ઢોલ-નગારાંના ભીષણ અવાજો અને ટોળાંની હો-હામાં એની કીકીઆરીઓ ઓગળી જતી હતી. ગામના ચોરે મોટા ઓટલા પર જડેલા લાકડાના થાંભલાઓ સાથે એના હાથ બાંધી દેવામાં આવેલા. વચ્ચે સળગતાં લાકડાં એને મળવા થનગની રહ્યાં હોય તેમ તેની જ્વાળાઓ ઊંચીનીચી થઈને ડોલી રહી હતી.

એકઠી થયેલી જનમેદની અદ્ધર જીવે આ આખોય ખેલ ચાવી ભરેલાં રમકડાંની પેઠે નિહાળી રહી હતી.

ગામના મુખીએ સૌને સંબોધતા કહ્યું,

“કેસરે અપરાધ કર્યો છે. એણે નીચી જાતની થઈને ઊંચી જાતના યુવાન સાથે પ્રેમ કરવાની ભૂલ કરી છે. અને એ પણ મુખીના, મારા દીકરા સાથે?

એને તો એની સજા મળી ગઈ છે અને આજે કેસરને પણ કાનૂન તોડવાની આકરી સજા મળશે. એવી સજા જે જોઈને બીજી કોઈ છોકરી આવો પ્રેમ કરવાનું સપનામાં પણ ના વિચારે.”

બીજો આગેવાન બુલંદ અવાજે બોલ્યો, “સળગાવી દો. એને જીવતી સળગાવી દો અને ન્યાય કરો.”

“હા… હા… ન્યાય કરો…” પ્રતિઘોષ થયો.

સળગતું લાકડું ઉઠાવીને મુખી કેસર તરફ ધસ્યો. એ કેસરની ઓઢણીને આગ ચાંપવામાં જ હતો ત્યાં તો મજબૂત યુવાન હાથોએ એને રોકી લીધો.

મુખીની મોંકળા ધરાવતા એ ચહેરાને જોઈને કેસરનું હૈયું નાચી ઉઠ્યું. પણ પળવારમાં જ યુવાનના ઝભ્ભાને ચંપાયેલી આગ જોઈને એ બરાડી ઊઠી.

One thought on “અપરાધ – મયુરિકા લેઉવા-બેંકર”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *