ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ઈરાદો – ઝીલ ગઢવી

લબકઝબક થતી ટ્યુબલાઇટ સામે એકીટશે જોતો એ ડૉક્ટર કોર્ટમાં અપરાધી તરીકે ઉભો હતો.

“તો તને તારા કૃત્ય વિશે જરાય દુઃખ નથી. એમ ને!” એણે જજ સામે જોઇને તરત નજર ટ્યુબલાઇટ તરફ વાળી.

“તને નથી લાગતું કે તેં ડૉક્ટરની ડિગ્રીનું અપમાન કર્યું છે? અને આશ્રય આપનાર શહેર સાથે દગો!”

“હા.. હા.. હા.. આ શહેર માત્ર નકશામાં જીવંત છે. બાકી માણસો જીવતા મડદાં. મડદાં સાથે કેવો દગો?”

“એટલે તું કહેવા શું માંગે છે? સ્પષ્ટ વાત કર.”

“સાહેબ, અહીં દર મિનિટે એક સંબંધ મરે છે. એનું કારણ.. તમને ખબર જ છે. અમુક સંબંધો વેન્ટિલેટર પર આવી ગયા હોય. એની સ્વીચ બંધ કરો એટલે એનું મૃત્યુ નક્કી હોય છે “

“એક સાથે આટલા મરણ. તને કોઈની જિંદગી લેવાનો હક નથી.”

“બિલકુલ છે. છોકરીઓના બળાત્કાર અને તે પછી મા બાપ એને મારી નાખવા મને વિનવણી કરતા. અથવા છોકરીને દાખલ કરાવીને ચાલ્યા જતા. સાહેબ એ દર્દ મેં જોયું. બિચારી છોકરીઓ કણસતી. ઘણીવાર ખુલ્લી આંખે એનું એ જ દ્રશ્ય જોઈ ચીસો નાંખતી. મા બાપને બૂમો પાડતી. અને પડખે એમને ન જોતા. ધ્રુસ્કે રડતી. હું આંટો મારવા નીકળું ત્યારે બે હાથ જોડી મોતની યાચના કરતી. ક્યાં સુધી જોયા કરવું? છેલ્લા છ મહિનામાં દસ દીકરીઓને ઝેરનું ઈન્જેકશન આપી મારી. બસ આ વખતે પકડાયો. મેં કઈ ખોટું નથી કર્યું.”

ત્યાં જ લબકઝબક થતી ટ્યુબલાઇટથી કંટાળી જઈને જજે એને બંધ કરવા આદેશ આપ્યો.

“મેંય આવું જ કર્યું.”

કોર્ટમાં સોંપો પડ્યો.

Leave a comment

Your email address will not be published.