ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

સંપાદકીય : મયુરિકા લેઉવા-બેંકર

હાલમાં સાહિત્ય સાથે થોડી પણ નિસ્બત ધરાવતા કોઈ વ્યક્તિને વાંચન વિશે પૂછીએ તો એમ જ કહેશે કે અત્યારની દોડધામભરી જિંદગીમાં લોકો પાસે વાંચવાનો સમય જ ક્યાં છે? પણ એવું નથી અગાઉ અખબારો, સામયિકો અને પુસ્તકો સુધી સિમિત રહેલા વાંચનની ક્ષિતિજો ઇન્ટરનેટના માધ્યમ થકી કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઇલ ફોનની સ્ક્રીન સુધી વિસ્તરી છે. અને સ્થળના બંધનો તોડી જે તે ભાષાનું સાહિત્ય દેશવિદેશમાં ઉપલબ્ધ થયું છે. સાથોસાથ વાચકોએ પણ બદલાતા જમાના સાથે તાલ મિલાવ્યા છે. આજનો વાચક બસસ્ટેન્ડ કે રેલવે સ્ટેશન પર રાહ જોતા, ઓફિસમાં ટી બ્રેક કે કામની વચ્ચે મળતા ગેપ દરમિયાનના સમયમાં વાંચનભૂખ સંતોષી શકાય એવા વાર્તાપ્રકારને વાંચી આનંદ અને સંતોષ પામે છે.

હા, તેમના વાંચનનું માધ્યમ બદલાયું છે. ગુજરાતી સાહિત્યને સમર્પિત અલગ અલગ વેબસાઇટ્સ આ કામ સુપેરે પાર પાડી રહી છે. આવી વિવિધ વૅબસાઇટ્સ પૈકી અગ્ર હરોળમાં મૂકી શકાય એવી વૅબસાઇટ છે માઇક્રોસર્જન.ઇન. જે ગુજરાતી માઇક્રોફિક્શન વાર્તાઓ પ્રકાશિત કરતી અને માઇક્રોફિક્શન વાર્તાઓને સમર્પિત સૌપ્રથમ અને એકમાત્ર વૅબસાઇટ છે. માઇક્રોસર્જન.ઇનના સર્જન ઇ-મેગેઝીનના નવા અંક માટે સંપાદન કરવાનો અવસર પ્રાપ્ત થયો તો પ્રશ્ન થયો કે એમાં શું શું સમાવી શકાય? પૂર્ણપણે માઇક્રોફિક્શન વાર્તાપ્રકારને વરેલા આ મેગેઝિનને વધુ રસપ્રદ, વધુ વૈવિધ્યસભર, વધુ મનોરંજક, વધુ લોકભોગ્ય બનાવવું શરૂઆતમાં પડકારજનક લાગ્યું હતું પણ જેમ જેમ સંપાદનકામ થતું ગયું તેમ તેમ રસ્તો મળતો ગયો.

આ અંકમાં અમે પ્રયત્ન કર્યો છે કે વાચકને માઇક્રોફિક્શન વાર્તાઓ થકી કળાના નવરસનું રસપાન કરવા મળે. વાચકને વાંચનસામગ્રી તો મળી રહે પણ સાથે સાથે માઇક્રોફિક્શન વાર્તા વિશેનો ખ્યાલ પણ સુસ્પષ્ટ અને વ્યાપક બને. અંકનો પહેલો અને મુખ્ય ભાગ માઇક્રોફિક્શન વાર્તાઓથી ઘડાયેલો છે. જેમાં અવનવા વિષયો, રોમાંચક ઘટનાઓ, પ્રવાહી આલેખન, અંતે લાગતી ચોટ કે ધક્કો અને પછી શું થયું હશે એ જાણવાની અદમ્ય ઉત્સુકતા વગેરે જેવી લાક્ષણિકતાઓ ધરાવતી બળુકી માઇક્રોફિક્શન વાર્તાઓ વાચકને નિઃશંકપણે જુદા જુદા ભાવવિશ્વની સફર કરાવશે અને વાંચનરસ દ્વારા નિષ્પન્ન થતાં મનોરંજનમાં ગળાડૂબ ભીંજવશે.

