ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

માઇક્રોફિક્શન વિષેની ગેરસમજ – ગોપાલ ખેતાણી

૧) અંત

માઇક્રોફિક્શનનો અંત જ તેને લઘુકથાથી અલગ પાડે છે, પણ ઘણાં ખરા લેખકો અંતને ચોટદાર કે રહસ્યમય બનાવવાના પ્રયાસમાં પરાણે વાર્તાને અંતે અસહજ ચમત્કૃતી આપે છે.

ઘણી વાર વાર્તાના અંતે, છેલ્લા વાક્યમાં જ પ્રશ્નાર્થ ઊભો કરી વાર્તા સમાપ્ત (?) કરી દે. ઉદાહરણ – અને સલોનીએ આ શું જોયું અરિસામાં? શું જમનામાએ કાગળ વાંચ્યો હતો? શેઠ નીકળ્યા અને ફોન વાગ્યો. એ અજાણ્યો ફોન કોનો હતો? વગેરે વગેરે.

માઇક્રોફિક્શનમાં વિકલ્પ હોવા જરૂરી છે એ વાર્તાના અંતે હોય એ જરૂરી નથી. એ વચ્ચે પણ આવી જ શકે. વાર્તા વાંચ્યા બાદ વાચકના મનમાં વિકલ્પો હોવા જોઈએ એ જરૂરી છે. લેખક વાચકને સાવ મઝધારે છોડી દે તો વાચક વાર્તાને જ છોડી દેશે.

૨) વર્ણન

માઇક્રોફિક્શનમાં વર્ણનને જરા પણ અવકાશ નથી એ પણ એક ગેર સમજણ છે. જ્યાં જેટલું જરૂરી હોય તેટલું ઓછા શબ્દોમાં વર્ણન કરવું જરૂરી બને છે. વાર્તાન વિષય અનુસાર થોડા શબ્દોમાં સચોટ વર્ણન વાર્તાને નવી ઉંચાઈ બક્ષે છે.

૩) પાત્રો

ઘણાંને એવું લાગે છે કે પાત્રોથી ભરેલી વાર્તા હોવાથી રોમાંચ અને વિક્લ્પ બન્ને મળશે. પણ માઇક્રોફિક્શનમાં એટલું વિશાળ ફલક છે જ નહીં કે તમે વધુ પાત્રોને સમાવી શકો. જેટલા ઓછા પાત્રો હશે તેમ વાચક વાર્તા સાથે સારી રીતે કનેક્ટ થઈ શકશે.

૪) શબ્દો

ગમે તેમ કરી, ટૂંકાવીને પચાસ – સો શબ્દોમાં માઇક્રોફિક્શન લખી દઊં એવી પણ એક ગેર સમજ છે. છ શબ્દોથી ત્રણસો શબ્દો સુધી માઇક્રોફીક્શન લખી શકાય છે. વાર્તાના વિષય, પાત્રો અને તાણાવાણા પર શબ્દસીમાનો આધાર હોય છે. એક પણ શબ્દ વધુ ન હોય એ માઇક્રોફિક્શનનો આધાર છે પણ ગળે ન ઉતરે એવી રીતે કાચી બનાવેલી સાહિત્ય સામગ્રી પણ માઇક્રોફિક્શન નથી જ!

૫) લાગણી

લાગણીઓમાં એક દમ તરબતર કરેલી રચનાઓ પણ માઇક્રોફિક્શન તો છોડો વાર્તા પણ નથી હોતી. એ ફકત આલેખન છે. બિચારા વૃધ્ધ માબાપ, સાસુનો ત્રાસ, દહેજ, દીકરી તરફનો અણગમો, ભ્રષ્ટાચાર, લગ્નેતર સંબંધ વગેરે જેવા એક દમ ચવાઈ ગયેલા વિષયને લાગણીનો ઓવરડોઝ આપીને જે રજૂ કરાય છે (દયાને પાત્ર બનાવી વાહ વાહ મેળવવા!) એમાં પ્રસ્તુતીનું નાવીન્ય હોતું જ નથી અને વાર્તા તત્વ શોધ્યે જડતું નથી,

૬) કટાક્ષ / રમૂજો

કટાક્ષ અને રમૂજ બનાવીને જે આલેખન કરાય છે એને માઇક્રોફિક્શનમાં ખપાવી દેવાનો ભરપૂર પ્રયાસ કરાય છે. પણ એ આલેખનમાં પણ વાર્તા તત્વનો તદ્દ્ન અભાવ હોય છે. વળી કેટલાક આલેખનમાં તો તદ્દન છીછરાપણાનો પણ અહેસાસ થાય છે.

– ગોપાલ ખેતાણી

Leave a comment

Your email address will not be published.

9 thoughts on “માઇક્રોફિક્શન વિષેની ગેરસમજ – ગોપાલ ખેતાણી”