ગુજરાતી સાહિત્યજગતમાં માઇક્રોફિક્શન વાર્તાપ્રકારને પ્રસારિત અને પ્રસ્થાપિત કરવાના ઉમદા હેતુ સાથે સર્જાયેલ ‘સર્જન’ વોટ્સએપ ગૃપ દ્વારા પોતાના ઉદ્દેશને સાકાર કરવાના પ્રયત્નરૂપે ગુજરાતના વિવિધ શહેરોની લાઇબ્રેરી સાથે મળી માઇક્રોફિક્શન વાર્તાના પઠન, માહિતી અને સમજણ અંગે વિગતે ખ્યાલ આપતા કાર્યક્રમો “માઇક્રિફિક્શનની મહેફિલ”ના નામે યોજાઈ રહ્યા છે. રાજકોટ – લૅંગ લાઇબ્રેરી, સુરેન્દ્રનગર- સરકારી પુસ્તકાલય, ભરૂચ – કે. જે. ચોક્સી પબ્લિક લાઇબ્રેરી, સુરત – રાષ્ટ્રીય કલાકેન્દ્ર, નવસારી – સયાજી વૈભવ લાઇબ્રેરી, ભુજ – વિજય લાઇબ્રેરી અને રોટરી ક્લબ ઑફ ભુજ ફ્લેમિંગો, મુન્દ્રામાં ભારત વિકાસ પરિષદ, આદિપુરમાં – સિન્ક્રોની એકેડેમી અને ઉત્સવ ગૃપ, રાજકોટ – દત્તોપંત ઠેંગડી પુસ્તકાલય ખાતે યોજાયેલી માઇક્રિફિક્શનની મહેફિલોને ઉપસ્થિતોનો બહોળો પ્રતિસાદ સાંપડ્યો.






આ કાર્યક્રમોમાં માઇક્રોફિક્શન વાર્તાપ્રકારના ઉદ્ભવ વિષે, આપણા ભારતીય સાહિત્યમાં રહેલાં તેના મૂળ, તેના બંધારણ, ગુજરાતી સાહિત્યમાં તેની ઉપકારકતા, ખૂબ જાણીતી અંગ્રેજી માઇક્રોફિક્શન વાર્તાઓ વાંચીને તેમાં પોતાનો દૃષ્ટિકોણ સમજાવી ખૂબ વિસ્તારપૂર્વકની માહિતી અને સમજણ શ્રોતાજનો સમક્ષ વહેંચવામાં આવી. તદુપરાંત, અન્ય ભાષાની માઇક્રોફિક્શન વાર્તાઓનો ગુજરાતી અનુવાદ અને સોશિયલ મીડિયામાં ખૂબ જાણીતી થયેલી સ્વરચિત માઇક્રોફિક્શન વાર્તાઓનું રસપૂર્ણ પઠન કરી વાર્તાઓને અંતે ઊઠતી આહ અને વાહની સરવાણીમાં ઉપસ્થિત સૌ કોઈ રસતરબોળ થયાં.