ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

આથમતા શ્વાસે – મીરા જોશી

વર્ષો બાદ શંકરલાલને જોતાં આશાના આંજણથી લીપાયેલી મંજુની નિસ્તેજ આંખો ભીની બની.

‘જીવતરની આથમતી સાંજે તને જોવાની ઈચ્છા છે.’

પહેલા પ્રેમને આખરી વાર જોઈને દેહ છોડવાની ઈચ્છાથી મંજુએ શંકરલાલના ઠેકાણાની ભાળ મેળવીને ચિટ્ઠી મોકલી હતી. કંપતા અવાજ, ત્રુટક શબ્દો અને ઝાંખી આંખોથી કેટલીયે સ્મૃતિઓ વાગોળ્યા બાદ શંકરલાલે પૂછ્યું, “તેં લગન કેમ ન કર્યાં..?”

લાચાર આંખો, ત્રુટક શબ્દો.. ‘મને હતું કે તું શહેર ગ્યો છે, પણ એક’દી આવીશ..’

શંકરલાલે મંજુનો ઘઉંવર્ણો કરચલીવાળો હાથ પોતાના કંપતા હાથમાં લીધો, “મને માફ કરી દે, મંજુ..”

અચાનક મોટી ઉધરસ આવવાથી મંજુ ઉછળી પડી. એનું લોહી નીંગળતું મોંઢું જોઈને શંકરલાલ ધ્રુજી ઉઠ્યા. ક્ષયગ્રસ્ત મંજુનું લોહીથી ભરાયેલુ મોં ને ગંધાતા સાડલાથી શંકરલાલનું સ્નેહાળ વર્તન ચીડમાં બદલાઈ ગયું. એ ઉભા થવા ગયા ને મંજુએ નબળાઈથી શંકરલાલનો હાથ પકડ્યો, એકાએક ફરી ઉધરસ સાથે લોહીનો ફૂવારો ઉડ્યો, ને શંકરલાલના હાથ રક્તથી ખરડાયાં. ધૃણાથી હાથ છોડાવવા જતાં જ અનાયાસે મંજુના નિશ્ચલ ભાલ પર લાલ રંગ રંગાઈ ગયો. એક ક્ષણ એ સેંથો પૂરેલી મંજુને નીરખી રહ્યા. બીજી જ ક્ષણે એમણે હાંફતી મંજુનો શાંત, નશ્વર દેહ અનુભવ્યો. એક અદ્રશ્ય ગ્લાનીનું બીજ શંકરલાલના મનમાં હંમેશ માટે રોપાઈ ગયું..

Leave a comment

Your email address will not be published.