ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

છળ – એકતા દોશી

“તારી સાથેના લગ્ન મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી.”  ખુશ્બૂ ગુસ્સામાં બોલી.

“કોઈએ પરાણે પરણાવી હતી? ફક્ત મારા કાકાએ તારી ઈચ્છા પૂરી કરવામાં સાથ આપ્યો છે. બાકી બધાં તો વિરોધમાં હતાં.” સૌરભે શાંતિથી જવાબ આપ્યો.

“અને તું” ખુશ્બૂના અવાજમાં પીડા છલકી ઊઠી.

“હું તો કાકાનો દરેક હુકમ માનું છું.” સૌરભ નિર્લેપ બની રહ્યો.

સૌરભનો જે નિસ્પૃહ સ્વભાવ ખુશ્બૂ માટે આકર્ષણનું કારણ બન્યો હતો તે સ્વભાવ આજે તેને દઝાડી રહ્યો. સાંજે અચાનક ખુશ્બૂએ ઓરડામાં આવતાં જોયું તો કાકા અને સૌરભ બંને પોતાના કપડાં પહેરતા હતા.

પાત્રાલેખન : “ન હન્યતે”ની અમૃતા – એકતા દોશી

૧૯૧૪માં એક ઉચ્ચ બંગાળી વિદ્વાનના ઘરે મારો જન્મ. અમારા ઘરમાં પહેલેથી જ સાહિત્ય અને કલાનું વાતાવરણ હતું, રવીન્દ્રનાથ ટાગોરની મારા ઘરે આવન-જાવન હતી અને અમે પણ શાંતિનિકેતનમાં જઈ એમની પાસે રોકાતાં. આ કારણોથી જ કદાચ હું પણ વિદુષી ગણાતી. બહુ નાની ઉંમરે કવિતા રચતી થઈ ગયેલી. રવીન્દ્રનાથ ટાગોર મારો પ્રથમ પ્રેમ હતા તેવું એ કહેતો, એ એટલે મિર્ચા યુકલીડ્સ. હું ત્યારે એક મુગ્ધા હતી. મોટી આંખો, લાંબો-કાળો કેશકલાપ, શ્યામલ વર્ણની નાજુકશી હું સુંદર ગણાતી. સોળ વર્ષની હતી ત્યારે મિર્ચાને પ્રથમવાર મળી, મળી તો શું – એણે મારા ઘરના એક ઓરડા ઉપર કબજો જ કરી લીધો; અને ધીરે ધીરે મારા દિલ ઉપર પણ. મિર્ચા યુકલીડ્સ એક ફ્રેન્ચ હતો જે મારા પિતાજી પાસે ભણવા આવ્યો હતો. બંગાળી વાતાવરણમાં એક વિદેશી ગોરો પડછંદ યુવાન આવી ભળી રહ્યો હતો. સ્વાભાવિક રીતે હું એની તરફ ઢળી રહી.

Leave a comment

Your email address will not be published.