(આદરણીય કિરીટ દૂધાતજી આધુનિક ગુજરાતી વાર્તા ક્ષેત્રનું ખૂબ જાણીતું નામ છે. ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે ગુજરાતી, હિંદી, સિંધી, સંસ્કૃત, કચ્છી અને ઉર્દુ સાહિત્ય અકાદમી સાથે તેઓ જોડાયેલા છે. તેમને શ્રેષ્ઠ ટૂંકી વાર્તા માટેનો ઉમાશંકર જોશી પુરસ્કાર, ગુજરાતી સાહિત્ય પરિષદનો શ્રેષ્ઠ ટૂકી વાર્તા સંગ્રહ માટેનો પુરસ્કાર,’બાપાની પિંપર’ માટેે ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર અને ‘આમ થાકી જવું’ પુસ્તક માટે ધૂમકેતુ પુરસ્કાર મળ્યા છે. સર્જનના રાજુલ ભાનુશાલીએ તેમની લેખનયાત્રાની શરૂઆત વિશે, વાર્તાલેખન અંગે તેમનો દ્રષ્ટિકોણ જાણવા અને માર્ગદર્શન માટે સંવાદ કર્યો હતો. એ અત્રે પ્રસ્તુત છે.)

રાજુલ ભાનુશાલી : ક્યારેય વિચારેલું કે વાર્તાકાર બનીશ, કે પછી અનાયાસે જ આ ક્ષેત્રમાં પ્રવેશી ગયા?
કિરીટ દૂધાત : મારું બાળપણ ગામડામાં વીત્યું, બહારની દુનિયા બહુ જોયેલી નહીં. એટલે સાત- આઠની વયે તો બસ કંડકટર થવાનાં પછી બાર-પંદર વરસે ડૉકટર થવાનાં સપનાં હતાં. અગિયારમાં ધોરણમાં અમદાવાદ ભણવા આવ્યો ત્યારે ડૉકટર થવાના ખ્વાબમાં જ શરૂઆતમાં વિજ્ઞાન પ્રવાહમાં ભણ્યો પણ એફ.વાય. બી. એસસી.માં નાપાસ થયો. અંદરથી તો સાહિત્ય ગમતું હતું એટલે આર્ટ્સમાં ગયો. શરૂઆતમાં કવિતા લખવાના નિષ્ફળ પ્રયત્ન કર્યા પણ પછી વાર્તા તરફ આકર્ષાયો. આમ ટ્રાયલ એન્ડ એરરના રસ્તે (તળપદા શબ્દોમાં કહીએ તો ટીચાઈ ટીચાઈને)ને ટૂંકી વાર્તામાં આવ્યો.
રાજુલ ભાનુશાલી : લખવું, લખી શકવું, લેખક હોવું.. એને તમે કઈ રીતે જુઓ છો?
કિરીટ દૂધાત : આ કુદરત તરફથી મને મળેલી એક બક્ષિસ છે. કેટલીક ભાષામાં લેખકને લેખક હોવાથી વિશેષ કીર્તિ અને કલદાર મળે છે. ગુજરાતી લેખકોને એવું ખાસ નથી પ્રાપ્ત થતું પણ એથી એ કુદરતી ભેટ છે એ હકીકતનો નકાર કરી શકાય એમ નથી.
રાજુલ ભાનુશાલી : આપણી વાર્તાઓ અને વૈશ્વિક વાર્તાઓમાં મુખ્યત્વે શો તફાવત જોવા મળે છે ?
કિરીટ દૂધાત : વૈશ્વિક એટલે શું? અહીં પ્રશ્નમાં જ ગુજરાતી સાહિત્યની વાર્તા જાણેકે વૈશ્વિક વાર્તારૂપી માલદાર બહેનની કોક ગરીબ પિતરાઈ બહેન હોવાની લઘુતાગ્રંથિથી છુપાયેલી હોય એમ લાગે છે. ઉદાહરણ આપું તો યિદ્દિશ ભાષાના સાહિત્યકાર આઈઝેક બી. સિંગરને ૧૯૭૮માં નોબેલ ઈનામ મળ્યું છે. ત્યારે યિદ્દિશ આખી દુનિયામાં બહુબહુતો અઢારેક લાખ લોકો બોલતા હશે. અમેરિકામાં તો બે લાખ લોકો માંડ હશે. એના કરતા કાઠિયાવાડી બોલી વધુ બોલાતી હશે. પણ આવી નાબૂદ થવા આવેલી ભાષામાં એક લેખક પ્રમાણમાં સારું લખે છે એટલે જ જાણે નોબલ અપાયું હોય એમ મને લાગે છે. સુરેશ જોશીએ ‘વિદેશીની’ નામનાં વૈશ્વિક વાર્તાઓના સંપાદનમાં સિંગરની જે ત્રણ-ચાર વાર્તાઓ લીધી છે એમાં મને તો, ‘મૂરખનો સરદાર’ વાર્તાને બાદ કરતા, બધી સામાન્ય લાગી છે. એટલે એક એક વાર્તા લઈને કાફકાની આ વાર્તા સારી કે સામાન્ય કે રાજુલબહેનની આ વાર્તા સારી કે ઠીક એવી ચર્ચા થઈ શકે. વિશ્વમાં વખણાયેલી વાર્તા કે કવિતા ભળતા જ ધોરણોથી પણ વખણાતી હોવાનું ઘણીવાર બન્યું છે.
રાજુલ ભાનુશાલી : ગુજરાતી સાહિત્યમાં અમુક વિષયોનો છોછ કેમ છે? બીજી ભગિની ભાષાઓમાં કે વિશ્વ સાહિત્યમાં સમાજના જે સળગતા વિષયો હોય છે એવા વિષયો કેમ સહજતાથી આપણે ત્યાં સ્વીકારાતા નથી?
કિરીટ દૂધાત : વાચક બે રીતે વાર્તા વાંચે, (૧) આ વાર્તા મારી સામાજિક, રાજકીય કે ધાર્મિક માન્યતાને પુષ્ટિ આપે છે કે કેમ? (૨) બીજી રીત છે કે આ વાર્તા મને કોઈ કલાકીય અનુભવ કરાવે છે કે કેમ?
પહેલી વાર્તામાં ગુજરાતી લોકો sexનું કે transgenderનું ઊંડાણથી કરેલું ચિત્રણ નહીં ઇચ્છે. બીજી રીતમાં વાંચતાં એ જો કોઈ રસકીય અનુભવ કરાવતી હશે તો આવા વિષયનો વાંધો નહીં લેવાય. હિન્દીમાં જે રાજકીય કે સામાજિક વિચારસરણી પ્રબળ હોય એનું સમર્થન કરતી વાર્તાઓ લખાતી હોય છે અને વખણાતી હોય છે. ત્યાં મારી સાચી અનુભૂતિથી હું દલિત વિરોધી વાર્તા લખું કે મુસ્લિમ વિરોધી નવલકથા લખું તો એનાં કલાત્મક પાસાંને જોયાં વગર એ લોકો તરત છોછ અનુભવશે. ટૂંકમાં કહું તો જે વાર્તા સામાજિક નિષેધની પરવા ન કરતી હોય તો વાચકવર્ગ સારો ભાવ નહીં અનુભવે. બહુમતી માટે કલા પછીના નંબરે આવે છે.
રાજુલ ભાનુશાલી : પ્રયોગાત્મક વાર્તા એટલે શું? પ્રયોગ થવા/કરવા જોઈએ કે પછી કથનની પરંપરાગત રીત જ અપનાવવી યોગ્ય છે?
કિરીટ દૂધાત : અગાઉ લખાયેલી ઢબ કરતા કે શૈલીથી જુદી વાર્તા લખાય એ પ્રયોગશીલ વાર્તા ગણાય. લેખકની કે સમાજની કોઈ આંતરિક જરૂરિયાતમાંથી એ આવેલી હોય તો જરૂર આવકાર્ય બને નહિ તો એ વિવેચનના બળે સપાટી પર થોડાં વરસ તરે પણ પછી બુડે.
રાજુલ ભાનુશાલી : સોશિયલ મીડિયા એટલે કે ફેસબુક જેવા માધ્યમનો ગુજરાતી સાહિત્ય પર જબરદસ્ત પ્રભાવ છે. વિવિધ માધ્યમોમાં કૃતિઓ પ્રકાશિત થવી કે પછી પુસ્તક પ્રકાશિત કરવું એ ક્યારેય નહોતું એટલું આજે સરળ થઈ પડ્યું છે. એની સકારાત્મક કે નકારાત્મક અસર વિશે કશું કહો.
કિરીટ દૂધાત :
સકારાત્મક: અગાઉ પ્રકાશક કે સંપાદક ધારે તો જ એનાં સામાયિકમાં કોઈ વાર્તા કે કવિતા છપાતી હતી. બધાં સંપાદક એટલાં સજ્જ ન પણ હોય એટલે જે લેખક નવું કરવા ઈચ્છે એને બહું સારા અનુભવો નહોતા થતા. એ રીતે નવા લેખકને આજે આવાં સામયિક કે સંપાદકની ઇચ્છા-અનિચ્છામાંથી મુક્તિ મળી છે.
નકારાત્મક: પરંતુ એ સરળતાથી આજે બોરની ભેગા ઠળિયા પણ વેચાય છે. આંખોને આંજી નાખે એવાં મહાનુભાવો અને કાર્યક્રમોથી પુસ્તકનાં વિમોચન થાય છે એટલે સામાન્ય વાચકને એ જ સાહિત્ય ઉત્તમ એવી ખોટી છાપ પડે છે.
રાજુલ ભાનુશાલી : ક્રિએટિવ હોવું કે સર્જનશીલ હોવું એટલે શું?
કિરીટ દૂધાત : અંગ્રેજ કવિ એલેક્ઝાંડર પોપે કવિતાની વ્યાખ્યા આ રીતે આપી છે, What oft was thought, but ne’er so well express’d એટલે કે જે બધાનો અનુભવ હતો પણ આ પહેલા આટલી ઉત્તમ રીતે વ્યક્ત નહોતો થયો. એનું નામ સર્જનશીલતા.
રાજુલ ભાનુશાલી : નબળી વાર્તા કોને કહેવાય એના સામાન્ય લક્ષણો કયા છે?
કિરીટ દૂધાત : જેમાં લેખકની કશી મૌલિક દ્રષ્ટિ ( vision) ન હોય, જેના ઘાટમાં કોઈ કોઈ ઠામઠેકાણું ન હોય અને વર્ણન કે ભાષા કોઈ નવીન અનુભવ ન કરાવતી હોય એ વાર્તા નબળી કહેવાય.
રાજુલ ભાનુશાલી : પોતાના સર્જનના માધ્યમથી સમાજને કશોક સંદેશો આપવો (અને એ પણ સારો જ) એ લેખકની જવાબદારી છે એવી સામાન્ય સમજ પ્રવર્તે છે. આ બાબતે તમારો અભિપ્રાય આપશો.
કિરીટ દૂધાત : લેખકને પણ એવું લાગતું હોય અને એ મુજબ લખે તો એમાં શું વાંધો હોય? જેમકે ર.વ. દેસાઈને એમ લાગતું હતું અને બોધાત્મક લખતા હતા. એમાથી વાચકને પણ સંતોષ અને રસાનુભવ થતો હતો. પણ લેખકને લાગે કે આવું લખવું એના સ્વભાવને અનુકૂળ નથી અને ન લખે તો એટલી સ્વતંત્રતા એણે ભોગવવી જોઈએ.
રાજુલ ભાનુશાલી : ‘લખવા’ને ભાષાની / સાહિત્યની સેવા ગણવામાં આવે છે. આપનું મંતવ્ય શું છે?
કિરીટ દૂધાત : અહીં સેવા શબ્દને ‘સેવા’ એ રીતે અવતરણમાં લેવાની જરૂર હતી. લેખકને ભાષા એ સમાજ તરફથી મળેલી ભેટ છે. (ટારઝન વાનરો વચ્ચે રહેલો એટલે માનવોની ભાષા નહોતો જાણતો.) એને તમે કશીક ઊજળી કરીને (સર્જનાત્મક બનાવીને) સમાજને પાછી આપો તો એ સેવા જ ગણાય. (નર્મદે ‘લાગવું’ શબ્દ પરથી ‘લાગણી’ એવો નવો શબ્દ બનાવ્યો જે આજે આપણા એક અગત્યના ભાવને વ્યક્ત કરવા માટે છૂટથી વપરાય છે. એ રીતે આ શબ્દ લખીને/બનાવીને નર્મદે સમાજની સેવા કરી ગણાય.) સમાજને પોતાની પરંપરાને ટેકો આપે એવું કે દોરવણી આપે એવું લખાય એવી અપેક્ષા હોય છે. એ અર્થમાં ‘લખવું’ એ સમાજસેવા છે.
રાજુલ ભાનુશાલી : સંઘર્ષ/કોન્ફ્લિક્ટ વાર્તાનું મુખ્ય પાસું છે. કોઈ એવો ‘સંઘર્ષ’ અથવા પાત્ર જે તમે આલેખ્યો હોય. અને જેને ‘આલેખવા’ તમને ખૂબ સંઘર્ષ કરવું પડ્યું હોય એના વિષે અમને જાણવું ગમશે.
કિરીટ દૂધાત : મારે એવો ‘સંઘર્ષ’ કરવો પડ્યો હોય એવું યાદ નથી. પણ મારી વાર્તાઓમાં પાત્રને સંઘર્ષ અનુભવાતો હોય છે, જેમ કે ‘બાયું’માં સ્ત્રીઓને કે ‘પાવય’માં મુખ્ય પાત્રને. આના બીજા નમૂના પણ મળે પણ તમે મિત્રો આ દ્રષ્ટિએ મારી કે બીજાઓની વાર્તાઓ વાંચો તો ગમે.
રાજુલ ભાનુશાલી : દરેક સર્જકની અંદર એક વિવેચક પણ હોય છે. હોવો પણ જોઈએ. પણ એ વિવેચક સર્જક ઉપર હાવી થઈ જાય ત્યારે? એ સ્થિતિ ઉપકારક કે પછી અપકારક? ઉપકારક – તો કઈ રીતે અને અપકારક તો કઈ રીતે?
કિરીટ દૂધાત : પન્નાલાલની એક વાર્તા પાઠ્યપુસ્તકમાં લેવાની હતી પણ એના અંત બાબતે રતિલાલ બોરીસાગરને થોડો વાંધો હતો. બોરીસાગર એ વખતે ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના અધિકારી હતા. એમણે પન્નાલાલને મળીને વાર્તામાં અંત સુધારવાની ભલામણ કરી. પન્નાલાલે પંદર દિવસની મહોલત માંગી અને અંતે કહ્યું કે તમારી વાત તમારા મતે સાચી લાગે છે પણ એ રીતે લખવાનું મને મનમાં બેસતું નથી. ‘મને જે ન બેસે એ હું ન લખું.’ એવું કહેલું. આ વાત મેં બોરીસાગરના મોંએ એકથી વધુવાર સાંભળી છે. લેખકની અંદરનો વિવેચક લેખકને પ્રમાણભાન શીખવે ત્યાં સુધી બરાબર પણ ડગલેને પગલે એને રૂંધતો થઈ જાય ત્યારે વિવેચક ડ્રાઈવિંગ સીટ પર ચડી બેસે છે. એ ન થવું જોઈએ.
રાજુલ ભાનુશાલી : ‘સર્જન’ માઇક્રોફિક્શન વાર્તાપ્રકાર સાથે મથામણ કરનાર ગૃપ છે. આ વાર્તાપ્રકાર માટે અને એની સાથે પનારો પાડતાં સભ્યો માટે આપનો સંદેશ.
કિરીટ દૂધાત : દરેક થીમ એની લંબાઈ લઈને આવે છે. ‘સર્જન’નાં મિત્રોને એમ લાગે કે આ વાત કહેવા માટે માઇક્રોફિક્શન વાર્તાપ્રકાર યોગ્ય છે તો એ પ્રમાણે લખે. વધુ શબ્દોની જરૂર લાગે તો લઘુકથા અને એનાથી પણ વધુ શબ્દોની જરૂર લાગે તો ટૂંકી વાર્તા પણ લખી શકાય. આ સ્વરૂપ ગુજરાતીમાં મજબૂતીથી સ્થપાય તો કથાજગત વધારે ભાતીગળ બને. એ રીતે તમને મિત્રોને શુભેચ્છા છે. પોતાની અનુભૂતિ અને અભિવ્યક્તિને માઇક્રોફિક્શન વાર્તાપ્રકારનો ઘાટ આપીને લખાય તો ઉત્તમ. આ મારો વિચાર છે. સંદેશો આપી શકું એવી મારી લાયકાત છે એવો મને ભૂલથી પણ અંદેશો નથી!
આભાર.