ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

માઇક્રોફિક્શન : ભિક્ષાન્ન દેહી – રાજુ ઉત્સવ; રસાસ્વાદ – સુષમા શેઠ

આ શ્રેણી સર્જન મિત્રોની માઇક્રોફિક્શનને ખોલી સર્જનના જ અન્ય મિત્રો દ્વારા એનો આસ્વાદ અથવા વિવેચન કરાવવાની અમે કરેલી મથામણનું પરિણામ છે. માઇક્રોફિક્શનમાં ઘણું એવું હોય છે જે વાચકે પોતે વિચારવાનું કે વિસ્તારવાનું રહે છે, એનો પ્રાયોગિક પ્રયત્ન સર્જક જ વાચક બની કરી બતાવે એ હેતુથી આ ટાસ્ક કરેલો અને એના પરિણામે ઘણાં સુંદર વિવેચન અથવા રસાસ્વાદ મળ્યા એ સર્વે વાચકમિત્રો સાથે વહેંચી રહ્યાં છીએ. એ અંતર્ગત પ્રસ્તુત છે રાજુ ઉત્સવની માઇક્રોફિક્શનનો સુષમા શેઠની કલમે રસાસ્વાદ.

“ભિક્ષાન્ન દેહી” એક ઘેઘૂર સાદ પડ્યો.

રમીલાની નજર સાઘુ પર ચોંટી રહી. કાળા ઘુંઘરાળા વાળ, પડછંદ કસાયેલો દેહ, વસ્ત્રના નામે નાનકડી લંગોટ!

રમીલાને ધ્યાનભંગ કરતા સાધુએ કહ્યું , ” સોચ મત, કુછ ભી ચલેગા. પેટકી આગ મીટની ચાહીયે. હમ રોજ નહી આતે , પેટકી આગ સતાતી હૈ તભી ” ભિક્ષાન્ન દેહી ” કરને કોઈ એક દરવાજા ખટખટા લેતે હૈ. “

રમીલા વિચારી રહી.” રવજીને પરણીને આવ્યે દશ મહીના થયા , એ કયા દરવાજે ? “
અને આખરે બોલી જ ઉઠી

“ભિક્ષાન્ન દેહી.”

– રાજુ ઉત્સવ


સુંદર સચોટ રીતે લખાયેલ આખી વાર્તા – ‘વ્યંજના’માં લખાયેલ છે. માઈક્રોફિકશનમાં વધુ પાત્રો ન હોવા જોઈએ તે દ્ષ્ટિએ બે પાત્રો વચ્ચેની વાત છે. વાર્તામાં કોઈ જ શબ્દ કે વર્ણન વધારે નથી અને થોડા વાક્યોમાં જે કહેવાયું છે તે એક આખી વાર્તાનો ઉઘાડ કરી આપે છે. વિષય જો કે જાણીતો, ચવાઈ ગયેલો છે પરંતુ રજુઆત સરસ અને સરળ છે.

શરુઆતના ફકરામાં રમીલાની નજર સાધુ પર ચોંટી તે શબ્દો બતાવે છે કે રમીલા સાધુ તરફ આકર્ષિત થઈ છે તે છતાંય એ ખૂબ સહજપણે લખાયું છે.

બીજા ફકરામાં ‘કુછ ભી ચલેગા, પેટકી આગ સતાતી હૈ’ – એ વાક્ય પણ ઘણું સુચક છે જે સ્વાભાવિક સાધુના મુખે કહેવાયેલું છે અને અંત વાંચીએ ત્યારે જ તે શબ્દો શા માટે મૂક્યા છે તેનો ખ્યાલ આવે છે. એટલે કે લેખકે શબ્દોની પસંદગી ચીવટપૂર્વક કરી છે.

છેલ્લો ફકરો મોઘમમાં ઘણું કહી જાય છે અને આખી વાર્તાનો સરસ ઉઘાડ થાય છે કે રમીલાની પણ દેહની આગ નથી ઠરી, તે કયા દરવાજે જાય.

અંતે તે બોલી ઊઠી ‘ભિક્ષાન્ન દેહી’ જેમાં તે પોતે યાચક બની જાય છે. વાર્તા ફરી વાંચવી ગમે તે તેનું જમા પાસું છે.

વાર્તાના છોતરા કાઢવા જેવું કંઈ ન મળ્યું.

હવે શું બની શકે તે વાચક પર છોડ્યું છે છતાંય સુકાન વગરની નાવ જેવું નથી. લેખકે ખૂબીપૂર્વક ઈશારો કર્યો છે કે રમીલા તે સાધુ પાસે ભિક્ષા માંગે છે.

મારા મતે આ પરફેક્ટ માઈક્રોફિકશન છે. રમીલાના પાત્રને વિકસાવી શકાય તેમ છે અથવા એકાદ વાક્યમાં તેના મનના ભાવો બતાવી શકાય – ફક્ત વાર્તા રસાળ બનાવવા, છતાંય તેની ખાસ આવશ્યકતા પણ નથી. વાર્તા સામાન્ય વાચકને સમજાય તેવી સરળ અને સચોટ છે.

અમુક વ્યાકરણ ભૂલો છે, વાક્ય પછી તરત અલ્પવિરામ નથી મુકાયું અને લેખક તરીકે વાર્તા જેટલી વાર વાંચીએ તેટલી વાર મઠારી શકાય કે આમને બદલે આમ લખ્યું હોય તો? તેવું થયા કરતું હોય છે તે સ્વાભાવિક છે.

– સુષમા શેઠ

Leave a comment

Your email address will not be published.

4 thoughts on “માઇક્રોફિક્શન : ભિક્ષાન્ન દેહી – રાજુ ઉત્સવ; રસાસ્વાદ – સુષમા શેઠ”