ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

નજર – કિરણ પિયુષ શાહ

શિવાંગીએ દોડીને ટ્રેન તો પકડી પણ તે ભૂલથી કોમન ડબ્બામાં ચડી આવી હતી. સવારનો સમય હતો એટલે ભીડ નહોતી. શિવાંગી જગ્યા શોધીને બારી પાસે બેસી ગઈ. તેના સ્મૃતિપટ પર આજ સવારની ઘટના તરવરવા લાગી, એ સાથે જ એ કંપી ઊઠી. કડવી યાદોથી પીછો છોડાવવા તેણે ડબ્બામાં નજર ફેરવી, અને તેની નજર સામે બેઠેલ આકર્ષક યુવાનના ચહેરા પર સ્થિર થઈ ગઈ. એ પણ તેની સામે જ જોતો હતો.

શિવાંગીએ નજર ફેરવી બારી બહાર જોવાનું રાખ્યું. અવળચંડું મન વારંવાર એ યુવાન તરફ નજર કરી લેતું. ત્યારે દરેક સમયે તે તેની સામે જ જોતો હતો તેવું શિવાંગીએ અનુભવ્યું.

આ ચોરીચોરી જવાનું બંધ કરી શિવાંગી એ યુવાન સામે જોતાં બોલી, “આમ મને શું જુઓ છો?”

આ સાંભળીને પણ તે યુવાનની નજર તેનાં પર સ્થિર જ રહી. આ જોઈ શિવાંગીને હવે ડર લાગ્યો કે આ કદાચ તેનાં પતિ અને સાસરિયાને ઓળખતો તો નહીં હોય ને?

તે નખશિખ કંપી ગઈ. સ્ટેશન આવ્યું અને એ યુવાનની બાજુમાં બેસેલ ભાઈએ, “બેટા, સ્ટેશન આવ્યું ઊતરવાનું છે” એવું કહેતાં જ તે હાથમાંની સ્ટિક લઈ ઊભો થયો. શિવાંગી એની સ્ટિક તરફ આંખો ફાડી જોતી રહી.

Leave a Reply to Hiral Vyas 'vasantiful' Cancel reply

Your email address will not be published. Required fields are marked *

One thought on “નજર – કિરણ પિયુષ શાહ”

%d bloggers like this: