ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

‘વાર્તાનંદ’ : સંપાદકીય – રાજુલ ભાનુશાલી

બત્રીસ જાતનાં પકવાન અને છત્રીસ જાતનાં ફરસાણ વિશે વાતો  ગમે એટલી કરીએ પણ ભૂખ ભાંગશે? સ્વાદ આવશે? પોષણ મળશે?

ના.. એ માટે પકવાન આરોગવા પડે.

‘વારતા’નું પણ એવું જ છે. 

માણસ વાર્તા કહેતો અને વાર્તા સાંભળીને હોંકારા ભણતો ક્યારથી થયો હશે?

આદિમ મનુષ્ય પાસે જ્યારે ભાષા નહોતી ત્યારે પણ એ પોતાની વાત કોઈક રીતે તો અન્યો સુધી પહોંચાડતો જ હશેને? એ તકલીફમાં રડતો હશે અને રાજીપામાં હસતો હશે. આ વાતો પોતાના સાથીઓ સુધી પહોંચાડવાના પ્રયત્નમાં જાણે અજાણે એના  ભાવકથનમાં કલ્પનાના રંગો ઉમેરાયા હશે ત્યારે એની અભિવ્યક્તિઓ વધુ તીવ્ર બની હશે. એ તીવ્રતા રાજીપામાં આનંદની કિકિયારીઓ બનીને ભળી હશે અને તકલીફમાં પીડાના ઉંહકારા બની ગઈ હશે. આમ ‘વાર્તારસ’ નામના તત્વનું અવતરણ  થયું હશે. એ રીતે જુઓ તો વાર્તા કહેવા અને સાંભળવાનો આ રસ મનુષ્ય જાતિ જેટલો પ્રાચીન છે.

વાતમાં રસ હોય તો કહેનાર  તો જલસો પડે જ પરંતુ સાંભળનાર માટે પણ એ અનુભવ આનંદદાયક સાબિત થતો હોય છે. 

અગાઉના સમયમાં ધર્મની વ્યાખ્યા તેમ જ એના પ્રચાર અને પ્રસાર માટે વાર્તાનો આશ્રય લેવાતો હતો. પૌરાણિક ગ્રંથો અને જાતક કથાઓ એના ઉદાહરણો છે. સામાજિક વ્યવસ્થા થતા નીતિ અને ઉપદેશ માટે પંચતંત્ર જેવી વાર્તાઓની આખી સૃષ્ટિ રચવામાં આવી છે.  વ્યક્તિગત શૂરતા અને પ્રતાપના વિસ્તાર માટે વેતાળ પચ્ચીસી અને સિંહાસન બત્તીસી જેવી વાર્તાઓ રચાઈ છે. આજના સમયમાં પણ સામાજિક સિદ્ધાંતો, રાજનીતિક બાબતો કે પછી  પ્રજા હેતુક અન્ય સંદેશાઓના પ્રસારાર્થે વાર્તા કે પછી ફિલ્મો કે નાટકોને  માધ્યમ બનાવવામાં આવે છે. એ વાર્તાકથનનો જ  પ્રકાર છે. આમ વાર્તા કથન એક સબળ અને મહત્વનું સાધન છે. 

રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ કહ્યું છે કે વિષય કે ઘટના ભલેને એક જ હોય, પણ પણ જુદાં જુદાં માથા એના પરથી જુદી જુદી અનેક વાર્તા આલેખી શકે.

એક સાવ સાદું ઉદાહરણ જોઈએ. 

ધારોકે કે તમે કશેક બહાર ગયા હતા. ઘરમાં તમારા બે બાળકો અને એમના દાદા દાદી હતાં.  તમે પાછા આવ્યા ત્યારે ઘરનું વાતાવરણ વિચિત્ર રીતે શાંત છે જે કશુંક બની ગયાની ચાડી ખાય છે. તમે જુઓ છો કે સેંટર ટેબલ શોભાવતી ફૂલદાની તૂટેલી પડી છે. તમે સમજી જાઓ છો કે બાળકો ઝઘડ્યા છે. પૂછવા પર તમારા એક બાળકના મુખે એની એક કથા હશે, બીજાના મુખે બીજી. બન્ને પોતપોતાનો વાંક છુપાવીને વાત કહેશે અથવા એમ કહો કે પોપોતાની વાર્તા ઘડશે.  જે બન્યું છે એમાં પોતાનો જરાય વાંક નથી એની ખાતરી કરાવવા એમાં પોતાના કલ્પનાના રંગો ઉમેરશે. વળી એમના દાદાદાદી જુદા એંગલથી (બાળકોને વઢ ન પડે એ રીતે) આખી વાત કહેશે.

બીજું ઉદાહરણ જોઈએ.

તમારું કિશોર વયનું બાળક મિત્રો સાથે બહાર જવા ઈચ્છે છે. એણે તમને તો પટાવી લીધા છે પણ તમારા પતિ/પત્નીની પાસેથી અનુમતિ મેળવવી અઘરી છે. બાળકે એ કામ તમારા માથે નાખી દીધું છે!તમે શું કરશો? કેવી રીતે અનુમતિ અપાવશો? કેવી કેવી આખી વાત રજુ કરશો/ વાર્તા બનાવશો વિચારો. અહીં બાળકે તમને પટાવવા માટે પણ વળી એક અલગ વાર્તા ઘડી હશે એ પણ નોંધવું રહ્યું. આપણે જાણ્યે અજાણ્યે જ રોજબરોજ  કેટકેટલી વાર્તાઓ કહેતા, સાંભળતા અને જીવતા હોઈએ છીએ નહીં! 

આ થઈ સામાન્ય જીવનની વાત. વાર્તાનું ક્ષેત્ર જીવનથીય વધુ વિસ્તૃત અને વ્યાપક છે એવું કહી શકાય કારણ વાર્તાઓ તો આકાશ અને પાતાળની પણ હોય છે. એ પર્વત, પત્થર, વૃક્ષ અને પશુપક્ષીના જીવનને પણ અપનાવે છે.

પણ એક વાર્તાકારની સામે આવેલી ઘટના કે વિચારને વાર્તારૂપમાં મૂકવું એટલું સહેલું તો નથી જ! જોકે આ અઘરા કામને અંજામ સુધી પહોંચાડવા એને ઘણા બધા પરિબળોની મદદ મળતી હોય છે. જેમકે જીવનદ્રષ્ટિ, અનુભવ, સંવેદન, કલ્પના શક્તિ  વગેરે વગેરે. સામાન્ય માણસ કરતા વાર્તાકાર ઘટના કે પરિસ્થિતિને પોતાના આગવા દ્રષ્ટિકોણથી નિહાળે છે. એનામાં વિસ્મય અને કુતૂહલ જેવા ભાવ પણ વધુ તીવ્ર હોવાના. એ દરેક વસ્તુને અલગ રીતે અનુભવે છે અને એ અનુભવ્યા બાદના એના સંવેદન એટલે કે રીએક્શન પણ અલગ જ હોય છે. વાર્તા આકાર રૂપે વાર્તકારે પોતે ઢળાવું પડે છે. એનો પહેલો પડકાર છે વાર્તાતત્વની પ્રાપ્તિ. 

આ બધા છતાં  ‘વાર્તા શું છે?’ એવા સરળ લાગતા પ્રશ્નનો ઉત્તર આપવો અઘરો છે! એનું સ્વરૂપ જ કોઈ વ્યાખ્યામાં સિમિત કરી શકાય એવું નથી. કારણ વાર્તા એ અત્યંત વ્યક્તિગત  અનુભૂતિ છે, લાગણી છે. મને જે વાર્તા ગમી એ તમને જરાય ન ગમે  એવું બને. મને જે અર્થો સાંપડે તમને એનાથી તદ્દન જુદા અર્થો પ્રાપ્ત થાય એની શક્યતા નકારી શકાય નહીં.  એને કોઈ વ્યાખ્યામાં બાંધવાના પ્રયત્ન કરવા કરતાં એના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે એ વધુ યોગ્ય રસ્તો છે.

વાર્તાને સમજવાનો પ્રયત્ન કરવો એટલે વાર્તા ‘વાંચતા’ શીખવી. એનું વિશ્લેષણ કરતાં શીખવું. પ્રમાણતા શીખવું. આ વિશ્લેષણ  એટલે શું? 

