ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

પત્રકાર અને લેખક આશુ પટેલ સાથે વાર્તાલાપ

આશુભાઈ પટેલ

મયુરિકા લેઉઆ : આપના શરૂઆતના જીવન વિશે થોડું જણાવશો.

આશુ પટેલ : જામનગર જિલ્લાનાં એક નાનકડાં ગામનાં ખેડૂત પરિવારમાં મારો જન્મ થયો હતો. એટલે સ્વાભાવિક રીતે નાનપણમાં ખેતી કામ કર્યું. ગામમાં અમારી એક દુકાન હતી. ગામમાં નાનકડી દુકાન હોય ત્યાં બધું જ મળી રહે. પાન-સોડાથી માંડીને કટલરી-અગરબત્તી સુધીની તમામ આઈટમો મેં એ દુકાનમાં વેચી છે. આ તો ઠીક, કોઈની સાઈકલમાં પંક્ચર થયું હોય તો એ પણ અમે સાંધી આપતા.

મયુરિકા લેઉઆ : આ અગરબત્તી અને કટલરીથી કલમ સુધી કઈ રીતે પહોંચ્યા?

આશુ પટેલ : અમારા ગામથી થોડે દૂર એક સંત રહેતા હતા. તેમનું નામ, હરદાસબાપુ. સમય મળે ત્યારે હું ત્યાં જઈ ચડું. તેઓ એકદમ નાનકડી ઝૂંપડીમાં રહેતા હતા, જેને ગામલોકો મઢૂલી કહેતા હતા! ત્યાં રામસાગર, તબલાં અને ઢોલકી જેવા કેટલાક વાજિંત્રો હતા. હરદાસબાપુની છબી આજે પણ મારા માનસપટ પર અંકિત થયેલી છે. તેમના વિશે કહેવાતું કે તેઓ ખૂબ શ્રીમંત વ્યક્તિ હતા અને તેમની સેંકડો વીઘા જમીન હતી, પણ એ બધું છોડીને તેમણે વૈરાગી જીવન અપનાવી લીધું હતું. હું તેમની પાસે જતો ત્યારે તેમની પાસે ગંગાસતીના અને બીજા સંતોના ભજનો સાંભળતો. તેઓ રામસાગર વગાડતા-વગાડતા ભજનો ગાતા હોય અને હું મને આવડે એવી રીતે ઢોલકી વગાડું. પણ તેઓ ગાતા હોય ત્યારે ઘણીવાર એવું બનતું કે હું ઢોલકી વગાડવાનું ભૂલી જતો. અને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગતા. એ અલૌકિક અનુભૂતિ હતી. તેમની પાસેથી ઘણી પૌરાણિક કથાઓ સાંભળવા મળતી. એ વર્ષોમાં હું મારા દાદાને રામાયણ અને મહાભારત જેવા ગ્રંથો વાંચીને સંભળાવતો. તેઓ અભણ હતા, પણ મને ઘણી પૌરાણિક વાતો કહેતા. મારા પિતા પણ અભણ હતા. પણ મારા દાદા અને પિતા પાસેથી મેં ઘણી બોધકથાઓ સાંભળેલી. એ સમયગાળામાં આ બીજ વવાયું.

મયુરિકા લેઉઆ : આપને લેખનકાર્ય માટે કોઈ ખાસ પ્રકારના માહોલની જરૂર પડે?

આશુ પટેલ : હું કોઈ પણ જગ્યાએ લખી શકું. મેં ડેડલાઈન્સ સાચવવા સ્મશાનમાં સળગતી ચિતા સામે પણ લખ્યું છે, ટ્રેનમાં પણ લખ્યું છે અને ફ્લાઈટમાં પણ લખ્યું છે. એકવાર એક મિત્ર હોસ્પિટલમાં ગંભીર હાલતમાં હતો અને એ સમય દરમિયાન ‘સંદેશ’માં મારી અંડરવર્લ્ડ પરની ડોક્યુ-નોવેલ ‘વિષચક્ર’ ચાલતી હતી. એની ડેડલાઈન સાચવવા મેં રાતે એ મિત્રને ઊંઘ આવી ગઈ એ પછી તેના બેડની બાજુમાં બેસીને ‘વિષચક્ર’નું પ્રકરણ લખ્યું હતું!

મયુરિકા લેઉઆ : આજના ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજીના યુગમાં વાર્તાઓ અને લેખો લખવા માટે ઇન્ટરનેટ કેટલું ઉપયોગી અને ઉપયુક્ત છે?

