એ હળવું હસીને આગળ વધી. “માયા, બહુજ ઉતાવળમાં છો?” સાધનાએ પુછ્યું. “કેટલા સમયે મળી છો! કંઇ કહેવું નથી?”
માયાનાં ડગ અટક્યા. “હું શું કહેવાની? એ અધિકાર ફક્ત તારો જ છે.” એ નજર ઝુકાવી ઊભી રહી. સાધના હસી, “એ અધિકાર બજાવીને પણ હ્ર્દય મને પાછો તો નહીં મળી જાયને, એ પણ અખંડ, પહેલાં જેવો.”

“એવો તો એ મારી પાસે આવ્યો ત્યારે પણ ન હતો. એક ખંડ તો હમણાં પણ તારી પાસે છે જ એટલે જ તો આપણાં..” માયાએ અધુરું છોડ્યું.
“બંન્ને વચ્ચે અટવાય છે, એમજને?” સાધના બે કદમ ઊંધા ચાલીને માયાની સામોસામ આવીને ઊભી. માયાએ નજર પાછી ઝુકાવી.
“ચાલ, થોડી વાર વાત કરીએ. કંઇ નહીં તો આપણી જૂની દોસ્તી ખાતર.” માયા અવશપણે સાધનાની પાછળ દોરાઈ.
“સાધના, એક વાત કહું? આઈ એમ રિયલી વેરી સૉરી. ખબર નહીં અમે કેવી રીતે વહી ગયાં. મને ગિલ્ટ છે જ પણ..”
“મને તો ડબલ લૉસ થયો ને, બેસ્ટ ફ્રેન્ડ ગુમાવી અને… સાંભળ માયા, હ્રદયને આવી રીતે પિસાતો જોઈને હું થાકી ગઈ છું અને આ અધકચરી જીંદગીથી પણ… સાધના એકધારું બોલતી રહી, “અમે બંધાયેલા રહ્યાં નથી અને છૂટી શકતાં નથી. તું એની જીંદગીમાં સંપૂર્ણપણે આવી જા!”
માયા ચોંકી,”આ તું શું બોલી ગઈ? હ્રદયના અસ્તિત્વ સાથે તું પણ એટલી જ જોડાયેલી છો.”
સાધના વચ્ચે જ બોલી, “બસ એટલે જ, હું આ ‘પણ’ માં રહીને ને થાકી ગઈ છું. મારે મારી નજરમાં સંપૂર્ણ થવું છે, એ પૂર્ણતા પામવા માટે તમને બેઉને અપૂર્ણ બનાવવા કરતાં મારી જાતને નવસર્જીત કરવી છે.”
માયાની આંખો ભીની જોઇ કહ્યું,”આનું કોઈ ગિલ્ટ ના રાખતી.મંગળસૂત્ર તો આપણાંમાંથી કોઈ પાસે નથી, ગુડ બાય!”