‘નવી વાર્તા’ના લેખક સમીર ઠક્કર કેટલાય લોકોના ફેવરિટ હતા. દેત્રોજ ગામનો સફાઈ કામદાર અંકુર પણ એમાંનો જ એક હતો…

આજે અંકુરના આદર્શ લેખક એના ગામમાં આવી રહ્યા હતા, લાઇબ્રેરીનું ઉદ્ઘાટન એમના હસ્તે હતું.

“તમારી કલ્પના શક્તિ સરસ હોય તો તમે સારા લેખક  બની શકો. તમારામાંથી કોઈને વાર્તા-કવિતા લેખનમાં રસ હોય તો હું તેને વિનામૂલ્યે શિખવાડીશ.” લેખકનું આ છેલ્લું વાક્ય ઝાડ નીચે ઝાડુ  લઈ ઊભેલા ઊગતા લેખક અંકુર માટે લોટરી સમાન હતું…

… એણે હરિજનવાસ બાજુ દોટ મૂકી અને પોતાની પતરાની પેટીમાંથી પોતાની લખેલી વાર્તાનું ભૂંગળું લઈને હાંફતો લેખકની સેલ વાગીને જવા તૈયાર ગાડી જોડે આવીને થોભ્યો…

“સાહેબ મારી વાર્તાઓ, જરા જોઈ લો ને.”

“અત્યારે મોડું થાય છે, જોઈને સરપંચને ફોન કરીશ.”

એણે એ ભૂંગળું લઈને ગાડીના કાળા કાચ ચઢાવી દીધા. સમીર ઠક્કરે એ ગંધાતા, મેલા-ઘેલા કાગળ પરના મરોડદાર અક્ષરો પર તુચ્છ નજર ફેરવી.

“ફેંકી દોને સમીરભાઈ, આવા તો કેટલાય વાયદા આપણે ઉદ્ઘાટનોમાં કરતા હોઈએ છીએ..” બીજા સર્જક બોલ્યા.

“હોતું હશે? આમાંથી કંઈ કેટલીય વાર્તાઓ મળશે અને મારી પોપ્યુલર કોલમ ‘નવી વાર્તા’ આમ જ ચાલતી રહેશે.” અંકુરના આદર્શ લેખક આંખ મારીને ખડખડાટ હસતાં બોલ્યા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *