ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ટીપ (માઈક્રોફિક્શન) – સુષમા શેઠ

પંચતારક રેસ્ટોરન્ટમાં પાછલા બારણેથી દાખલ થઈ તેણે વેઇટરનો શ્વેત ઈસ્ત્રીટાઈટ યુનિફોર્મ ધારણ કરી લીધો. યુનિફોર્મપર ડાઘ, ધબ્બા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું પડતું. કેટલીય વાર થતું,’આ નોકરી છોડી દઊં.’

મનમાં પડેલી કેટલીયે કરચલીઓ અને જીવનની કાળાશ મનમાં જ ધરબી દીધી. ચહેરા પર બને તેટલી સ્વસ્થતા અને હસતા હોઠ સાથે ચુપચાપ તે ગ્રાહકોને સંતોષ પીરસવાની કામગીરી કર્યે રાખતો. બદલામાં મળતી ગાળો, અપમાન અને રોષ ગળે ઉતારી જવા પડતા. થાકી હારીને યુનિફોર્મ ઉતારી ઘરે જાય ત્યારે ત્યાં પણ તેવી જ પરિસ્થિતિ.

ફરક એટલો જ કે બહાર ટીપ મેળવવા લંબાવેલો હાથ, ઘરે પત્નીના હાથમાં  મૂકવા માટે લંબાતો, અને તે થોડું મલકાતી.

તેને મલકતી જોવાના લોભમાંને લોભમાં તે લાંબો થતો ગયો. પોતાની જાત ક્યારે ટૂંકી થઈ ગઈ તેની ખબર ન પડી.

ઇસ્ત્રીટાઇટ શ્વેત યુનિફોર્મને તેણે જતનપૂર્વક પસવારીને હેંગરમાં લટકાવ્યો, ડાઘ ન પડે તે રીતે..

Leave a comment

Your email address will not be published.