મીનાક્ષીબેનની વાર્તા “ગુનેગાર”માં પ્રથમ દ્રષ્ટિએ વાચક જે વાંચે છે તે ઉપરાંત, એની સમાંતરે બીજો અર્થ પણ લઈને ચાલે છે કે જેમાં ક્યાંક ને ક્યાંક આપણી જિંદગીનો રણકો સંભળાય છે. અમુક પરિસ્થિતિઓમાં આપણી અંદરનો માણસ મરી ચૂક્યો હોય છે અને એને મારનાર આપણે પોતે હોઈએ છીએ. સુષ્મા શેઠની વાર્તા ‘પેટીકોટ’ સ્ત્રીની મજબૂરીને પેટીકોટના રૂપક દ્વારા ધારદાર રીતે રજૂ કરે છે તો સામે છેડે પ્રફુલ્લાબેન શાહની વાર્તા ‘અધૂરો’ પણ બાળક ન થવાની સ્થિતિમાં મજબૂર સ્ત્રી કેવી રીતે પૂર્ણતા પામે છે તે દર્શાવે છે. ઇન્ટરવ્યૂ વિભાગમાં મુંબઈસ્થિત જાણીતા લેખક અને પત્રકાર આશુ પટેલના જીવનની વાતો અને માઇક્રોફિક્શન વાર્તાપ્રકાર વિષે તેમનો મત જાણવાની કોશિશ કરવામાં આવી છે. માઇક્રોફિક્શન વાર્તાઓ પોતે જ ટચૂકડી વાર્તાઓ છે પણ માત્ર છ થી દસ શબ્દોમાં પણ આહથી વાહની કમાલ કરી શકાય છે તેનો પુરાવો આપતી અતિટચૂકડી વાર્તાઓ વાચકના ચિત્તતંત્રમાં ખળભળાટ કરી મૂકે તેમ છે. સર્જન વૉટ્સઍપ ગૃપના સભ્ય એવા ડૉ નિલય પંડ્યા ગૃપમાં મૂકાતી વાર્તાઓના પ્રલંબ અને સૂક્ષ્મ વિશ્લેષણ માટે લોકપ્રિય છે. તેમના આ અનોખા કસબનો સર્જન મેગેઝિનના વાચકોને લાભ આપવાનું કેમ ચૂકાય? સર્જનસભ્ય પિયુષ જોટાનિયાની માઇક્રોફિક્શન વાર્તા ‘ભૂતકાળ અને ભવિષ્ય’નું ડૉ નિલય પંડ્યાની કલમે થયેલું બારીક વિશ્લેષણ વાચકની સાથે લેખકોને પણ પસંદ પડે એવું છે. સર્જનસભ્ય લીના વચ્છરાજાનીની વખણાયેલી વાર્તા ‘અહલ્યા’નો માર્મિક આસ્વાદ ગૃપના સક્રિય સભ્ય અને ખૂબ સારા માઇક્રોફિક્શન વાર્તાઓના રચયિતા ભારતીબેન ગોહિલે એમની આગવી શૈલીમાં કરી વાર્તા વાંચવાની નોખી દ્રષ્ટિ ખોલી આપી છે. સર્જન વૉટ્સઍપ ગૃપમાં સમયાંતરે ઝેનકથાઓ વિષે ચર્ચા એ ગૃપનો લોકપ્રિય અને વિચારોની નવી દિશાઓ ઉઘાડનાર ઉપક્રમ છે. જાણીતી ઝેનકથા અને તેના વિષે સભ્યોએ તારવેલ અર્થોનો એક તાંતણો ઝેનકથાનો અર્થવિસ્તારના વિભાગમાં વાચકો જોગ ઉપલબ્ધ કરવાનો પ્રયાસ કરાયો છે. સર્જન ગૃપ દ્વારા માઇક્રોફિક્શન વાર્તાઓના પ્રચાર-પ્રસાર હેતુ જુદા જુદા શહેરોમાં યોજાયેલ માઇક્રોફિક્શનની મહેફિલો પર નજર નાંખવી પણ ગમશે. ગાગરમાં સાગર સમાવતી આ અદ્ભુત વાર્તાઓ સર્જન ગૃપ પૂરતી મર્યાદિત ન રહેતાં દિવ્ય ભાસ્કર અને ફૂલછાબ જેવા બહોળો વાચકવર્ગ ધરાવતા અખબારો સુધી પહોંચી છે એ વાતનો આનંદ છે. છેલ્લે છેલ્લે સર્જન ગૃપના સૂત્રધાર એવા જિજ્ઞેશ અધ્યારૂ દ્વારા ચર્ચાના ભાગરૂપે મૂકવામાં આવેલ એક વિડિયો પર કેટલાંક સભ્યોએ શીઘ્ર વાર્તાલેખન કરી સુંદર માઇક્રોફિક્શન વાર્તાઓ રચી, જેને શીઘ્ર માઇક્રોફિક્શન વાર્તાલેખન તળે સમાવી આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરી છે.

ગુજરાતી ભાષામાં નવીન એવા માઇક્રોફિક્શન વાર્તાપ્રકારની નજીક લઈ જતો, તેને બહુઆયામી દ્રષ્ટિકોણથી રજૂ કરતો અને ગુજરાતી વાચકો સમક્ષ ટચૂકડી વાર્તાઓના વિશાળ વિશ્વના દરવાજા ખોલી આપતો સર્જન વૉટ્સઍપ ગૃપના ઇ-મેગેઝિનનો અગિયારમો અંક આપ સૌને જરૂર ગમશે એવી અતૂટ આશા સાથે આનંદની લાગણી અનુભવીએ છીએ.

જય સર્જન.

Leave a Reply to ગોપાલ ખેતાણી Cancel reply

Your email address will not be published.

4 thoughts on “સંપાદકીય : મયુરિકા લેઉવા-બેંકર”