ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

મુક્તિબંધન – આલોક ચટ્ટ

ધીરે ધીરે એની આંખો ખૂલી. માથું અને શરીર અસહ્ય વેદનામાં હતાં, જાણે ઠેકઠેકાણે વાગ્યું હોય. તેણે આખા શરીરે હાથ ફેરવ્યો પણ ક્યાંય કંઈ વાગ્યાની નિશાની દેખાય નહીં. જેમતેમ હિંમત એકઠી કરીને તે બેઠો થયો.

સામેનો નજારો જોઈને તેની આંખો અને હોઠ વિસ્મયથી ખુલ્લાં જ રહી ગયા. બધી જ પીડા અદ્રશ્ય થઈ ગઈ. નસેનસમાં લોહીની ગતિ અનેક ગણી વધી ગઈ. એ જ જગ્યા, એ જ નીરવ શાંતિ, એ જ એકાંત હતું જેને તે વરસોથી ઝંખતો હતો. જેનાં માટે દિવસ-રાત ટળવળતો હતો. પગ પખાળીને આગળ વધતું નિર્મળ પાણીનું ઝરણું, ચારેકોર ખીલેલી વનરાજી, લીલુંછમ ગાઢ જંગલ, તેની પેલે પાર સફેદ ચાદર ઓઢેલા પહાડો અને નિસર્ગ સિવાય એક પણ અવાજ નહીં. તેની આંખો અને હૃદય પરમતૃપ્તિમાં તરબોળ થઈ ગયાં. આ બધું જ પોતાની અંદર ભરી લેવા તે અધીરો બની ગયો અને આમથી તેમ દોડવા લાગ્યો. એક એક વસ્તુને પોતાના હાથથી સ્પર્શવા લાગ્યો. સ્પર્શે સ્પર્શે અભિભૂત થતો ગયો. પત્નીની બીમારી, દીકરીના લગ્ન, દીકરાનું એડમિશન, ઓફિસના લક્ષ્યાંકો, બધું જ ભૂલી જવા લાગ્યો. અંતરમનનાં ઊંડાણમાંથી તેને અવાજ સંભળાયો “બસ આ એ જ છે…એ જ છે…!”

“બીપ બીપ… બીપ બીપ….” કાંડાઘડિયાળના કર્કશ ઍલાર્મથી તેની આંખ ખૂલી. એ અવાજથી તેને સખત નફરત હતી. તેણે કાંડા ઘડિયાળને ફેંકવાની કોશિશ કરી પણ ન ઉતારી શક્યો. લાલચટ્ટાક માટીવાળી પથરાળ જમીન પર તે સૂતેલો હતો. આસપાસ જોયું તો સાવ અલગ જ દુનિયા હતી. કાળા વાદળો, પીળી નદી, ઝેરી વૃક્ષો, જ્યાં સ્પર્શે ત્યાં ફૂગ અને માથું ફાડી નાખે તેવી દુર્ગંધ જાણે કે હજારો મૃતદેહોનું માંસ એકસાથે બળી રહ્યું હોય. ફરતી બાજુ ભયાવહ દ્રશ્યો જોઈને મનમાંથી ઉબકો ઉઠ્યો, “આ એ જ છે? જેના માટે તું બધી જવાબદારીમાંથી છટકી જવા માગતો હતો?” અનેક વિચારોથી તેનું માથું ફરવા લાગ્યું. તેને હવે ઘરે ભાગી છૂટવું હતું પણ ક્યાંય કોઈ રસ્તો દેખાયો નહીં અને આંખે અંધારા આવી ગયા.

‘બીપ બીપ….બીપ બીપ…’ તેણે આંખ ઉઘાડવાની બહુ કોશિશ કરી પણ આંખો ખોલી ન શક્યો. કાને દીકરાનો અધકચરો અવાજ પડ્યો.

“મમ્મી, શું કહ્યું ડૉકટરે..? પપ્પા બચી તો જશે ને?”

Leave a comment

Your email address will not be published.