જીવણલાલે ધૂંધવાઈને ઝાંપલી બહાર નેજવું કર્યું. થોડાક દિ’થી એમનું મન ગોઠતું ન’તું. પો ફાટતાં પાણીયારું સળગી ઊઠે. બહાર વાડામાં ડંકી ઢેંચૂંક ઢેંચૂંક કરીને એમને ચીડવે. પરસેવાથી લથબથ જીવણલાલ ચલમ ફૂંકે અને શ્વાસના અંગારા છાતીના ધમણ ધમધમાવે.

“ચંપારાણી, ઘરમાં સો કી ના?”

જીવણલાલના હાકોટાનો પડઘો આંગણાના કૂવા મહીં લટાર મારીને લાગલોજ એમની છાતીમાં પછડાયો. એમનું ગળું સૂકાયું. ચલમ ભૂરાઈ થઈને દઝાડવા લાગી. ગામની સ્ત્રીઓએ હડી કાઢી નદી ભણી. પણ કોરીકટ્ટ માવડી આપેય શું? પણ ચંપાની ગાગર તો છલકતી!

ગાગર માથે મેલી ચંપાએ ઘરની વાટ પકડી તો પરભુમુખિયાએ એને આંતરી.

“બીજું બધું તો ઠીક પણ આ ગાગરને કેમ બચાવવી?” વિચારતી ચંપાનો જીવ દૂરથી આવતા ભરથાર જીવણલાલને જોઈને લાલચોળ થઈ ગયો,

“મૂઆ, રોજની જેમ આજેય ખાટલી પર પડી રહેતા શું થાતું’તું?”

એમ બબડતી, ગાગર હેઠી મેલી સૂક્કા હોઠે મુખિયા સામે ભીનું મલકતી બોલી, “આમ મને શું જુઓ છો?”    અને છલોછલ ગાગર બચી ગઈ. આજે પણ…

3 thoughts on “ગાગરમાં સાગર – પારૂલ મહેતા”

  1. So beautifully expressed the internal feeling of each character of the story….and typical words of Gujarati still used in villages….👍👌👌👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *