ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

વાંચનના વિવિધ પાસા! – ડૉ. નિલય પંડ્યા

વાર્તા વાંચવા બેસીએ ત્યારે સૌથી પહેલા તો વાચકની માનસિક સ્થિતિ સૌથી અગત્યની છે. વાંચન એ સંપૂર્ણપણે એક માનસિક ખેલ જ તો છે કારણ કે વાંચન દરમિયાનની પરિસ્થિતિ વિચારો તો સમગ્ર પરિસ્થિતિ કે પ્રક્રિયામાં એક પુસ્તક છે, જે નિર્જીવ છે અને એક વાચકનું શરીર છે જે લગભગ નહિવત હિલચાલ સાથે માત્ર એક માધ્યમ તરીકે વર્તે છે. તો આખી વાંચનની પ્રક્રિયામાં માત્ર એક મન જ છે જે જીવંત છે!

પહેલો સવાલ તો એ થાય કે વાંચીએ શા માટે છીએ? કેટલાંક લોકો ટાઇમપાસ માટે વાંચતા હોય, તો કેટલાંક વિચલીત મનને શાંત કરવાનાં હેતુથી! વળી, આજકાલ એક નવા જ વાચકવર્ગનો રાફડો ફાટ્યો છે જે સોશીયલ મીડીયા પર પોતાને ‘બુકવર્મ્સ’ જેવા વિશેષણથી નવાજવા માટે જ કેટ કેટલુંય વાંચી નાખતા હોય છે! મારા ધ્યાનમાં બહુ જ ઓછા લોકો બચ્યા છે જે ખરેખર સાહિત્યિક મનોરંજન માટે વાંચે છે.

હવે સવાલ એ છે કે વાચકની, વાંચવાનું શરૂ કરતા સમયની કે એ પહેલાની માનસિક સ્થિતિ કેમ અગત્યની છે? વાચક ક્યા હેતુથી વાંચે છે એ શા માટે અગત્યનું છે? થોડાંક ઉદાહરણો લઈએ.

હવે ઉપર કહ્યા એ હેતુઓ પૈકી જે માણસ માત્ર ટાઇમપાસ માટે કોઈ વાર્તા કે પુસ્તક વાંચવાનું શરૂ કરે ત્યારે શું થાય? આવા વાચકનું મન ક્યારેય લખાણ પર કેન્દ્રિત ન થઈ શકે કારણ કે તેનો મુખ્ય હેતુ મનોરંજનનો નહિ પણ ટાઇમ પાસ કરવાનો છે. તેનું મન સતત આસપાસની દરેક નાની મોટી બાબતોમાં ભટક્યા કરશે અને જેવું તેને ટાઇમપાસ માટે બીજું કોઈ પણ સાધન મળી જશે એ ત્યાં જતો રહેશે. હવે ટાઇમપાસ માટે વાંચવું એ કોઈ ગુનો તો નથી જ કે એ કોઈ એવું હલકું કામ પણ નથી કે જેને કહેવાતો ‘બુકવર્મ્સ’ વર્ગ હલકી કે મજાકની નજરથી જૂએ! ટાઇમપાસ માટે કોઈ વાર્તા કે પુસ્તક વાંચવું એ સર્વસામાન્ય માનવ પ્રકૃતિ છે. પરંતુ અહીં કહેવું એ છે કે આ પ્રકારનાં વાચકો તરફથી વાર્તાને મળતો પ્રતિભાવ કેટલી યોગ્ય અસર ઊપજાવી શકે? આ બાબત આગળ વધારે સ્પષ્ટ બનશે.

હવે વાત કરીએ પોતાને ‘બુકવર્મ્સ’ કહેવડાવવા માટે વાંચતા લોકોની. સૌથી પહેલા તો કહુ કે આ પ્રકારનાં વાચકોને ઓળખશો કઈ રીતે? તો જ્યારે પણ કોઈ જાતનાં સોશિયલ મીડિયામાં કોઈ પણ પુસ્તક કે વાર્તા વિશેનો પ્રતિભાવ વાંચો તો સૌથી પહેલા તેની નીચેની કમેંટ્સ ચૅક કરો! જો પ્રતિભાવ આપનાર ભાઈ કે બહેનની જ ઢગલાબંધ કમેંટ્સ અને કમેંટ્સનાં રીપ્લાય હોય તો મોટે ભાગે શક્યતા છે કે એ આ પ્રકારનાં દંભી વાચક છે કારણ કે તેને પુસ્તક કે તેના પ્રતિભાવ કરતા તેની પાછળ થતી ગલીપચી કરાવતી મસાલાથી(?!) ભરપૂર ચર્ચાઓમાં વધારે રસ છે! આ પ્રકારનાં વાચકો માટે એટલું જ કહીશ કે આ સામાન્ય માનવ પ્રકૃતિ નથી અને વિશ્વભરનાં લોકો અને ખાસ કરીને ગુજરાતીઓને તો આવા વાચકવર્ગથી સત્વરે ચેતવાની જરૂર છે!

હવે આવીએ મનોરંજન માટે વાંચતા લોકો પર. તમે જ વિચારો, ભણવાનાં પાઠ્યપુસ્તકો અને વૅકેશનમાં વંચાતી (જો કે હવે તો ભાગ્યે જ વંચાતી!) વાર્તાની ચોપડીઓ કેમ એક સરખા ઇન્ટરેસ્ટથી નથી વંચાતી? કહેવાનો હેતુ એ જ છે કે મનોરંજનનાં હેતુથી વંચાતું કોઈ પણ લખાણ વાચકનાં મન અને તેના વ્યક્તિત્વ માટે સૌથી વધારે ફળદ્રૂપ હોય છે. મનોરંજનનો અર્થ જ મનનો આનંદ છે. જ્યારે મનનાં આનંદ માટે કોઈ પણ કાર્ય થાય છે ત્યારે જ સૌથી ઉત્તમ નીપજ મળે છે!

આ ઉપરાંત પણ એક વર્ગ છે જે માત્ર અને માત્ર વિવેચનનાં હેતુથી વાંચે છે. આમ તો આ વર્ગને ‘બુકવર્મ્સ’ વાળા વર્ગનો જ એક સમાંતર ભાગ ગણી શકાય, પરંતુ એ વિશેનાં મારા વિચારોને જાણીને કદાચ કહેવાતા ‘સાહિત્યકારો’ અને ‘વાંચન રસિયાઓ’માં કોઈક નકારાત્મક જૂવાળ ફાટી નીકળે (સોશિયલ મીડિયામાં જ તો!) એ ડરથી આ વાતને અહીં જ દબાવી રહ્યો છું.

અર્થાત આ વાત થઈ વાંચન શરૂ કરતા પહેલાંની કે શરૂ કરતા સમયે વાચકની માનસિક સ્થિતિની જે વાંચન દરમિયાન અને વાંચન પછીની તેની વિચારશૈલીમાં ખૂબ, ખૂબ અને ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. ટૂંકમાં, મારા મત પ્રમાણે માત્ર મનોરંજન માટે વાંચતા વાચકો એ સૌથી આદર્શ અને લાક્ષણિક છે અને હવે પછીની ઘણી ખરી વાતો આ વર્ગ માટે જ ખરી ઊતરે છે. કહેવાનું એટલું જ કે કોઈ પણ હેતુથી વાચવું એ ગુનો કે હલકું કામ તો નથી જ પણ જો માત્ર મનોરંજનનાં હેતુથી વાંચવામાં આવે તો વાચક અને સમાજ બન્ને માટે સૌથી વધારે ફળદ્રૂપ સાબિત થઈ શકે છે!

હવે આવીએ પુસ્તક કે વાર્તા ખરેખર વાંચતા સમયની વાત પર. સૌથી પહેલા તો વાચકની લખાણ પાસેથી શું અપેક્ષા છે એ મુદ્દો સૌથી અગત્યનો બની જાય છે અને આ માટે વાચકે બિલકુલ જાણી લેવું જોઈએ કે તે જે વાંચવા જઈ રહ્યો છે એ ક્યો વાર્તાપ્રકાર છે? (પદ્યોને હાલ પૂરતા છોડી દઈએ!)

આ માટે સૌથી મહત્વનું કારણ એ છે કે દરેક વાર્તાપ્રકાર અલગ અલગ અપેક્ષાઓ લઈને આવે છે. અને સૌથી અગત્યની વસ્તુ વાચકની અપેક્ષા જ છે. વિચારો કે કોઈ ટૂંકી વાર્તા કે લઘુકથા તરફથી એક વાચક તરીકે તમે શું ઈચ્છો? પહેલું તો એ કે એક બેઠકમાં વંચાઈ જાય અને શાર્પ પ્લૉટમાંથી કોઈક સુંદર લાગણીસભર વાર્તા ઊપસી આવે. હવે માની લો કે કોઈ પણ કારણસર એ વાર્તા થોડી લાંબી નીકળી કે એક બેઠકમાં પૂરી ન કરી શકાઈ તો એ ગમે તેટલી સારી વાર્તા હશે, પણ એ પોતાની સંપૂર્ણ ઇફૅક્ટ વાચકનાં મન ઉપર નહીં ઊપસાવી શકે! આપણે કેટલાંય લોકોને કેટલીયે ફિલ્મો વિશે કહેતા સાંભળ્યા જ છે ને કે, “આમ તો ફિલ્મ સારી હતી, પણ થોડી વધારે જ લાંબી ખેંચી છે!” આ પણ એ જ વાતનું એક ઉદાહરણ છે. આથી મારા મતે કોઈ પણ લંબાઈની વાર્તા વાંચતા પહેલા વાચકે એ વિશે જાણી લેવું ખૂબ જ આવશ્યક છે. આ વાત નવલકથાથી લઈને માઇક્રોફિક્શનને પણ એટલી જ લાગુ પડે છે.

આમ, પહેલી વાત, શાંત ચિત્તે માત્ર મનોરંજનનાં હેતુથી કરાતું વાંચન અને બીજી વાત, વાર્તા પાસેથી વાચકની અપેક્ષા અને એ મુજબની જ વાર્તાની લંબાઈ! હવે આગળ વધીએ.

ત્રીજી સૌથી મહત્વની વાત છે વાર્તાનાં પ્રતિભાવો. કોઈ પણ વાર્તા પાસે કોરું મન લઈને જ જવું. એ વાર્તાને કે લેખકને મળેલા ગમે તેટલા હકારાત્મક કે નકારાત્મક – કોઈ પણ જાતનાં પ્રતિભાવો પર શક્ય એટલો ઓછો વિચાર કરવો કારણ કે જરૂરી નથી કે એ લાખોમાંથી એક પ્રતિભાવ પણ ઊપરનાં બન્ને પરિબળોની લાક્ષણિક સ્થિતિમાં અપાયેલો હોય! જો કે આ ત્રીજાં પાસાને અનુસરવું ખરેખર મુશ્કેલ છે, છતાં પ્રયત્ન કરતાં ઘણી ખરી સફળતા મળતી હોય છે.

વાર્તા વાંચવા દરમિયાનનું એક અન્ય અગત્યનું પાસું છે – મનની સરળતા! વાર્તા કોઈ પણ જાતનાં માનસિક દબાણ વગર વંચાવી જોઈએ. જેમ કે માની લો કે કોઈ વાર્તા વાંચવાની શરૂઆત કરો અને પાંચ જ મીનીટમાં કંટાળો આવવા માંડે તો પરાણે, વાંચવા ખાતર કે પૂરી કરવા ખાતર ક્યારેય ન વાંચવું. જ્યાં કંટાળો આવે ત્યાં જ બંધ કરી દેવું. શક્ય છે કે થોડા સમય કે દિવસો પછી એ ફરી વાંચવાની ઈચ્છા થાય અને ગમે પણ ખરી! આ વાતનાં મેં હજારો ઉદાહરણો જોયા પણ છે અને જાત અનુભવ પણ કર્યો છે. વળી, બીજી વખત વાંચવાની ઈચ્છા ન પણ થાય તો પણ કંઈ ખોટું નથી. ખૂબ વખણાયેલી વાર્તામાં પણ કંટાળો આવે તો મૂકી દેવી પણ પરાણે ન વાંચવું અને મનને સરળ રાખવું ખૂબ જરૂરી છે. એ પણ બની શકે કે શીર્ષક જોઈને જ ન ગમે તો વાર્તા ન વાંચવી!

હવે છેલ્લી બે મહત્વની વાતો. પહેલી તો એ કે વાર્તાઓ અને કોઈ પણ સાહિત્ય એ પહેલા કળા છે અને ત્યાર પછી વ્યવસાય હોઈ શકે. શક્ય હોય ત્યાં સુધી ક્યારેય વ્યવસાયને કે વિવેચક તરીકેનાં ઇગોને કળા ઉપર હાવી ન થવા દેવો. માત્ર વિવેચન કે અન્ય કોઈ પણ વ્યાવસાયિક હેતુથી વંચાયેલું સાહિત્ય મોટે ભાગે ઉપર વર્ણવેલા લાક્ષણિક પરિબળોમાં બંધબેસતું નથી હોતું. અને છેલ્લે, ક્યારેય પણ, કોઈ પણ વાર્તા વિશે ઊતાવળિયો પ્રતિભાવ ન આપવો! ગમેલી કે ન ગમેલી ઉપરાંત અધૂરી છોડાયેલી વાર્તાઓનો પણ તરત પ્રતિભાવ કે વિશ્લેષણ ન આપી દેવું. મનને શાંત થવા દેવું. જેમ ઘણી વખત એવું થતું હોય છે કે કોઈની સાથે ઝઘડો પૂરો કરીને ઘરે પહોંચ્યા પછી યાદ આવે કે સાલું, પેલુ તો કહેવાનું રહી જ ગયું. આવું જ વાર્તાઓનાં પ્રતિભાવો માટે પણ બનતું હોય છે આથી ઊતાવળિયો અને સૌથી પહેલો પ્રતિભાવ માત્ર પોતાનાં સુધી જ સીમિત રાખવો.

અંતમાં ફક્ત એટલું કહીશ કે આ લેખ વાંચ્યા પછી અહીં વર્ણવેલા પરિબળોને વાંચનમાં ઊતારવા માટે પણ પોતાનાં મનને ક્યારેય ફોર્સ ન કરવો. મનની કુદરતી અવસ્થા જ સૌથી વધુ ફળદ્રૂપ હોય છે અને મનની સરળતા જ છેવટે તો અગત્યની છે. કેટલીક મર્યાદાઓને લીધે ઘણી બધી બાબતો લખવાનું ટાળ્યું પણ છે. ભવિષ્યમાં ફરી મોકો અને અનૂકુળતા મળશે તો વધારે ઊંડાણમાં માનવ મનનું જરૂર ખોદાણ કરીશું.

Leave a comment

Your email address will not be published.

One thought on “વાંચનના વિવિધ પાસા! – ડૉ. નિલય પંડ્યા”