ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

એમ જ મરી જવું – નરેન્દ્રસિંહ રાણા

..અને ઋત્વિજ વોરા ઉભા ઉભા જ મરી ગયો. તેણે મનમાં વિચાર્યું : ‘બસ બહુ થયું ! હવે નથી જીવવું.’ આમ વિચારતા જ એ મરી ગયો. નવાઈની વાત તો એ બની કે મર્યા પછી પણ એની લાશ ઉભી રહી. ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ એની ઉભેલી લાશ લોકોમાં આશ્ચર્યનું કારણ બની. મર્યા પછી પણ ઉભા રહેવું…કેટલું અઘરું કામ!

ઘણાને વિચારો પણ આવ્યા કે આપણે પણ મર્યા પછી ઉભા રહીએ તો?

ઋત્વિજની ઉભેલી લાશને સ્મારક તરીકે જાહેર કરવામાં આવી. ધર્મગુરુઓએ જાહેર કર્યું કે ઋત્વિજ એના સતકર્મોના કારણે જ મર્યા પછી પણ ઉભો છે. પછી તો સત્કર્મો કરવાની હોડ લાગી. ઠેર ઠેર હાટડીઓ ખુલી ગઈ. મર્યા પછી ઉભા રહેવું એ જ લોકોનો જાણે ધ્યેય બની ગયો.

પણ ઋત્વિજ સિવાય કોઈ મર્યા પછી ઉભા રહી ન શક્યું.

વાત ભુલાતી ગઈ. એક દિવસ ઋત્વિજની ઉભેલી લાશ ગાયબ થઈ ગઈ. થોડા દિવસ પછી એક યુવાનની પણ ઉભેલી લાશ મળી આવી. ફરી ખણખોદ થઈ. યુવાનના ઘરમાંથી અસ્થિકળશ મળ્યો. અને લોકો યુવાનની ઉભેલી લાશ બાળવા દોડ્યા.

Leave a comment

Your email address will not be published.