારા પપ્પા હીંચકે બેસી બબડે છે… વકીલનું સત્ય, ગુનેગારનું સત્ય, આરોપીનું સત્ય ને…”

“કોર્ટની જવાબદારી થકવી નાખે.”

“પણ હીંચકા પર જ! મને ડર છે.. ક્યાંક માનસિક સંતુલન…”

“ચિંતા ન કર. નિવૃત્ત થશે એટલે અહીં બોલાવી લઈશ. હીંચકોયે છૂટી જશે ને સારવાર…”
પણ આરતીબાને ફોનમાં વહુનો અણગમો સંભળાઈ ગયો.

નિવૃત્ત થયેલા પિતા દીકરા સાથે નવજીવન શરૂ કરવાનું વિચારતા હતા. સવારમાં “કિચૂડ.. કિચૂડ” સંભળાયું.

“સંબંધોનું સત્ય..દૂરનું સત્ય..નજીકનું સત્ય…”
આરતીબા બબડી રહ્યાં હતાં.


માઇક્રોફિકશન…. એ લાઘવ પ્રકૃતિ ધરાવતો સાહિત્યનો પ્રકાર છે. .. ઉપરોક્ત માઇક્રોફિકશન માનવ સંબંધોને ઉજાગર કરે છે.

શરૂઆત ટેલિફોનિક સંવાદ દ્વારા થાય છે. એ સંવાદ દ્વારા સ્પષ્ટ સમજાય છે કે મા એ દિકરાને પોતાના વકિલ કે જજ, પતિ અને દીકરાના પિતાની માનસિક અવસ્થા વિશે જણાવી રહી છે જેના વિશે એ ચિંતિત છે…

દિકરો માને સમજાવે છે કે કોર્ટની જવાબદારી વધુ આકરી હોય છે એ કારણે આવું બન્યું હોય અને ચિંતા ન કરવા સમજાવે છે.

ત્યારે મા કહે છે કે માત્ર હિંચકા પર જ આવું થાય છે… બસ, અહીં મને કંઈક ખૂટ્યું એવું લાગે છે… હિંચકા પર એવું શું થયું એ કદાચ માઇક્રોફિકશન હોવાને નાતે વાંચક પર છોડ્યું હોય એવું લાગે છે. પરંતુ વાંચક તરીકે મને હિંચકાની વાત સમજાઈ નહીં.

પછીના પેરામાં દિકરો માને નિવૃતિ પછી પોતાની પાસે બોલાવીને સારવાર કરાવશે અને એ બહાને હિંચકો છૂટશે. એવું મા ને આશ્વાસન આપે છે.. જે સહજ છે. અને વહુનો અણગમો સ્વાભાવિક બતાવ્યો છે.

અંતમાં નિવૃત થયેલા પિતા દીકરા સાથે નવજીવનનું સ્વપ્ન જૂએ છે..પરંતુ આ બાજુ મા, વહુનો અણગમો પારખી ગયેલી હોવાથી, સંબંધનું સત્ય પામીને માનસિક સંતુલન ગુમાવી બેસે છે.

શબ્દો અને વાકયરચનાની ગૂંથણીમાં તો દરેક વાકય રચના મન અને મગજને સ્પર્શે છે.

સાંદ્યાંત સુંદર માઇક્રોફીકશનમાં માત્ર હિંચકા માટેની મારી સમજ ઓછી પડી.

Leave a comment

Your email address will not be published.

4 thoughts on “માઇક્રોફિક્શન : સત્ય – ભારતીબેન ગોહિલ; રસાસ્વાદ – જાહ્નવી અંતાણી”