ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ટીસ – રાજુલ ભાનુશાલી

અચાનક આંખો ખૂલી ગઈ.

માથું ફાટફાટ થતું હતું. કાળઝાળ તડકાથી આંખોમાં પાણી ભરાઈ ગયું અને ધૂંધળું દ્રશ્ય વધુ ધૂંધળું થઈ ગયું. હું મહામહેનતે બેઠો થયો તો સમજાયું કે રસ્તાની સાવ વચ્ચોવચ્ચ સૂતો હતો. ઝડપથી બાજુ પર થઈ ગયો, ક્યાંક કોઈ વાહન.. પણ  ગલી સુમસામ હતી. એટલી ગરમી હતી કે બપોરે તો જાણે શહેરમાં સ્વયંભુ બંધ પળાતું. પણ પોતે અહીં આવ્યો કેવી રીતે એ યાદ કરવા મગજ કસ્યું.

“બાયડી છે.. બાયડીની જેમ રે, ધણી બનવાની કોશિશ ન કર.. બે સાડીઓ શું વેચી નાખી પોતાને ધણી જ સમજવા લાગી. આ તારા સગલી સગલાને કાઢ ઘરબહાર.. બહુ જીભડી ચલાવી છે તો સળગાવી દઈશ બધો માલ.. લે અબ્બીહાલ જ એનો ક્રિયાકર્મ કરું..”

સવારના ઘરમાં મંડાયેલું મહાભારત અત્યારે ફરી મગજમાં મંડાયું હતું.. “સાલી રાં.. બરાબરની ઢીબેડી.. હવે ઠેકાણે આવી જ ગઈ હશે.. એની માને.. સામું બોલે છે..” ફરી મગજ ફરી ગયું.

ખિસ્સા ફંફોસ્યા. મોબાઇલમાં  ક્રેક પડી ગયો હતો. ફરી મોઢામાંથી ગાળ નીકળી ગઈ.

ઘરનો નંબર ડાયલ કર્યો. ઘણીવાર રીંગ ગયા પછી ફોન ઊંચકાયો.

“હેલો..” રિસીવરમાંથી અપરિચિત અવાજ આવ્યો.

“અલ્કા ક્યાં છે? એને ફોન આપો.”

“અલ્કાબેન હોસ્પિટલની ફોર્માલીટીઝ પતાવી રહ્યાં છે. એમના પતિનું સવારના એક્સિડન્ટમાં મૃત્યુ થયું છે.. તમે કોણ?” ફોનમાંથી આવેલો અવાજ માથામાં હથોડાની જેમ ઝીંકાયો. તીવ્ર ટીસ ઊઠી. જોરથી ત્યાં હાથ દાબી દીધો. આખી હથેળી લોહીથી ખરડાઈ ગઈ હતી. 

Leave a comment

Your email address will not be published.

2 thoughts on “ટીસ – રાજુલ ભાનુશાલી”