વાર્તાલેખનમાં સામાન્ય રીતે  છ અગત્યના અવયવો હોય છે, એમની સ્થિતિ તપાસવી એટલે વાર્તાનું વિશ્લેષણ કરવું.  વાર્તાના છ આવશ્યક અવયવ છે – કથાનક, પાત્રાલેખન, વર્ણન, કથોપકથન, ભાષા શૈલી અને ઉદ્દેશ્ય. વાર્તા વાંચતી વખતે એમની સ્થિતિ તપાસો, વિકાસ તપાસો. તમે વાંચો છો એ વાર્તામાં  કયા  અવયવ પર ભાર અપાયો છે.  વાર્તાકારે કોને પોતાની વાત કહેવા મુખ્ય માધ્યમ તરીકે લીધું છે. જે અવયવ માધ્યમ બન્યા હશે એ વધુ વિકસ્યા હશે. વધુ પ્રભાવશાળી અને રોચક બન્યા હશે. વાર્તાને પૂર્ણ બનાવવામાં એમનું વિશેષ પ્રદાન હશે. દરેક પાસા તપાસો. જાણો. પ્રમાણો. જો કે  અધિકાંશ વાર્તાનો ઉદ્દેશ્ય મનોરંજન જ હોય છે. પણ વાર્તા મનોરંજક પણ ત્યારે જ બને જ્યારે એના અવયવો પ્રભાવશાળી અને રોચક હશે. સનદ રહે કે માત્ર મનોરંજન માટે વાર્તા વાંચવી એ અલગ બાબત છે. અહીં વાર્તા સાથે મથામણ કરતા હોઈએ ત્યારની વાત છે. તમને શું ગમ્યું, શું ન ગમ્યું એ ચકાશો. આ ગમવા અને ન ગમવાના કારણો તારવો.  વાર્તાનું મુખ્ય તત્વ કુતૂહલ છે. કોઈ ને કોઈ સ્વરૂપે એ વાર્તામાં હાજર રહીને વાર્તાની રોચકતા વધારે છે અને આપણને આરંભથી અંત સુધી જકડી રાખે છે. જો એ હશે તો જ તમે આગળ વાંચવા પ્રેરાશો. આ પ્રક્રિયા વાંચનારના ભાવ અને સંવેદનાઓ જાગૃત થતી હોય છે જે વાર્તાની થોડુંક વધુ નજદીક પહોંચાડવામાં મદદરૂપ થાય છે.

માઇક્રોફિક્શન વાર્તા પ્રકાર વળી એક તો નવો અને ઘણા સીમાબંધનવાળો એટલે એને સમજવા માટે થોડાક વધુ સજાગ પ્રયત્ન કરવા રહ્યાં. એમાં માંડીને વાત ન કરી શકાય, આલેખવા માટે ભરપૂર અવકાશ પણ નથી મળતો. એ ‘ક્ષણ’ અને ‘ક્ષણાર્ધ’ની રમત છે.  એકથી દસ ગણવાના હોય તો માઇક્રોફિક્શન સાતથી શરૂ કરવી પડે પણ સાતથી દસ ગણતામાં એકથી સાતનો તાળો મેળવી આપે. 

ઉપર કહ્યું એમ બત્રીસ જાતનાં પકવાન અને છત્રીસ જાતનાં ફરસાણ વિશે ગમે એટલી વાતો કરીએ પણ ભૂખ નહીં ભાંગે, સ્વાદ નહીં આવે, પોષણ નહીં મળે. એ માટે પકવાન આરોગવા પડે.

તરતાં શીખવું હોય તો પાણીમાં ઉતરવું પડે એ પહેલી શરત છે.

તમારે વાર્તા લખતા શીખવી છે? તો લખતાં લખતાં શીખો અને શીખતાં શીખતાં લખો!

અસ્તુ.

– રાજુલ ભાનુશાલી

Leave a Reply to Sushma Sheth Cancel reply

Your email address will not be published.

4 thoughts on “‘વાર્તાનંદ’ : સંપાદકીય – રાજુલ ભાનુશાલી”