ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

કંકુસોખા – મીનાક્ષી વખારિયા

બાપ ઝન્મારેય કોઈ દિ’ બનાવ્યો સે રીંગણાનો ઓળો? નકરૂં તેલ તરે સે ને મસાલો ક્યાં ગ્યો? રાંધતા નો આવડતું હોય તો ડૂબી મરો ક્યાંક ઝઈને.

તખુભા દરબારના રોજના ત્રાગાથી કંટાળેલા ગુમાનબા જ્યાં બેઠાં’તાં ન્યાંથી ઉભા થ્યાં ને કસુંબો ચડાવીને આવેલા દરબાર સામે જઈ, કમ્મરે હાથ ટેકવી બોલ્યા,”હું કામ ડૂબી મરૂં? ઝાણું સું.. હંધુય ઝાણું સું, તમારી માએ બવ હારૂં ખવડાવ્યું સે ઈ. સખણાં ઉભા રે’વાની ત્રેવડ તો સે નઈ ને મંડી પડ્યા સો! ઝાવ કૌવત હોય તો દેવલોક થયેલી માવડીને બોલાવી લ્યો નઈ તો રૂપાળું રાંધનારી ગોતી લાવો. મારાંથી નઈ થાય તમારા ગોલાપા!”

“મને પાનો સડાવવો રે’વા દયો, ગુમાનબા, રોવાનો વારો આવી ઝાસે.”

“ઝોયા મોટા રોવરાવવાવાળા!” દરબારણ દાઢમાં બોલ્યાં.

લાગ જોઈને દાઝે ભરાયેલા દરબાર, ભર્યું ભાણું ઠેલીને હાલ્યા, તેજીલી ઘોડી માથે સવાર થઈને… તે ઠેઠ ગોરજ ટાણે પરત ફર્યા. એકલા નહીં.. હાર્યે લાજ કાઢેલી એક ગોરાંગનાય હતી.

“હવે મેડીએ ભરાઈને કાં બેઠા, ગુમાનબા? હાલો… ઝટનારાં આવો ડેલીએ, કંકુસોખા લઈને..

Leave a comment

Your email address will not be published.