ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

અભિનંદન – કાલિન્દી પરીખ

તે મોબાઈલ લઈને બેઠો હતો. વોટ્સએપ અને ફેસબુક પર જય માતાજી, શુભ નવરાત્રિના મેસેજ મોકલતો હતો. બા બે-ચાર વખત જમવા બોલાવી ગઈ પણ જય માતાજીના મેસેજ હજુ ઘણાં ફેસબુકિયાં મિત્રોને મોકલવાના બાકી હતા એટલે એ ખિજાઈ ગયો, “કેટલીવાર કીધું, આવું છું હમણાં…”

ફરી ફેસબુકના પટાંગણમાં નવરાત્રિના ગરબાના તાલે લીન થઈ ગયો. ‘વાહ! ખૂબ સુંદર અને હ્રદયસ્પર્શી છે, માતૃપ્રેમનું આ ગીત.’ તે કોમેન્ટ ટાઈપ કરતો હતો.

“બેટા, હવે તો જમી લે! કેટલીવાર રસોઈ ગરમ કરી. મારે હજી માતાજીની આરતી કરવાની ય બાકી છે.”

“ક્યારની હું જમી લે જમી લે મંડાણી છો, નથી જમવું જા, જોઈ ના હોય મોટી ભક્તાણી, આરતી બાકી છે લ્યો બોલ્યા”

બા રડવા લાગી.

“આમ રોવાનું બંધ કર, હવે મારા રૂમમાં બોલાવવા આવતી નહીં” કહીને ધડામ દઈ રૂમનું બારણું બંધ કર્યું. વળી ફેસબુકમાં પેલું હ્રદયસ્પર્શી ગીત શોધવા લાગ્યો, ‘અભિનંદન’ લખવાનું બાકી રહી ગયું હતું.

Leave a comment

Your email address will not be published.