મારી દ્રષ્ટિએ એક વાર્તા લેખક સતત બે જિંદગી સમાંતરે જીવતો હોય છે. જેમ કુશળ ઓલરાઉન્ડરના હાથમાંનું બેટ કે બોલ એક ભૌતિક વસ્તુ ન રહેતા એના અંગનો એક હિસ્સો બની રહે છે, એ રીતે જ સતત વાર્તા વિશે વિચારતા રહેવું એ લેખક માટે શ્વાસ લેવા જેવી પ્રક્રિયા બની જાય છે. એ કોઈ પાર્ટીમાં ઔપચારિક વાતો કરતો હોય ત્યારે પણ એના મગજના કોઈ ખૂણે વાર્તા પનપતી હોય છે.
એક લેખકને વાર્તાનું બીજ શોધવા માટે પણ કોઈ એક ચોક્કસ સ્થાનની જરૂર નથી હોતી. એને આ વાર્તાબીજ હરતા ફરતા મળી આવતા હોય છે. ક્યારેક ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન લાઈટની રાહ જોતી વખતે કોઈ દંપતીને રસ્તો ઓળંગતા જોતા, તો ક્યારેક લિફ્ટની અંદર દસમા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર પર જતી વખતે કોઈ બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ કાને પડી ગયો હોય તેમાંથી..!! આ તમામ ઘટનાઓ મનના કોઈક ખૂણે સંઘરાઈ જતી હોય છે, અને કોઈક ચોક્કસ સમયે વાર્તા બનીને ફૂટી નીકળે છે.

એક વાર્તાલેખક અને માઈક્રોવાર્તાનાં લેખક વચ્ચે એક મહત્વનો ફેર એ હોય છે કે માઈક્રોફિક્શન વાર્તાના લેખકે સામે ચાલીને પોતાના માટે એક શબ્દોની મર્યાદા બાંધી લીધી હોય છે. કદાચ એને બેવડી ચેલેંજ પસંદ છે. એક વાર્તાનું નિર્માણ કરવાની અને બીજી એ વાર્તાને સંક્ષિપ્ત સ્વરૂપ આપવાની…
અસંખ્ય ગુલાબ કલાકો સુધી ઉકળે ત્યારે અર્ક એકબીજામાં ઓગળીને એક શીશી જેટલું ગુલાબનું અત્તર બનતું હોય છે. એવી જ રીતે અગણિત વિચારો કે કલ્પનાઓ મનમાં ઘુમરાતી હોય અને આ કલ્પનાને શાબ્દિક વાઘા પહેરાવવાનું શરુ થાય ત્યારે જ ખ્યાલ આવે છે કે જો આ કલ્પનાને માઈક્રોફિક્શન કે ટૂંકી વાર્તાનું સ્વરૂપ આપવું હોય તો એ એક વૃક્ષને એના ગુણધર્મો સાથે છેડખાની કર્યા વગર બોન્સાઇમાં પરિવર્તિત કરવાનું આહવાન છે. માઈક્રો વાર્તાનો લેખક આવા આહવાનના ઉર્મિસભર ઓવારણાં લે છે.
અચાનક, છ મહિના પહેલા લિફ્ટમાં સાંભળેલો સંવાદ, પેલું રસ્તો ઓળંગતું કપલ મનના કોઈ ખૂણેથી ઉજાગર થઈને સપાટી ઉપર આવી જાય છે, અને પ્રક્રિયા શરુ થઇ જાય છે. આમાંથી ક્યારેક બે અલગ અલગ વાર્તા બની જાય તો ક્યારેક પેલો લિફ્ટવાળો સંવાદ, રસ્તે ઓળંગતા કપલના પાત્રોને ભાગે આવી જાય અને બે અલગ અલગ ઘટનાઓ ભેગી થઈને એક નવી જ વાર્તા ઉદ્ભવી જાય અને એ સાથે જ એને બોન્સાઇ સ્વરૂપ આપવાની પ્રક્રિયા પણ મનોમન સમાંતરે જ શરુ થઇ જાય.
બાળકના પ્રસવ પછી, માતા આનંદમિશ્રિત રાહતની લાગણી અનુભવે છે, અને એ જ સમયે બાળકના ભવિષ્ય વિશેની, એના સ્વાસ્થ્ય વિશેની ચિંતા પણ એને ધીરે ધીરે થવા લાગે છે. એકવાર વાર્તા લખાઈ ગયા પછી લેખક એ જ રીતે આનંદની લાગણી અનુભવે છે અને કોઈ વર્તમાનપત્ર કે કોઈ મેગેઝીનમાં છપાયા પછી ચિંતાની લાગણી.. એક એવી ચિંતા કે વાચકને આ વાર્તા પસંદ તો આવશેને?.. આ વાર્તામાં આ શબ્દની જગાએ મેં બીજો શબ્દ વાપર્યો હોત તો ? જ્યાં સુધી લેખકને આવી ચિંતા થતી રહે છે, ત્યાં સુધી એ સમાજને પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરતો રહેવાનો. જે દિવસે એનામાં મિથ્યાભિમાન આવી જાય કે સાહિત્ય વિશ્વમાં મારુ એક નામ થઇ ગયું છે, અને હું જે લખીશ એ લોકો વાંચશે જ, એ ક્ષણથી જ એ લેખકે જાણ્યે અજાણ્યે પોતાની સાહિત્યિક કારકિર્દીની કબર ખોદવાની શરુ કરી દીધી હશે.
હકીકતમાં વાર્તાલેખન એ લેખક પાસે રહેલું એક એવું અમોઘ શસ્ત્ર છે કે જેના વડે સમાજને ઘણા એવા સંદેશા બીજા માધ્યમો દ્વારા નથી પહોંચી શકતા એ વાર્તા દ્વારા અસરકારક રીતે પહોંચી શકે છે. વાર્તાલેખકની એ જવાબદારી પણ બની રહે છે કે બધી નહિ તો અમુક વાર્તા તો એવી લખે જ કે જે સાંપ્રત સમાજના ચોક્કસ પ્રશ્નોને સ્પર્શતી હોય.
દીકરીને બદલે દીકરો હોય એવો આગ્રહ રાખવો એ યોગ્ય નથી એના વિશે ઘણી સંસ્થાઓ દ્વારા અને સરકાર દ્વારા ગાઈવગાડીને કહેવામાં આવે છે, પણ આ વાતને, આ મુદ્દાને વાર્તા લેખક એક અલગ રીતે જ રજુ કરીને અસરકારક બનાવી શકે છે કે જેની અસર વાચકના દિમાગ પર લાંબા સમય સુધી રહે છે, ઉદાહરણ તરીકે ‘અક્ષરનાદ‘માં પ્રકાશિત થયેલી નીચેની માઇક્રોફિક્શન…
દીકરી
નર્સને પૈસા આપીને થનારા બાળકની જાતિ જાણી લીધા બાદ, પત્નીને ગર્ભપાત કરાવવા તેણે મજબૂર કરી હતી. બે વર્ષ પછી થયેલા પુત્ર જન્મથી તે ખુશ ખુશ હતો. અડધી રાત્રે પુત્રનો ઘોડિયામાંથી રડવાનો અવાજ આવ્યો. ઘસઘસાટ સૂતેલી પત્નીને સૂતેલી જ રહેવા દઈને અંધારામાં તે ઘોડિયા સુધી પહોચ્યો. દીકરો રડતો તો બંધ થઇ ગયો હતો… પણ ફાટી આંખે એણે જોયું કે ઘોડિયું ખાલી હતું, અને દીકરાને કાંખમાં લઈને બે ચોટલા વાળેલી એક નાની છોકરી, અંધારી રાતે બારણામાંથી જતાં જતાં ગરદન આખી ઉંધી પીઠ તરફ ઘુમાવીને બોલી “આવજો પપ્પા…!!!”
બસ, વાર્તા લેખનમાં એક સહેજ ભયાવહ તત્વ, અને વાચક લાંબા સમય સુધી યાદ રાખશે.
અંતમાં, માઇક્રોફિક્શન એક વાર્તા તરીકે એક રીતે આજના જમાનાને બિલકુલ અનુરૂપ છે. ૩”x ૨”ના ફોનમાં આજે ૧૨૮ GB જેટલું જ્ઞાન સમાવી લેવાય છે, અને યોગ્ય રીતે લખાયેલી વાર્તામાં એક નવલકથાનું સત્વ સમાવી લેવાની શક્તિ હોય છે. અર્જુનને માત્ર પક્ષીની આંખ દેખાતી હતી, એમ જ માઇક્રોફિક્શનના લેખકે, પંચલાઈન યાદ રાખીને એક્પ્રેસો કોફીના શોટ જેવી નાની પણ અસરકારક વાર્તા તૈયાર કરવાની હોય છે, અને વાચકને આ એક્પ્રેસોની કિક જયારે લાગે છે, ત્યારે એ વાચક લેખકનો બંધાણી થઇ જાય છે, અને લેખક પણ ધીરે ધીરે વાચકોનો. લેખક અને વાચક વચ્ચે એક તંદુરસ્ત તેમ જ મનદુરસ્ત તાદાત્મ્ય સર્જાય છે, જે હકીકતમાં લેખકને, એની આવનારી વાર્તાઓને અને વિચારોને દિન પ્રતિદિન વધુ પુખ્ત અને પરિપક્વ બનાવે છે.
અસ્તુ
– હેમલ વૈષ્ણવ
2 thoughts on “માઈક્રોફિક્શન વાર્તાલેખન : ‘પરમાણુના કેન્દ્ર સુધી પહોંચવાની પ્રક્રિયા’ – હેમલ વૈષ્ણવ”
ખૂબ સરસ અને સાચું
‘પરમાણુના કેન્દ્ર સુધી પહોંચવાની પ્રક્રિયા’ – આ શીર્ષક માટે જ પહેલા તો સલામ કહેવાનું મન થાય. હેમલભાઈની માઇક્રોફિક્શન અગાઉ વાચી પણ આજે તેમનો લેખ વાંચીને ઘણું જાણવા મળ્યું.