આશુ પટેલ : દેખીતી રીતે આર્ટિકલ્સ લખવાનું સરળ બન્યું છે પણ મિસઈન્ફોર્મેશનથી બચવા માટે ખૂબ તકેદારી રાખવી પડે. દાખલા તરીકે, મીટુ મુવમેન્ટ જેવા મુદ્દા વિશે ગૂગલ પર ઓનલાઈન માહિતી મેળવીને આર્ટિકલ લખો તો એકવાર ચાલે. પરંતુ ગંભીર મુદ્દાઓને આ રીતે છીછરાં સંશોધનો બાદ કાગળ પર ન જ ઉતારી શકાય કારણ કે ઓનલાઇન માહિતીની ઉલટ-તપાસ કર્યા વગર એને સાચી જ માની લેવાની નવા લેખકો ભૂલ કરી બેસતા હોય છે. મારી વાત કરું તો, ૧૨૦૦ શબ્દોના મારા લેખ માટે મેં ૨૦૦ કલાકની મહેનત કરી હોય એવું પણ બન્યું છે. કોઈ ઇન્ફોર્મેટિવ લેખ લખવો હોય તો ઊંડાણપૂર્વકનું રિસર્ચ કર્યા પછી જ લેખ મોકલવાનો આગ્રહ ધરાવું છું. પછી ભલે એના માટે દિવસો કેમ ન લાગી જાય! અમુક ખાસ વિષયો માટે હું ઇન્ટરનેટ પર તો કલાકો ગાળું અને જે-તે ક્ષેત્રની એક્સ્પર્ટ વ્યક્તિને કોલ્સ કરું. જેમ કે અવકાશવિજ્ઞાનને લગતો લેખ લખવો હોય તો મારી રીતે નેટ પર ખૂબ માહિતી મેળવું. અને પછી પ્રખ્યાત સાયન્ટિસ્ટ અને ઇન્ડિયન પ્લૅનેટરી સોસાયટીના ચૅરમૅન ડૉ. જે.જે. રાવલ પાસેથી એ વિશે પૂરેપૂરી માહિતી મેળવું ત્યારબાદ જ લખવા બેસું. મેં ક્યારેક સ્પૅસ વિશે એક લેખ લખવા માટે કલાકો સુધી ડોક્ટર જે. જે. રાવલ સાથે વાતો કરી છે. જેમ કે ભારતે મિસાઇલ છોડીને સ્પૅસમાં ફરી રહેલા સેટેલાઈટને ફૂંકી મારવાની સિદ્ધિ મેળવી એ વિશે મેં ‘દિવ્યભાસ્કર’ની મારી કોલમમાં એક લેખ લખ્યો. હું ચેલેન્જ સાથે કહી શકું કે બીજે ક્યાંય એટલી માહિતી વાચકોને નહીં મળી હોય.

મયુરિકા લેઉઆ : માઇક્રોફિક્શન વાર્તાપ્રકાર વિષે આપનું મંતવ્ય છે?

આશુ પટેલ : હાલમાં જે માઇક્રોફિક્શન લખાય છે તે માઇક્રોફિક્શન છે જ નહીં. માઇક્રોફિક્શનના નામે ટુચકાં, જૉક અને વન-લાઇનર્સ લખવામાં આવે છે. અને એક પ્રકારનું ડિંડક ચલાવવામાં આવી રહ્યું છે. જે મને તો અનહદ ગુસ્સો આપે છે. મને ઘણી વાર્તાઓ વાંચીને વિચાર આવે કે એના લેખકને ખબર છે કે એ શું કહેવા માગે છે? પછી વાચક સમજશે . પહેલાં લેખકને તો ખબર પડવી જોઈએ ને? માઇક્રોફિક્શન વાર્તાઓ એટલે કોઈને ખબર ના પડે તેવી વાર્તાઓ નહીં. કોઈ વાર્તાપ્રકાર સાથે આટલી હદના ચેડાં થાય તે આ પ્રકારના સાહિત્યને ક્યાં લઈ જશે તે વિચારવાની બાબત છે.

મયુરિકા લેઉઆ : અમારું ‘સર્જન’ વૉટ્સએપ ગૃપ પણ માઇક્રોફિક્શન વાર્તાપ્રકારના યોગ્ય બંધારણ અને સ્વરૂપ મુજબ વાર્તાઓ લખવાના ઉદ્દેશ સાથે કામ કરે છે.

આશુ પટેલ : તો તો ખૂબ સારું. જો આવું ગૃપ કે જે યોગ્ય માઇક્રોફિક્શન વાર્તાઓ કે જેમાં પંચ હોય, કોઈ મેસેજ હોય એ મુજબ લખવાનો પ્રયાસ કરતું હોય તો ખૂબ આનંદની વાત છે. તેની સાથે જોડાયેલાં સૌ સભ્યોને મારી શુભેચ્છાઓ.. 

Leave a comment

Your email address will not be published.

3 thoughts on “પત્રકાર અને લેખક આશુ પટેલ સાથે વાર્તાલાપ”