ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

વાર્તાના આ અનોખા પ્રકાર અંગે નોખો વિચાર – કિશોર પટેલ

સૌ પ્રથમ તો જેને માઈક્રોફિક્શન કહેવાય છે એ સાહિત્યપ્રકાર માટે એક સ્વતંત્ર નામ આપણી ભાષામાં શોધવું રહ્યું. મારી એક ટૂંકી વાર્તામાં આવી જરૂર ઊભી થતાં મેં આ પ્રકાર માટે “સૂક્ષ્મકથા” નામ આપ્યું છે.

આ પ્રકાર નવો નથી. દેશ અને દુનિયાની દરેક ભાષાઓમાં ટુચકાઓ સૂક્ષ્મકથાઓનું ઉત્તમ ઉદાહરણ છે. ટૂંકમાં, આ પ્રકાર વિપુલ માત્રામાં ખેડાયેલો છે.  હા, એમાં ફક્ત હાસ્યરચનાઓ જ થઇ છે, પણ હવે અન્ય જોનરમાં પણ એનું ખેડાણ થવા માંડ્યું છે જે આનંદની વાત છે.

જાહેર માધ્યમોમાં પ્રસિદ્ધ થતી સૂક્ષ્મકથાઓમાંની બધી જ કે મોટા ભાગની મેં વાંચી છે એવો દાવો હું કરી શકું નહીં, હા, જ્યારે પણ જે કોઈ રચના મારી નજરે પડી છે તે મેં વાંચી જરૂર છે. આવી વાર્તા વાંચતા સમય ઓછો ખર્ચાય છે એ એનું સૌથી મોટું જમા પાસું છે. સૂક્ષ્મકથા સારી હોય તો યાદ રહી જાય અને નબળી હોય તો તરત ભૂલાઈ જાય એ સ્વાભાવિક છે. એટલું કહીશ કે વાર્તાના આ પ્રકાર વિષે લેખકોમાં કેટલીક ગેરસમજણો પ્રસરેલી છે.

૧. સૂક્ષ્મકથાનો અંત ચોટદાર હોવો જોઈએ.

એવું શા માટે? વાચક તમ્મર ખાઈને ભોંય ભેગો થઇ જાય એવું શા માટે આપણે ઇચ્છવું? આપણો વાચક કશુંક નવું પામે એવી ઈચ્છા આપણે શા માટે ના રાખીએ? ખરી દલીલ હોવી જોઈએ: “અંત કળાત્મક હોવો જોઈએ.”

૨. સૂક્ષ્મકથાનો અંત ખુલ્લો હોવો જોઈએ; એના વિકાસ માટે બેથી ત્રણ પર્યાય ખુલ્લાં રહેવા જોઈએ.

ફરી એક વાર, એવું શા માટે?

ટૂંકી વાર્તાઓની મોટી સમસ્યા અંત કેવો કરવો એ અંગેની રહી છે. એક મોટો વર્ગ છે જે ઓ. હેનરીની જેમ ચમત્કૃતિભર્યા અંતની તરફેણ કરે છે. કેટલાંક વળી એથી વિપરીત વિચારે છે. લેખકો ટૂંકી વાર્તા લખે કે સૂક્ષ્મકથા, જો તેઓ એક અંત પણ સરખો કરી શકતાં હોય તેને હું મોટી ઉપલબ્ધિ કહીશ. એકથી વધુ પર્યાય ખુલ્લાં રહેતાં હોય તે સારી વાત છે પણ એવી દલીલને જડતાપૂર્વક વળગી રહેવામાં ડહાપણ નથી. ખરી દલીલ હોવી જોઈએ: “વાર્તાના વિષયને અનુરૂપ અંત કરવો જોઈએ.”

૩. સૂક્ષ્મકથામાં સંદેશ હોવો જોઈએ.

ભાઈ, શા માટે? સમાજને સુધારવાનું કામ લેખકનું નથી. લેખકે પ્રશ્નો પૂછવાના છે; ઉત્તરો આપવાના નથી.    

૪. સૂક્ષ્મકથામાં શબ્દસંખ્યા પર અંકુશ રાખવો જ રહ્યો.

એ બરાબર છે પણ એ માટે વાક્યો તો અધૂરાં અને કઢંગા ના લખો! મેં જોયું છે કે કેટલાંક લેખકો વાક્યમાંથી કર્તા અદ્રશ્ય કરી નાખે છે. એક વાક્યમાં નામ કે સર્વનામનો ઉપયોગ કર્યા બાદ પછીનાં વાક્યોમાં કર્તાનો ઉલ્લેખ ના કરીએ તો ચાલે એવું સમજીને તેઓ ભૂલ કરતાં હોય છે. દા.ત.:

“રમેશ ઓફિસથી ઘેર આવ્યો. ચંપલ કાઢ્યા. સોફામાં પડ્યો.”

પહેલી નજરે કોઈને કદાચ આમાં ભૂલ ના દેખાય. મારું માનવું છે કે વાર્તા હોય કે સૂક્ષ્મકથા, તેનું દરેક વાક્ય સ્વયંસંપૂર્ણ વાર્તા હોવું જોઈએ.            

– કિશોર પટેલ

નોંધ – આ અતિથિલેખના મુદ્દા અને સૂચનો લેખકના પોતાના વિચાર છે અને આ બધા મુદ્દા સાથે ‘સર્જન’ સહમત હોય એ જરૂરી નથી.

Leave a comment

Your email address will not be published.