ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

વિડિયો પ્રોમ્પ્ટ પરથી શીઘ્ર માઇક્રોફિક્શન લેખન

This is the only bird which dies along with the partner when the partner dies! The bird is called ‘Thookkanam kuruvi’ in Malayalam. Amazing creation of nature! Such unconditional love!

ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક:

“થુંક્કુંનામ કુરવી” નામના પક્ષીની જોડીમાંથી એક મૃત્યુ પામે એટલે તરત બીજું પણ જીવ છોડે તેવો વિડિયો જોતાંની સાથે જ સંજયે બે મહિના પહેલાં મૃત્યુ પામેલ પત્નીના વોટ્સએપમાં એ વિડિયો ફોરવર્ડ કરી નીચે લખ્યું “સૉરી…”

અંકુર બેંકર:

બબુના પક્ષીના વાયરલ થયેલા વિડિયોમાં એક સાથીદારની પાછળ બીજાને મરતાં જોઈ પોતાની હયાતીના ઊઠેલા પ્રશ્નનો જવાબ શ્વેતાને નાનકડા આર્યનના સ્મિતમાં મળી ગયો.

ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક:

એક બૉયફ્રેન્ડ સાથે આઈસક્રિમ ખાઈ બીજાની જોડે કૅન્ટીનમાં મસ્તી કરી કોલેજમાંથી નીકળતી સોનીને અઢળક પ્રેમ કરતા સુનિલે એકબીજાની સાથે મરી જતા “થુંક્કુંનામ કુરવી”નો ઇમોશનલ વિડિયો મોકલ્યો.

અર્ધો વિડિયો જોઈને બંધ કરી મોંમાંની ચ્યુઇંગમ થૂંકતાં એણે રિપ્લાય ટાઈપ કર્યો -થેન્ક ગૉડ! હું પક્ષી નથી….

ભારતીબેન ગોહિલ:

ઘડીકમાં સાવ અનાથ થઈ ગયેલ “થુંક્કુંનામ કુરવી” પક્ષીઓનું બચ્ચું હાલરડાં ગાઈ નાનાં બાળકને ઘોડિયામાં સુવડાવી રહેલ બાપ સામે તાકી રહ્યું!

જિગ્નેશ અધ્યારૂ: 

વાઇરલ થયેલા વિડિયોમાં મૌલિકે જોયું કે જોડીમાંના એક પક્ષીનો જીવ જાય તો બીજું જીવ છોડે એટલો પ્રેમ એ બંને વચ્ચે હોય છે. એણે ઈશિતાને પૂછ્યું, “તને શું લાગે છે? લતિકા મારી પાછળ આવું કરે?”

ઈશિતા મનમાં બોલી, “તો તો એ અત્યાર સુધી હજારવાર મરી ચૂકી હોત..”

જિગ્નેશ અધ્યારૂ: 

જોડીમાંના એક પક્ષીનો જીવ જાય તો બીજું જીવ છોડે એવો વાઇરલ થયેલ વિડિયો પૂરો થયો એટલે મૌલિકે ઈશિતાની આંખોમાં જોયું.

મનનાં ભાવ આંખોમાં ઝાકળ બનીને ઊપસે એ પહેલાં ઈશિતા નજર ફેરવી ગઈ. બંને એકલાં પડેલાં પક્ષીઓ પોતપોતાના માળાને ઝંખી રહ્યાં.

જિગ્નેશ અધ્યારૂ: 

જોડીમાંના એક પક્ષીનો જીવ જાય તો બીજું વિરહમાં જીવ આપી દે એવો લવના ઇમોજી સાથે પ્રકાશે મોકલેલ વિડિયો રોહનને મોકલતાં લતિકા મનમાં બોલી, “..ને આ નવું પંખી પણ મારી જાળમાં ફસાયું જ સમજ.”

રોહને પણ એ વિડિયો લવના જુદા જુદા રંગના ઇમોજી સાથે આગળ ધપાવ્યો ને એ વિડિયો પ્રદક્ષિણા પૂરી કરવામાં જ હતો પણ કોઈ એ કળી શક્યું નહીં.

પારસ એસ. હેમાણી:

જોડીના એક પક્ષીનો જીવ જાય તો બીજું તરત જીવ છોડે એવો “થુંક્કુંનામ કુરવી” પક્ષીનો વિડિયો જોઈ, સર્વેશના મનમાં એક અણગમતી યાદ પસાર થઈ ગઈ, ફિક્કું હસી ટેબલ પર મોબાઇલનો ઘા કર્યો ને મનોમન બોલી ઊઠ્યો: “આ શું વેવલાવેડા છે!”

હીરલ વ્યાસ ‘વાસંતીફૂલ’:

શ્યામાને સવારે જ જોયેલો ‘થુક્કુંનામ કુરવી’ નામના પક્ષીનો વિડિયો યાદ આવ્યો, જેમાં જોડીમાંના એક પક્ષીનો જીવ જાય તો બીજું તરત જીવ છોડી દે એવું બતાવતું હતું.

અભયે એક સાંજે પારિજાતના વૃક્ષ નીચે શ્યામાનો હાથ હાથમાં લઈને કહ્યું હતું, “હું તારા વગર એક ક્ષણ પણ નહિ જીવી શકું.” એ વાતના બે મહિના પછી જ અભય કોઈ એન.આર.આઈ છોકરીને પરણી ગયો હતો અને અત્યારે એનો ફેસબુકનો પ્રોફાઈલ પિક શ્યામાની સામે હસતો હતો.

Leave a comment

Your email address will not be published.

One thought on “વિડિયો પ્રોમ્પ્ટ પરથી શીઘ્ર માઇક્રોફિક્શન લેખન”