તાજેતરમાં કલેકટરના હોદ્દેથી નિવૃત્ત થયેલા શાંતિભાઈ સોસાયટીના ગણેશોત્સવમાં સંગીતખુરશી સ્પર્ધા યુવાનોને હંફાવીને જીતી ગયા. પછી વિજયની ખુશીમાં અજબ રીતે  નાચ્યા. યુવાનો પણ નાચમાં જોડાયા. વાતાવરણ જે પહેલેથી જ રંગીન હતું એમાં ઓર રમઝટ જામી.

સવારે ચા પીતાં પીતાં વસુંધરાબેન બોલ્યાં, “રાત્રે તારા પપ્પાજી કેવું નાચ્યા? એમનું  છટકી ગયું હતું કે શું?” 

નોકરી કરતી વલ્લરી બોલી, “શું બા તમે પણ? એ તો એક ફ્રી બર્ડનો ડાન્સ  હતો!” 

વસુંધરાબેન  જોઈ રહ્યા.

“કેમ ભૂલી જાવ છો બા? આખી જિંદગી પપ્પાજીએ નોકરીમાં કેટલા ટેન્શનનો સામનો કર્યો હશે? હવે રિટાયરમેન્ટમાં બાપુજી ફ્રી બર્ડ થઇ ગયા છે!”

“સાચી વાત.”  વસુંધરાબેન આડું જોઇને મલકી ઉઠ્યા.  

પણ એમનો એ મલકાટ વલ્લરીથી છાનો રહ્યો નહીં.

વસુંધરાબેન ઊઠીને પોતાના ઓરડામાં જતાં રહ્યાં. હા, ગઈકાલનો મોડી રાતનો એ ખાસ અનુભવ પણ ફ્રી બર્ડની ફ્રીડમનો જ હતો! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *